Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

તમાકૂ-સોપારીના ૧૩ જથ્થાબંધ વેપારીને ત્યાં હજુ દરોડા ચાલુઃ મોરબી-જામનગરમાં તપાસ પુરી કરાઇ

રાજકોટમાં ૮ સ્થળે તપાસમાં હાલ ૭૦ લાખનો નવો સ્ટોક નીકળ્યો...: અમદાવાદ- વડોદરા- સુરત- ભાવનગર- વાપી- કલોલના વેપારીઓએ લોકડાઉનનો લાભ લઇ મોટી કરચોરી કર્યાનું ખૂલ્યું...

રાજકોટ તા. ર :.. અત્રે બે દિવસ પહેલા તમાકુ-સોપાીના ર૩ જથ્થાબંધ વેપારીઓને ત્યાં વેટ વિભાગે દરોડા પાડયા બાદ ગઇકાલ બપોર બાદ રાજકોટ-અમદાવાદ-જામનગર - મોરબી-વાપી-વડોદરા-સુરત-કલોલ- ભાવનગ સહિત કુલ ૪૪ સ્થળો ઉપર તમાકુ -સોપારીના જથ્થાબંધ વેપારીઓ ઉપર જીએસટી વિભાગના કમીશનર શ્રી એસ. એમ. ત્રિવદીના માર્ગદર્શન હેઠળ દરોડાનો દોર શરૂ કરાયો હતો.

આજે સવારે મળતી પ્રાથમિક વિગતો મુજબ રાજકોટમાં ૮ સ્થળે તપાસ થઇ તેમાં વધુ ૭૦ લાખનો નવો સ્ટોક નીકળી પડયો હતો, જેમાં હિસાબી સાહિત્ય પણ કબ્જે લેવાયું છે.

તો મોરબી-જામનગરમાં તપાસ પુર્ણ થઇ છે, રાજકોટમાં અધિકારીઓ શ્રી ગોયાણી, મોરબી-જામનગર માટે શ્રી ગુર્જર અને ગોયાણી દ્વારા આજે બપોરે અમદાવાદ ખાતે રીપોર્ટ મોકલાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

અમદાવાદમાં કાલુપુર અને શાહીબાગ વિસ્તારમાં પાન-મસાલા અને તમાકુના વેપારીઓની દુકાનો અને ગોડાઉનમાં તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. એસજીએસટીના દરોડાને પગલે લોકડાઉનમાં 'તગડી' કમાણી કરનારા કાળા બજારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. એસજીએસટી કચેરી સોમવારથી કાર્યરત થવા સાથે પહેલા જ દિવસે પાન-મસાલા અને તમાકુના વેપારીઓ પર ત્રાટકીને 'કામગીરીનું મુહૂર્ત' કર્યુ છે. કોરોનાને પગલે લોકડાઉનના સમયગાળા દરમિયાન પાન-મસાલા-સોપારી, ગુટકા, સિગારેટ, સહિત તમાકુ અને તમાકુની પ્રોડકટના વેપારીઓએ એમઆરપી કરતાં ચારથી પાંચ ગણા ભાવ વસૂલીને 'તગડી' કમાણી કરી હતી અને મોટા પાયે બેનંબરના વ્યવહારો કર્યા હોવાની બાતમીના આધારે જીએસટીની ટીમ કાળાબજારીયા પર સાગમટે દરોડા પાડયા હતાં.

જામનગરમાં સુભાષ શાક માર્કટ પાસે આવેલ. ધીરજલાલ એન્ડ બ્રધર્સ નામની તમાકુની હોલસેલ પેઢી ઉપર ગત સાંજે રાજકોટથી વેટની ટીમો ત્રાટકી હતી, મોડી રાત સુધી તપાસ બાદ આ પેઢીનું તમામ સાહિત્ય કબજે લેવાયું છે.

બીજી બાજુ અમદાવાદ-વડોદરા - સુરતની મોટી પેઢીઓએ લોકડાઉનનો લાભ લઇ મોટી કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે, આ ત્રણેય શહેર ઉપરાંત કલોલ-વાપી-ભાવનગર થઇને કુલ ૧૩ સ્થળે હજુ દરોડા ચાલુ હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

(12:55 pm IST)