Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઘર વિહોણા નહી કરતા...

રિવર ફ્રન્ટ માટે જંગલેશ્વરમાં ડિમોલીશનનો સર્વે થતાં રહેવાસીઓની રજૂઆત

કોંગી કોર્પોરેટર વલ્લભભાઇ પરસાણા - હારૂનભાઇ ડાકોરાની આગેવાનીમાં રજૂઆત : સ્થળ તપાસ કરીને યોગ્ય કરવા ખાત્રી અપાઇ : ડિમોલીશન બાદ વૈકલ્પિક જગ્યા અને મકાન ભાડુ આપવા સહિતની રજૂઆતો

જંગલેશ્વર વિસ્તારના નદીકાંઠાના મકાનો તોડી પાડવા મ્યુ. કોર્પોરેશને સર્વે હાથ ધરતા આજે આ વિસ્તારના કોંગી કોર્પોરેટરો વલ્લભભાઇ પરસાણા તથા હારૂનભાઇ ડાકોરાની આગેવાની તળે સ્થાનિક રહેવાસીઓએ ડે.મ્યુ. કમિશ્નર ચેતન નંદાણી તથા ટી.પી.ઓ. શ્રી સાગઠીયાને ડિમોલીશનમાં કોઇને અન્યાય ન થાય તે બાબતે રજૂઆતો કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨ : શહેરના નદીકાંઠે આવેલ વોર્ડ નં. ૧૬ને લાગુ જંગલેશ્વર વિસ્તારના અંદાજે ૧૨૦૦ જેટલા મકાનોનું રિવરફ્રન્ટ માટે ડિપોલીશન કરવા મ્યુ. કોર્પોરેશને છેલ્લા ૧ અઠવાડિયાથી સર્વે શરૂ કરતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. આથી આજે સવારે વોર્ડ નં. ૧૬ના કોંગી કોર્પોરેટરો વલ્લભભાઇ પરસાણા, હારૂનભાઇ ડાકોરા વગેરેની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓનું ૫૦થી વધુ વ્યકિતઓના ટોળાએ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી જઇ ડિમોલીશનમાં અન્યાય ન થાય તે માટે ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ અંગે રહેવાસીઓ દ્વારા મ્યુ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મકાનોમાં ડિમોલીશન માટે સર્વે થઇ રહ્યો છે તેથી રહેવાસીઓમાં તેઓના મકાનો ગુમાવવાનો ભય ફેલાયો છે. કેમકે આ સ્થળે ૪૫ વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે અને હવે એકાએક રિવરફ્રન્ટ અંગે ડિમોલીશનનો સર્વે શરૂ થતાં લોકો ફફડી ઉઠયા છે.

આવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તંત્ર દ્વારા ડિમોલીશનનો આડેધડ સર્વે કરવાને બદલે ખરેખર જે મકાનો નદીકાંઠામાં આવતા હોય તેનું જ ડિમોલીશન થાય તે માટે સ્થળ મુલાકાત લઇ ન્યાયી કાર્યવાહી થવી જોઇએ અને જે મકાનોનું ડિમોલીશન થાય તે મકાનના રહેવાસીઓને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા કે મકાન ન મળે ત્યાં સુધી માસિક રૂ. પાંચ હજાર લેખે ભાડુ ચુકવવા સહિતના મુદ્દે રહેવાસીઓ દ્વારા આ આવેદનપત્રમાં રજૂઆત કરાયેલ.

આ રજૂઆત ડે.મ્યુ. કમિશ્નર ચેતન નંદાણી તથા ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સમક્ષ કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં આ અધિકારીઓએ જરૂર પડયે સ્થળ મુલાકાત લઇ યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

ઉપરોકત રજૂઆતમાં ઇબ્રાહીમભાઇ જુણેજા, અયુબભાઇ, હારૂનભાઇ, મહમદભાઇ સહિતના ૫૦થી વધુ લોકો જોડાયા હતા.(૨૧.૨૮)

(4:21 pm IST)