Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અનલોક-૧.૦ જાહેર થતા રીક્ષાના સેલ્ફ-એન્જીન પણ 'અનલોક' થયાઃ રીક્ષાચાલકોની સફર શરૂ

છેલ્લા સવા બે મહિનાથી બંધ હાલતમાં રહેલ રીક્ષાની ઘર..રેરાટી શરૂ થઇઃ ઘણાં કિસ્સામાં લોકોને પણ રાહત : સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમ મુજબ રીક્ષાચાલક બે પેસન્જર્સને બેસાડી શકે છેઃજો કે પહેલા કરતા દૈનિક આવક ઓછી થાય છે : ભાડા વધી ગયાઃ યુનિવર્સિટી રોડ - કાલાવડ રોડથી જાગનાથ, યાજ્ઞિક રોડ કે બસ સ્ટેન્ડ જવાના વ્યકિતદીઠ ૪૦ થી પ૦ રૂપિયાઃ લોકડાઉન પહેલા ૧૦ થી ર૦ રૂપિયા હતા

રાજકોટ તા. ર :.. ૩૧ મે ના રોજ લોકડાઉન ૪.૦ પુરૂ થતાં અને  સરકાર દ્વારા અનલોક ૧.૦ જાહેર થતાં રાજકોટમાં રહેલ હજજારો ઓટો રીક્ષાના સેલ્ફ અને એન્જીન પણ 'અનલોક' થઇ ગયા છે. ફરી પાછી રીક્ષા ચાલકોની સફર શરૂ થઇ ગઇ છે. રાજકોટના વિવિધ માર્ગો ઉપર ઓટો રીક્ષાની ઘર... રેરાટી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે.

ઓટો રીક્ષાઓ શરૂ થતાં ઘણાં કિસ્સામાં લોકોને પણ રાહત થતી જોવા મળે છે. શેરી - ગલીઓમાં કે જયાં સીટી બસો પહોંચી નથી શકતી ત્યાં ઓટો રીક્ષા આશીર્વાદરૂપ થતી હોય છે. જો કે કોરોનાને કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નવા નિયમો આવતા લોકોને પહેલા કરતા રીક્ષા ભાડા મોંઘા લાગી રહ્યા છે.

કારણ કે પહેલા એક ઓટો રીક્ષામાં ત્રણ થી ચાર પેસેન્જર્સ જોવા મળતા હતા. ઘણી વખત પાંચ-પાંચ પેસેન્જર્સ (રીક્ષા ચાલકની આજુ બાજુ બે) પણ જોવા મળતા હતાં. જેઓ પાસેથી ૧૦ થી ર૦ રૂ. ભાડુ લઇને રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં ડ્રોપ કરી દેવામાં આવતા હતાં.

પરંતુ હવે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોને કારણે તથા કડક ચેકીંગના કારણે રીક્ષા ચાલક હાલમાં બે જ મુસાફરોને બેસાડી શકે છે. જેને કારણે રીક્ષા ભાડામાં પણ વધારો જોવા મળે છે. દા. ત. પંચાયતનગર, યુનિવર્સિટી રોડ કે કાલાવડ રોડ, કે. કે. વી. ચોકથી જાગનાથ, યાજ્ઞિક રોડ, બસ સ્ટેન્ડ સુધી જવું હોય તો કોરોના-લોકડાઉન પહેલા પેસેન્જર દીઠ દસ થી વીસ રૂપિયા ચાલતા હતાં. હવે એક પેસેન્જરના ૪૦ થી પ૦ રૂપિયા સાંભળવા મળે છે. રકઝકના અંતે ૩૦ રૂપિયા સુધી ચાલ્યું જતું હોય છે.

આ રીતે ભાડા વધવા છતાં પણ રીક્ષા ચાલકોની દૈનિક આવકમાં ઘટાડો થયો હોવાનું અમુક રીક્ષાચાલકો જણાવે છે. તેઓના કહેવા મુજબ સામાન્ય રીતે લાંબો રૂટ હોય (બસ સ્ટેન્ડથી યુનિવર્સિટી કે કાલાવડ રોડ) તો વચ્ચે ઘણાં બધા પોઇન્ટ આવવાથી મુસાફરને દસ થી વીસ રૂપિયામાં પસંદગીના  એક પોઇન્ટ ઉપર ઉતારી દેવામાં આવે અને ત્યાંથી તુરત જ નવા પેસેન્જર્સ રસ્તામાંથી મળી જતા હોય છે. જેને કારણે આખા રૂટ દરમ્યાન વધારે વક્રો થઇ જતો જોવા મળે છે.

જયારે હાલમાં તે મુસાફરના નિશ્ચિત છેલ્લા સ્થાન સુધીના જ રૂપિયા લેવા પડતા હોય છે. જેને કારણે પ્રમાણમાં દૈનિક આવક  છેલ્લા બે દિવસથી ઓછી દેખાઇ રહી છે. છતાં પણ ઘણાં રીક્ષાચાલકો હકારાત્મક વિચારે છે કે છેલ્લા સવા બે મહિનાથી ધંધો સાવ બંધ હતો અને ઘરના રોટલા જ ભાંગતા હતા તેના કરતા ધીમે - ધીમે બધુ શરૂ તો થયું. સાથે - સાથે થોડી - થોડી આવક શરૂ થતાં ખર્ચા કાઢવામાં પણ રાહત મળતી થઇ હોવાનું જણાવી રહ્યા છે.

(2:41 pm IST)