Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જંગલેશ્વરમાંથી કોરોના બહાર ન ફેલાય તે માટેની સફળ કામગીરી જ જન્મદિવસની સાચી ઉજવણી સમાનઃ પીઆઇ વી. કે. ગઢવી

ગુજરાતનો સોૈથી પહેલો કેસ જંગલેશ્વરમાં આવ્યો ત્યાં જ હું અને મારી ટીમ એલર્ટ થઇ ગયા'તા : ભકિતનગરના પોલીસ ઇન્સ્પેકટર વિરલ કે. ગઢવીને ૩૯મું બેઠુઃ અનેક પ્રસંશનિય કામગીરીઃ ૨૦૧૭માં બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ મેળવ્યો હતોઃ મુળ કચ્છ વિંગણીયાના વતની આ અધિકારીનું પહેલેથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનુ હતું : સતત અઢી મહિના સુધી ૭૫૦ના સ્ટાફ સાથે કોરોના સંદર્ભે બંદોબસ્ત જાળવ્યોઃ ૨૭ રસ્તાઓ બંધ કરી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેનો પણ ખ્યાલ રાખ્યો . રાજકોટમાંથી હજારો મજૂરો વતન ગયા તેમાં એકલા ભકિતનગર પોલીસ મથકના ૧૩૦૦૦ મજૂરોને સોૈ પહેલા મોકલવાની કામગીરી થઇ હતીઃ ફરજમાં સમજાવટ અને જરૂર પડ્યે કડકાઇનો માર્ગ પણ અપનાવવો પડ્યો

રાજકોટ તા. ૨: શહેરના ભકિતનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવીનો આજે જન્મ દિવસ છે. સફળ કારકિર્દીના તેમણે ૩૮ વર્ષ પુરા કર્યા છે. કોરોનાની મહામારીના સમયમાં તેઓ સતત ફરજ પર હોઇ પરિવારના સભ્યો ધર્મપત્નિ, બે દિકરીઓ પ્રાંચી અને મિથાલી તથા પિતા ખેંગારભાઇ ગઢવીએ તેમનું મીઠુ મોઢુ કરાવી શુભેચ્છા પાઠવી હતી. પીઆઇ વી. કે. ગઢવીએ કહ્યું હતું કે-મારા માટે તો જન્મદિવસની ઉજવણીની સાચી ખુશી એ જ છે કે હું અને મારી સમગ્ર ટીમ  ઉચ્ચ અધિકારીઓના માર્ગર્દશન હેઠળ જ સતત અઢી મહિના સુધી જંગલેશ્વરમાં કોરોના મહામારીની ફરજ બજાવવામાં સફળ રહ્યા. કોરોનાનો ગુજરાતનો સોૈ પહેલો પોઝિટિવ કેસ રાજકોટનો અને એ પણ જંગલેશ્વરનો હતો. એ સાથે જ હું અને અમારી ટીમ તૈયાર થઇ ગયા હતાં. એક પછી એક આ વિસ્તારના કેસ વધતા ગયા હતાં. એ સાથે અમારી કામગીરી પણ વધતી ગઇ હતી. પણ અમે કોરોનાને જંગલેશ્વરમાં રોકી રાખવામાં સફળ રહ્યા હતાં.

 મુળ કચ્છના વીંગણીયાના વતની અને બાદમાં અંજાર સ્થાયી થયેલા પરિવારના વી. કે. ગઢવીના પિતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતાં. હાલ નિવૃત જીવન જીવી રહ્યા છે. પિતાની વ્યવસાય સાથે જોડાવાની વી. કે. ગઢવીને તક હતી. પરંતુ તેઓ પહેલેથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનુ જોતા હતાં. ૨૦૦૭માં તેમણે તૈયારી શરૂ કરી હતી અને ૨૦૦૮માં ડાયરેકટ પીએસઆઇ તરીકે ભરતી થઇ ગયા બાદ દાહોદ, નવસારી, વડોદરામાં ફરજ બજાવી હતી. ૨૦૧૬માં વડોદરા રૂરલમાં હતાં ત્યારે પીઆઇનું પ્રમોશન મળ્યું હતું અને એ પછી રાજકોટ મુકાયા હતાં. અહિ સાડા ત્રણ વર્ષથી તેઓ પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિસ્તારમાં ગુનાખોરીને કાબુમાં લેવા તેમજ અનેક અટપટા કેસ ઉકેલવામાં તેમણે પ્રશંસનિય કામગીરી કરી છે. તેમને (મો.૯૭૧૫૬ ૬૯૭૭૭) ઉપર અધિકારીઓ, કર્મચારીઓ, મિત્રો, શુભેચ્છકો સતત શુભકામના પાઠવી રહ્યા છે.

વર્ષ ૨૦૧૭માં ભકિતનગર પોલીસ મથકને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ મળ્યો હતો. એ પણ વી. કે. ગઢવી અને ટીમ માટે ગોૈરવ સમાન વાત છે. શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ જંગલેશ્વરમાં વધતા ગયા એ સાથે જ અમારે કોર્પોરેશન તંત્રની સુચના અનુસાર શેરીઓ બંધ કરવાની, કન્ટેન્મેન્ટ ઝોનમાં સતત બંદોબસ્ત રાખવાનો, લોકો આ વિસ્તારમાંથી બહાર ન નીકળી જાય તેનું સતત ધ્યાન રાખવાનું હતું. આ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી એચ. એલ. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે ૭૫૦ના સ્ટાફ સાથે જંગલેશ્વરમાં આવતા જતાં કુલ ૨૭ રસ્તાઓને અને પાછળના નદીના ભાગોને સજ્જડ બંધ કરી દીધા હતાં.

રસ્તાઓ બંધ થયા પછી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ સતત મળતી રહે તેનો ખ્યાલ રાખ્યો હતો. એટલુ જ નહિ અહિ ફરજ બજાવતાં તમામ કર્મચારીઓને પણ સતત સજાગ રહેવા અને કોરોના સામે રક્ષણાત્મક રીતે ફરજ બજાવવા સુચનાઓ આપી હતી. બધા જ રસ્તા બંધ કરી એક માત્ર શ્રધ્ધા ચોકની એન્ટ્રી જ રાખી હતી. જેથી કોઇપણ વ્યકિત બહાર આવે કે અંદર આવે તો અહિ નોંધ કરી શકાય. વચ્ચે ગેરસમજને કારણે રાયોટીંગનો બનાવ પણ બન્યો હતો. તેમાં પણ રાતોરાત એંસી જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી શાંતિ સ્થાપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાંથી અંદાજે પ૦ હજાર જેટલા પરપ્રાંતિય મજૂરો તેમના વતન ગયા હશે. તેમાંથી ભકિતનગર પોલીસ મથકના જ ૧૩૦૦૦ મજૂરો છે. જેમને સોૈથી પહેલા અમે તેના વતન મોકલવા કાર્યવાહી કરી હતી. આજે ૩૯મા જન્મદિવસે મારા માટે તો આ જ સાચી ઉજવણી છે કે કોરોના મહામારીમાં યાદગાર અને અનુભવ આપનારી સફળ ફરજ બજાવી. સોૈએ મને આ કામમાં સાથ આપ્યો છે.

પીઆઇ વી. કે. ગઢવીના એક ભાઇ વિમલભાઇ ગઢવી અગાઉ નેવીમાં હતાં. હાલ વાંકાનેર ટીડીઓ તરીકે ફરજ બજાવે છે. જ્યારે મોટા ભાઇ પંકજભાઇ ગઢવી અંજારમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે.

(12:54 pm IST)