Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટ એસ.ટી.ની ૨૫૦ બસ દોડવા લાગી : રોજની ૪૦૦ ટ્રીપ

રોજની ત્રણ લાખની આવક થવા માંડી : જોકે હજુ અમદાવાદ, સુરત, વડોદરાની બસમાં માત્ર ૧૦ થી ૧૫ પેસેન્જરો જ હોય છે : ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, કાલાવડ રોડ અને માધાપર ચોકડીના પીકઅપ બસ સ્ટેન્ડો ચાલુ કરી દેવાયા : દરેક બસ સ્ટોપે થર્મલ ગનથી મેડીકલ ચેકઅપ : પાર્સલ સુવિધા હમણા શરૂ નહી થાય : નવુ 'બસ પોર્ટ' શરૂ થતાં હજુ સમય લાગશે

રાજકોટ તા. ૨ : લોકડાઉન બાદ હવે અનલોક ૧.૦માં સરકારે રાજ્યભરમાં એસ.ટી. બસોમાં કેટલાક સુરક્ષાના નિયમોને આધિન પેસેન્જરોની હેરફેર કરવા છુટ આપી છે ત્યારે રાજકોટ એસ.ટી. ડેપોએ તેની ૨૫૦ બસ શરૂ કરી દીધી છે જે રોજની ૪૦૦ ટ્રીપ મારે છે જેના કારણે રાજકોટ ડેપોની આવક થોડી વધી છે હાલ રોજ ત્રણ લાખની આવક થઇ રહી છે. એસ.ટી.ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એસ.ટી. ડેપો દ્વારા હવે રાજ્યભરમાં ૪૦૦ રૂટ ઉપર ૨૫૦ જેટલી બસ દોડાવવાનું શરૂ થઇ ગયું છે.

જોકે હજુ અમદાવાદ સુરત, બરોડા જેવા રેડ ઝોનમાં આવતા રૂટ ઉપર અપૂરતો ટ્રાફિક છે. આ રૂટની બસમાં ૧૦ થી ૧૫ પેસેન્જરો જ હોય છે. નિયમ મુજબ બસમાં ૩૦ પેસેન્જરો લઇ જઇ શકાય પરંતુ હાલ આ રૂટની બસો ખાલી જાય છે.

દરમિયાન રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી અને કાલાવડ રોડ ઉપર એસ.ટી.ના 'પીક અપ બસ સ્ટોપ' પણ ચાલુ થઇ ગયા છે.

આ 'પીક અપ સ્ટોપ' ઉપર બે-બે કર્મચારીઓ બેસાડી દેવાયા છે જે મુસાફરોનું થર્મલ ગનથી મેડીકલ ચેકઅપ કરી રહ્યા છે. આમ, સુરક્ષાના નિયમોનો એસ.ટી. પૂરેપૂરો અમલ કરી રહેલ છે.

જોકે રાજકોટ ડેપોમાં હજુ પાર્સલ સેવા શરૂ નથી કરી. આ સેવા શરૂ કરવામાં હજુ વાર લાગશે.  તેવી જ રીતે શહેરની મધ્યે બનાવાયેલ નવુ 'બસ પોર્ટ' શરૂ કરવામાં હજુ સમય લાગશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

(3:02 pm IST)