Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પેલેસ રોડ પરના શો રૂમમાંથી વડવાજડીના માતા-પુત્રએ સોનાનો ચેઇન ચોર્યોઃ ધરપકડ

સીસીટીવી ફૂટેજ અને એ-ડિવીઝનના ભરતસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ ઝાલા, જગદીશ વાંક અને મોૈલિક સાવલીયાની બાતમી પરથી ડિટેકશનઃ શંકા ન જાય એટલે એક ચેઇન ખરીદ કર્યો, બીજો બઠ્ઠાવી લીધો'તો! : ઇન્દુબા રેવરે નજર ચુકવી ચેઇન સેરવી પુત્ર યશવંતસિંહને આપી દીધો'તો

રાજકોટ તા. ૨: પેલેસ રોડ પર સોનાના દાગીનાના શો રૂમમાંથી પરમ દિવસે સવારે સોનાના ચેઇનની ચોરી થઇ હતી. બે મહિલા અને એક યુવાન ખરીદી કરવા આવ્યા હતાં. જેમાં મહિલાએ ચેઇન ખરીદ કર્યો હતો અને યુવાન ખરીદી કર્યા વગર બહાર નીકળી ગયો હતો. બંને જતાં રહ્યા બાદ એક ચેઇન ઓછો હોવાની ખબર પડી હતી. એ-ડિવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અને બાતમીને આધારે તપાસ કરતાં ચોરી વડવાજડીમાં રહેતાં ગુર્જર રજપૂત પરિવારના માતા-પુત્રની સંડોવણી ખુલતાં બંનેની ધરપકડ કરી ચેઇન કબ્જે કર્યો છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભકિતનગર સોસાયટી મેઇન રોડ પર નારાયણ વંદના ખાતે રહેતાં અને પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર સામે રાજશ્રૃંગી કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં જયદિપ જ્વેલર્સ નામે શો રૂમ ધરાવતાં બકુલભાઇ મુળજીભાઇ ધોરડા (સોની) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

બકુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું  કે તે આ શો રૂમમાં રેડીમેઇડ સોનાના દાગીનાનો વેપાર કરે છે. ૩૧/૫ના સવારે નિત્યક્રમ મુજબ શો રૂમ પર આવ્યા હતાં. અહિ રક્ષીતભાઇ ઝીંઝુવાડીયા, જયદિપભાઇ, મિહીરભાઇ સહિતના નોકરી કરે છે. સવારે સાડા અગિયાર આસપાસ બે મહિલા અને બે બાળકો તથા એક ભાઇ આવ્યા હતાં અને સોનાનો ચેઇન બતાવવા કહ્યું હતું. અજાણ્યા ભાઇએ ચેઇન જોયા હતાં. પરંતુ ખરીદી કરી નહોતી અને બહાર જતાં રહ્યા હતાં. બે મહિલાએ સોનાનો ચેઇન ખરીદ કર્યો હતો.

સેલ્સમેન રક્ષીતભાઇ બાદમાં દાગીના પરત મુકતા હતાં ત્યારે એક ચેઇન ઓછો પડ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતાં મહિલાઓ સાથે આવેલો અજાણ્યો યુવાન નજર ચુકવી ચેઇન સરેવી પોતાના પેન્ટના ખિસ્સામાં ચેઇન મુકતો અને બહાર નીકળી જતો દેખાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, ડી. બી. ખેર, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, ઇન્દ્રજીતસિંહ જોજા, કોન્સ. મેરૂભા ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા અને જગદીશભાઇ વાંક સહિતે તપાસ શરૂ કરી એએસઆઇ ભરતસિંહ, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ, કોન્સ. જગદીશભાઇ અને મોૈલિકભાઇની બાતમી પરથી બે આરોપી યશવંતસિંહ કિરીટસિંહ રેવર (ગુર્જર રજપૂત) (ઉ.વ.૨૧-ધંધો કારખાનામાં નોકરી, રહે. વડવાજડી, બાલાજી પાર્ક તા. લોધીકા) તથા તેના માતા ઇન્દુબા કિરીટસિંહ રેવર (ઉ.વ.૪૮)ની ધરપકડ કરી રૂ. ૪૨૬૫૦નો ચેઇન કબ્જે કર્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ એક ચેઇનની ખરીદી કરી ઇન્દુબાએ પૈસા ચુકવ્યા હતાં. બીજો એક ચેઇન સેરવી લઇ તેણે દિકરાના હાથમાં આપી દીધો હતો. જે તે ખિસ્સામાં મુકી બહાર નીકળી ગયો હતો. પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ બંનેએ કર્યુ હતું. પીએસઆઇ ભટ્ટ વધુ તપાસ કરે છે. મહિલાના પતિ સિકયુરીટીમાં નોકરી કરે છે.

(3:52 pm IST)