Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

૫ મી જૂનથી રાજકોટને પાણીનાં પાઉચ મુકત બનાવવા ઝુંબેશ

પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાતુ અટકાવવા કાર્યવાહીઃ મ્યુ. કમિશ્નર બંછાનિધીનો નિર્દેશ

રાજકોટ તા. ૨ :.  શહેરમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ ઓછુ થાય તે માટે આગામી ટૂંક સમયમાં જ પાણીનાં પાઉચ ઉપર પ્રતિબંધ લાદવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને ૫ મી જૂનથી એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી જ રાજકોટને પાણીના પાઉચથી મુકિત અપાવવા જબ્બર ઝુંબેશ હાથ ધરાશે તેવો નિર્દેશ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં પાણીનાં પાઉચને કારણે પ્લાસ્ટીકનાં કચરાનું અત્યંત પ્રદુષણ શહેરમાં ફેલાઇ રહ્યું છે. આ પ્લાસ્ટીકનાં પ્રદુષને ફેલાતુ અટકાવવાનાં ઉપાય માટે આગામી બે-ચાર દિવસોમાં જ પાણીનાં પાઉચ ઉપર પ્રતિબંધ લાદવા મ્યુ.કમિશ્નર બંછાનીધી પાની દ્વારા વિચારણા શરૂ થઇ છે.

જાણવા મળ્યા મુજબ કેન્દ્ર સરકારે પ્લાસ્ટીક પ્રતિબંધ અંગે અમલી બનાવેલા નિયમોને આધારે પાણીનાં પાઉચ ઉપર પ્રતિબંધ લાદવા કવાયત હાથ ધરવામાં આવનાર છે. આમ ટુંક સમયમાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધનું જાહેરનામુ પ્રસિધ્ધ થવાનાં એંધાણ છે.  તેમજ ૫ મી જૂનને મંગળવારથી પાણીના પાઉચ જપ્ત કરવા ઝુંબેશાત્મક કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યુ છે.(૨-૨૬)

(4:20 pm IST)