Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અનિલ બિશ્વાસ : સૂરમાં જીવે છે, શ્રોતાઓના ઉરમાં જીવે છે

જિંદગીનો એ જ સાચો પડઘો છે ગની હોય ના વ્યકિતને એનું નામ બોલાયા કરે

ગની દહીંવાલાનો આ શેર આપણે સામાન્ય રીતે મૃત્યુ પામેલા કોઈને અંજલી આપવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ પરંતુ અનિલ બિશ્વાસ માટે તો આ જીવતેજીવ બોલાય તેવું હતું. કારણ કે હિન્દી સિનેમાને અલવિદા કહી દીધાને સાડા ત્રણ દાયકા વીતી ગયા હતા છતાં જુના ગીતોનાં ચાહકો અને તેમની પેઢીનાં લોકો તેમજ સંગીતકારો તેમનું નામ એ જ આદર અને સન્માનથી લેતા. મોટા ગજાના સંગીતકાર અને ખાસ તો ભારતીય સિને ક્ષેત્રના આદ્યસંગીતકાર અનિલ બિશ્વાસનું નામ વધારે મોટું થઇ ગયુંઙ્ગ જયારેઙ્ગ એ નામની આગળ સ્વર્ગીય એવા સાડા ત્રણ અક્ષરો ઉમેરાઈ ગયા.

૮૯ વર્ષની જૈફ ઉંમરે અનિલ બિશ્વાસના જીવનની ભૈરવી ગવાઈ ગઈ ભારતીય સિનેમામાં હજી સંવાદો પણ શરુ જ થયાં હતા તે પછીનાં ત્રણ-ચાર વર્ષોમાં જ જે સંગીતકારો એ તેમની કળાનો ઉજાસ પાથર્યો તે ઉજાસના સથવારે હજી ભારતીય સિને સંગીતની સફર ચાલુ છે. નૌશાદ, ખેમચંદ પ્રકાશ કે આર.સી.બોરાલ કે ઓ.પી. નૈયર કરતાં પણ આગળ એટલે કે સિનીયોરીટીમાં અનુભવમાં જેમનું નામ મૂકી શકાય તે અનિલ બિશ્વાસ.

દોઢેક દાયકા પહેલાં રાજકોટમાં કાવેરી હોટેલ ખાતે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો, સ્પષ્ટ વાતો, ખુલ્લા તથા ધારદાર અને સીધેસીધા પારદર્શક વિચારો.ઙ્ગ પૂછ્યું અમે, (મારી સાથે એ વખતે સંદેશ દૈનિકમાં કામ કરતા સંગીત રસિક પત્રકાર સુજિત બોઝ પણ હતા. પહેલાં અનિલદાએ ઇન્ટરવ્યૂ માટે ઇનકાર કર્યો. હોટલના રુમ માંથી જ ના કહેવડાવી. પણ બોઝભાઇએ બંગાળીમાં કંઇક વાત-વિનંતિ કરી અને દાદા તરત નીચે આવી ગયા. ) 'દાદા હવે ફિલ્મોમાં સંગીત આપવાનું કેમ મૂકી દીધું ?' ટીકા ટિપ્પણ વગર એક જ જવાબ , 'અત્યારનાં સમય સાથે હું સુસંગત થઇ શકું તેમ નહોતો, સમયની સાથે ચાલવું અશકય હતું અને જે સમયની સાથે ન ચાલે તે ફેંકાઈ જાય.... એટલે મેં હવે સંગીત આપવાનું બંધ કર્યું છે.' ગુજરાતી સંગીતકારો અજીત મર્ચન્ટ, અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદારનાં પણ તેમને વખાણ કર્યા હતા, ન ગમે તે વાત મોઢું બગાડીને કોઈને મોઢે મોઢ કહી દેનારા અનિલદા અંદરથી ઋજુ હતા.

ઙ્ગભારતીય સિને સંગીતને અનિલદાએ ઘણું આપ્યું હતું. ૭૨ જેટલી ફિલ્મોમાં સંગીત તો તેમણે આપ્યું અને તેમના પછી જે સંગીતકારો આવ્યા તેમનાં ગીતો જેટલાઙ્ગ કદાચ અનિલદાના ગીતો લોકપ્રિય ન બન્યા પણ એ શરૂઆતનો સમય હતો, ઓછા સાધનો હતા અને એવા દિવસોમાં ભારતીય ફિલ્મોમાં સંગીતનો ઉદભવ થયો ત્યારથી અનિલ બિશ્વાસનું નામ તેની સાથે છે અને તેમનું યોગદાન ઓછું નથી.

ઙ્ગજેનાં અવાજનાં અનેક લોકો આજે પણ દિવાના છે તે મુકેશને બ્રેક આપનાર આમ મોતીલાલ પણ મુકેશે જે પ્રથમ ગીત ગાયું- એમ કહેવાય છે એઙ્ગ 'પહેલી નજર'નું ફિલ્મનું સંગીત આપ્યું હતું અનિલ બિશ્વાસે. બહુ જાણીતી (સાંભળેલી,કન્ફર્મ ન હોય એવી) વાત છે કે, જયારે રેકોર્ડીંગમાં પહોંચવાનું હતું ત્યારે મુકેશ થોડા મોડા પડ્યા અને આ કડક મિજાજી સંગીતકાર એટલે કે અનિલદા એટલે કે સ્વર્ગસ્થ અનિલ બિશ્વાસે મુકેશને કચકચાવીને એક તમાચો ઝીંકી દીધો હતો, એ ગીત કયું ખબર છે ને ? પેલું સાયગલાના અંદાઝમાં ગવાયેલું ગીત, 'દિલ જલતા હૈ તો જલને દે...'ઙ્ગ મુકેશ પ્રત્યે પછી પણ જો કે તેમને ખૂબ લાગણી હતી અને તેમણે ઘણા ગીતો તેની પાસે ગવરાવ્યા, 'જીવન સપના તૂટ ગયા, જમાને કા દસ્તુર હૈ યે પુરાના, મિટાકર બનાના....' (લાજવાબ ૧૯૫૦) 'અય જાને જિગર દિલ મેં સમાને આજા'(આરામ, ૧૯૫૧) જેવા ગીતો આજે પણ લોક જીભે છે.

મુકેશનું આ દિલ જલતા હૈ તો જલને દે ગીત ૧૯૪૫ના વાત છે. જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા એક લેખમાં નોંધે છેઃ ૧૯૪૧માં પણ 'નિર્દોષ' ફિલ્મમાં મુકેશનું ગીત 'દિલ હી બુઝા હુઆ હૈ તો ફસ્લે બહાર કયા......' અનિલદાએ જ ગવડાવ્યું હતું.

ગમે તેને જાહેરમાં પણ તતડાવી નાખવાની આદત ધરાવતા અથવા તો સ્પષ્ટ વકતા કહી શકાય તેવા અનિલ બિશ્વાસને તલત મહેમુદ પ્રત્યે વિશેષ અનુરાગ હતો. તલતને જયારે પ્રથમ વખત તેમણે સાંભળ્યા ત્યાર પછી તલત મહેમુદ બીજીવાર ગયા ત્યારે તેણે મૂળ અવાજને બદલે બીજી રીતે ગાવાનો પ્રયાસ કર્યો અને અનિલદાએ કહ્યું, 'ઐસે કયું ગા રહે હો ? નહીં મુજે વહી તલત ચાહીએ' અને આજેય જે મખમલી, કંપનવાળો અવાજ તલત મહેમુદનો આપણે સી.ડી. કે

કેસેટ કે યુ ટ્યૂબમાં, સારેગા કારવામાં માણી શકીએ છીએ તેની પાછળ અનિલદાની આ ડીમાન્ડ જવાબદાર છે.ઙ્ગ ટીવીએસ સારેગામામાં સ્વયં અનિલ બિશ્વાસે તલત મહેમુદની તસવીર પોતાના હાથમાં લઈને તેઓને અંજલી આપી હતી ત્યારે તેમની આંખમાંથી અનોખો ભાવ છલકાતો હતો. મુકેશ અને તલત મહેમુદ, હિન્દી સિનેમાના રત્નો પૈકી આ બે ડાયમંડને પારખનાર ઝવેરી હતા અનિલ બિશ્વાસ.

ઓ.પી. નૈયરે જેમ લતા મંગેશકર પાસે ગીતો ન ગવડાવ્યા તેમ અનિલ બિશ્વાસે મહંમદ રફીને રેકોર્ડીંગ સ્ટુડિયોમાં કયારેય ગાવા ન બોલાવ્યા. એક જ ફિલ્મમાં તેમણે રફીનો અવાજ લીધો માત્ર 'હીર' ફિલ્મમાં.ઙ્ગ ઘણી ફિલ્મોમાં અભિનય આપનાર તપન કુમાર એટલે કે તલત મહેમુદને ગાવા કરતાં એકિટંગનો જ શોખ વધારે હતો પરંતુ અનિલદાએ જ કહ્યું કે એકિટંગ ભૂલી જા, ગાવાનું જ ચાલુ રાખ અને ૧૯૫૧માં તલતના અવાજમાં પહેલું ગીત તેમણે રેકોર્ડ કર્યું, 'એ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો....' પછી તો આ મુલાયમ અવાજ દ્વારા અનિલદાએ અનેક સ્મરણીય ગીતો સંગીતચાહકોને આપ્યા. લતા મંગેશકર પણ અનિલદાની લગભગ પહેલી પસંદ રહેતા અને વાચકજીઓ અગત્યનીઙ્ગ વાત એ છે કે, લતાજીએ ગાયેલા અને લોકપ્રિયતાનાં શિખરે પહોંચેલા ગીતો ભલે નૌશાદ, કે શંકર-જયકિશન કે સી. રામચન્દ્રનનાં હોય પણ આ શિખરે પહોંચવાનો માર્ગ તો લતાજીને અનિલ બિશ્વાસે જ બતાવ્યો હતો તેવું બીજું કોઈ નહીં પરંતુ લતાજી જ કહે છે.

ગીતો ગાતી વખત શ્વાસની ક્રિયા કેવી રીતે કરવી, બે શબ્દો કે સ્વરણી વચ્ચે શું કરવું કે જેથી ગીતની મજા ન બગડે તેવી ટેકનીક લતિકાને એટલે કે લતા મંગેશકરને અનિલ બિશ્વાસે શીખવી હતી. અનિલદા લતાને લતિકે કહીને બોલાવતા. લતાજીએ પોતે નસરીન મુન્નિ કબીરને આપેલા દીર્ઘ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, (પુસ્તકઃ લતા મંગેશકર ઇન હર ઔન વોઇસ પાના નં. ૮૭) અનિલઙ્ગ બિશ્વાસે મને ઘણું શીખવ્યું. એમની સલાહ મને આજે ય યાદ છે. શ્વાસ કેમ લેવો અને કેમ મૂકવો એની ટેકિનક મને એમણે કરી. જેથી હું ગાઉં ત્યારે મારા શ્વાસ માઇકમાં કે શ્રોતાઓને સંભળાય નહીં.ઙ્ગ બીજું મને એમણે જે કહ્યું તે એ કે કોઇ એક સૂરમાં જો હું સ્ટ્રેસ અનુભવું તો શું કરવું, એમણે મને ઘણી ટેકિનક શીખવી.ઙ્ગ      'અનિલદા મને શીખવતા કે ગીત ગાતી વખતે શ્વાસ લેવા કયાં રોકાવું, જેથી ગીતના લયને પણ અસર ન થાય અને શ્રોતાઓની રસક્ષતિ પણ ન થાય. અને એક મોજ પડી જાય એવી વાત સચિન તેંદુલકર કયારેય રેસકોર્સનાં ફનવર્લ્ડના મેદાનમાં ટેનિસના દડે ક્રિકેટ રમે ? ન રમે તો કાંઈ નહીં પણ લતા મંગેશકરે એકવાર એટલે પોતે પ્રસ્થાપિત થયા પછી 'બડી બહુ' ફિલ્મમાં કોરસમાં ગયું હતું. સંગીતકાર હતા અનિલ બિશ્વાસનાં પ્રથમ પત્ની આશા બિશ્વાસ. સ્ટુડિયોમાં અનિલદાને લતા મળવા ગયા અને તેણે કહ્યું ચાલ ગાવા આવી જા.'

અનિલ બિશ્વાસે પછી પણ મીના કપૂરને આગળ વધારવાનાં વધારે પ્રયાસો કરવાને બદલે આગળ વધી ચૂકેલા લતાજી પાસે ગીતો ગવડાવ્યા હોત તો વધુ લોકપ્રિય ગીતો બનત પણ વધારે પડતાં સમાધાનો અનિલદાના સ્વભાવમાં નહોતા. મરજી મુજબ તેઓ જીવ્યા હતા. અને ગાયિકાઓની જ વાત છે ત્યારે ભૂલવું ન જોઈએ કે તેમણે પારૂલ ઘોષ પાસે કેટલાક ગીતો ગવરાવ્યા તેમાનું મજા પડી જાય, દિલ ઝૂમી ઉઠે એવું ગીત, 'પપીહા રે મેરે પિયા સે કહીઓ જાય...'ઙ્ગ અનિલ બિશ્વાસનાં સામર્થ્યનો આજેય એટલી જ બુલંદીથી સંભળાતો પડઘો છે. આ પારૂલ ઘોષ એટલે વિખ્યાત બાંસુરી વાદક પન્નાલાલ ઘોષનાં પત્ની. એ તો પછી થયાં પણ તે પહેલાંથી તે અનિલ બિશ્વાસનાં બેન હતા. અને પન્નાલાલ ઘોષ એટલે...? અરે કહ્યું તો ખરૃં વિખ્યાત બાંસુરીવાદક, હા પણ એ પહેલાં તો અનિલદાના મિત્ર.

ઘટના કંઇ સૂરિલી નથી, કર્કશ છેઙ્ગ ૧૯૩૦ના અરસો હતો. કલકત્તાના એક વૈદ્યને ત્યાં એક યુવક પહોંચ્યો.ઙ્ગ નિદાન થયું, ઘણા સમયથી ભુખ્યો હતો. મુઠ્ઠા ભરીને મમરા ખાઇ ગયોને ઉપરથી પાણી પીધું. એટલે તાવ આવી ગયો. પછી તો એ સૂઇ ગયો. પીઠ પર નિશાન હતા. વૈદ્ય કહે કોણે માર્યો. જેલમાં હતો, તો કહે હા. શું ચોર્યું તો કહેઙ્ગ અંગ્રેજ સરકારની ઊંઘ (એવું એમણે કહ્યું નહોતું....પણ એવું થયું હશે). ક્રાંતિકારીની પાર્ટીમાં હતો. બારીસાલમાં. પછી એ છોડીને અહીં આવી ગયો. એક મિત્ર છે પન્નાલાલ, વાંસળી શીખે છે પણ એ ય એના કોઇ સગાને ઘરે રહે છે એટલે એમને ત્યાં કેમ રહેવું......? એ યુવક આઙ્ગઅનિલદા. આ રીતે શરુ થઇઙ્ગ અનિલ બિશ્વાસની કલકત્તા આ પન્નાલાલ ઘોષ સાથેની મિત્રતા.

પછી તો હોટલમાં વેઇટર, પ્લેટ ઊપાડનાર, વાસણ ઉટકનાર તરીકે પણ કામ કર્યું.ઙ્ગ એ હોટલમાં મનોરંજન સરકાર નામનો એક જાદુગર પણ જમવાઙ્ગ આવે. એના કાને અનિલ બિશ્વાસનો અવાજ પડ્યો. એ એમને લઇ ગયા રાયબહાદુર અઘોરનાથના ઘરે. પન્નાલાલ ઘોષનો બુશકોટ પહેરીને એ ત્યાં ગયા હતા.ઙ્ગ એમણે ત્યાં ગાયું. જાયનોફોન કંપનીમાં કામ મળશે એવો વાયદો પણ મળ્યો. આવા ઉતાર ચડાવ (આમ તો ઉતાર જ) આવ્યા. રંગ મહેલ થિયેટર નામની નાટક કંપનીમાં એમને મહિને ચાલીસ રૂપિયાના પગારથી નોકરી મળી.ઙ્ગ પછી ફિલ્મ સંગીતકાર હિરેન બોઝનો કોલ આવ્યો અને અનિલ મુંબઇ જતા રહ્યા.ઙ્ગ 'ભારત કી બેટી'ઙ્ગ ફિલ્મ બની રહી હતી એમાં સંગીત આપ્યું અને એક ગીત લોકજીભે ચડ્યુઃ તેરે પૂજન કો ભગવાન બના મન મંદિર આલિશાન.....

ઙ્ગપછી તો 'ઘર ઘરમેં દિવાલી હૈ મેરે ઘરમેં અંધેરા...' 'દૂર હટો એ દુનિયા વાલોં હિન્દુસ્તાં હમારા હૈ...'. જેવાં ગીતો એમણે બોલીવુડને આપ્યાં.ઙ્ગ ભારતમાં પ્લેબેક સિગિંગ શરુ કરવાનું શ્રેય અલબત્ત્। પંકજ મલ્લિકને જાય પરંતુ મુંબઇમાં એની શરુઆત કરનાર અનિલ બિશ્વાસ. ' એક હી રસ્તા'ઙ્ગ ફિલ્મમાં એમણે ગીત પોતે ગાયાં.

ઙ્ગઆટલા બધાં ગાયકો પાસે તેમણે ગવરાવ્યું, તેમની કેરિયર બનાવી પણ એ અનિલ બિશ્વાસે પોતે પણ સારા ગાયક હતા. ૧૯૩૫માં બનેલી ફિલ્મ 'ધરમ કી દેવી'માં તેમણે ગીત ગાયું હતું, 'કુછ ભી ભરોસા નહીં દુનિયા હૈ આની જાની....' 'પોસ્ટમેન'ફિલ્મનું ગીત, 'હે અભિલાષી કયું પછતાએ, બિનભાગ કહો...' ૧૯૪૦માં બનેલી પૂજા ફિલ્મનું ગીત જીવન હૈ એક પ્રેમ કહાની પણ વખણાયું હતું અને 'ઔરત'ફિલ્મમાં અનિલ બિશ્વાસે ગાયું... 'કાહે કરતા હૈ દેર બારાતી જાના તો હૈ પી... કિ.... નગરીયા...'

ટીવીએસ સારેગામામાં અનિલ બિશ્વાસ ઘણીવાર આવ્યા હતા મૃત્યુનાઙ્ગ થોડા દિવસો પહેલાં તેમણે કહ્યું હતું, કે 'હવે આ સ્ટુડિયોમાં કદાચ આવવાનું બને કે ન બને કારણ હવે કદાચ ઉપરવાળાનું આમંત્રણ આવી પણ જાય'ઙ્ગ આપણને શું ખબર કે ત્યારે એ આમંત્રણ પોસ્ટ થઇ ગયું હશે !! અગાઉ જેમ કહ્યું તેમ અનિલ બિશ્વાસનાં ગીતો કદાચ નવી પેઢીને મોઢે રાખી શકાય તેવા નથી લાગતાં પરંતુ એક વાત ચોક્કસ છે કે, ભારતીય સિનેમા સંગીતણી ઈમારતણી જે જાહોજલાલી (ખાસ કરીને વચલા માળ) જે ઊંચાઈ આપણે જોઈએ છીએ તેનો પાયો અનિલ બિશ્વાસે નાખ્યો હતો.

૭ જુલાઈ ૧૯૧૪ના રોજ બંગાળ (હવે બાંગ્લાદેશ)માં જન્મેલા અનિલ બિશ્વાસે જાગીરદાર, હમ તુમ ઔર વોહ, એક હી રાસ્તા, વતન જેવી ફિલ્મો આપી અને પછી બોમ્બે ટોકિઝ સાથેનું જોડાણ પણ મજબૂત રહ્યું. સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે તેમનું નામ પ્રથમ વખત 'ધરમ કી દેવી'ફિલ્મ દ્વારા બહાર આવ્યું પરંતુ તે પૂર્વે તેમણે 'ભારત કી બેટી'માં 'તેરે પૂજન કો ભગવાન બના મન મંદિર આલિશાન', 'અય ભંવરા સનન, મનન અનકારી મારે અને દિન દયાલ દયા કરકે ભવસાગર સે કર પાર મુઝે'ઙ્ગ ગીતોનું સંગીત તૈયાર કર્યું હતું.

દીકરા અને નાના ભાઇ જેવા અંગત સ્વજનોના અવસાન પછી ભાંગી પડેલા અનિલ બિશ્વાસ દિલ્હીમાં સ્થાયી થયા.ઙ્ગ ફિલ્મસંગીતને જેમણે ઘોડિયાંમાં રમાડ્યું એમ કહી શકાય એવડા મોટા સંગીતકારે પછી આકાશવાણીમાંઙ્ગ સંગીતના ચીફ પ્રોડ્યુસરની નોકરી પણ સ્વીકારી. અઠ્ઠાવન વર્ષે નિવૃત્ત પણ થયા. એકસેટન્શન મળ્યું પણ કટોકટી વખતે નોકરી મૂકવી જ પડી.ઙ્ગ પછી તો જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે રહ્યા. આજે જે ટીવીના ઇતિહાસમાં અંકિત છે એ હમલોગ સિરિયલનું સંગીત એમણે આપ્યું.....પણ ફિલ્મોને તો સાંઇઠના દાયકામાં જ વિદાય આપી દીધી.

ભારતીય સિને સંગીતને શા સ્ત્રીય સંગીતનો સંપૂર્ણ સ્પર્શ તેમણે કરાવ્યો, તેઓ માનતા કે ભારતીય રાગોમાં ગમે તેવા ભાવ ઊભા કરવાની શકિત છે. પશ્યિમી સંગીતનો ઉપયોગ તેમણે કર્યો તો પણ એ રીતે કે ભારતીય સંગીતને આંચ ન આવે. ખયાલ, ઠુમરી, રવીન્દ્ર સંગીતને ફિલ્મોમાં અનિલદાએ જ ઇન્ટ્રોડયુસ કર્યું હતું અને સૌપ્રથમ ઓરકેસ્ટ્રાનો ઉપયોગ ફિલ્મોમાં કરનાર પણ અનિલ બિશ્વાસ જ.

૧૯૬૦ પછી ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો, રેડિયોમાં રાષ્ટ્રીય ઓરકેસ્ટ્રા સર્જવાની તમન્નાથી ગયા પણ પછી સરકારી તુમારશાહી રાઝ ન આવી. નિવૃત્ત જીવનમાં પણ સંગીત સાથેનો સંબંધ અતૂટ રહ્યો હતો, આજેય અતૂટ છે કારણ અનિલ બિશ્વાસણી ધૂણો હજી જીવે છે. સ્મૃતિશેષ છે.

: આલેખન :

જ્વલંત છાયા

ચિત્રલેખા

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭

(૩૧ મે ના રોજ અનિલ

બિશ્વાસની પૂણ્યતિથીએ

લખાયેલ ખાસ લેખ સાભાર)

(2:42 pm IST)