Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કેકેવી ચોકમાંથી બાળકીને ઉઠાવીને ભાગતો શખ્સ ઝડપાયો

રાજસ્થાની દંપતિ ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચતુ હતું અને છાંયડામાં ૩ વર્ષની બહેન સાથે બેઠેલી ૫ વર્ષની પિન્કીને ઢગો હાથ પકડીને ચાલતો થયોઃ દેકારો મચાવતાં માતા દોડી આવી અને પકડ્યોઃ તેની પક્કડમાંથી ભાગતાં લોકોએ દબોચી ઢીબીને પોલીસને સોંપ્યોઃ ટ્રાફિકથી ધમધમતા ચોકમાં ભરબપોરે બનાવથી ખળભળાટ પકડાયેલો શખ્સ મેટોડાનો ગોપાલ નેપાળીઃ પોલીસે આદરી પુછતાછ

જ્યાંથી રાજસ્થાની બાળકીને ઢગાએ ઉઠાવી હતી તે કેકેવી ચોક, જે બાળકીને ઉઠાવાઇ હતી તે બાળકી પિન્કી, તથા અપહરણકારને પકડી લેનાર બાળાની માતા રાજબાઇબેન અને વિગતો જણાવતાં બાળાના પિતા લાભચંદભાઇ તથા નીચેની તસ્વીરમાં  ઘટના સ્થળે એડી. ડીસીપી હર્ષદ મહેતા, પીએસઆઇ કડછા, હરેશભાઇ તથા છેલ્લી તસ્વીરમાં આરોપી ગોપાલ સોની (નેપાળી) (બેઠેલો) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨: શહેરના કેકેવી ચોકમાં ભરબપોરે પરપ્રાંતિય પરિવારની પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જવાનો એક ઢગાએ પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. જો કે બાળકીએ બૂમાબૂમ કરતાં ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચી રહેલી આ બાળાની માતા દોડી આવી હતી અને ઢગાને પકડી લીધો હતો. પણ તેની પક્કડમાંથી છુટીને તે ભાગતાં બૂમાબૂમ થતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને અપહરણકારને દબોચી લઇ ઢીબી નાંખી પોલીસને સોંપતાં પુછતાછ શરૂ થઇ છે. આ શખ્સ મેટોડાનો નેપાળી શખ્સ હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ રાજસ્થાનના બુંદી જીલ્લાના અરણેશા ગામના વતની લાભચંદ કલ્યાણ બાવરીયા (ઉ.૨૭) અને તેની પત્નિ રાજબાઇ લાભચંદ બાવરીયા (ઉ.૨૪) તથા બે પુત્રી પિન્કી (ઉ.૫), મોનુ (ઉ.૩) અને એક પુત્ર દિલખુશ (ઉ.૧ાા) સંતોષીનગરમાં ભાડાના મકાનમાં રહે છે અને કેકેવી ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચી ગુજરાન ચલાવે છે. આ પરિવાર છેલ્લા ચારેક વર્ષથી રાજકોટથી રાજસ્થાન આવ-જા કરતો રહે છે. થોડા મહિના રોકાઇને ફરી વતન જતો રહે છે. હાલમાં દસ દિવસ પહેલા જ રાજસ્થાનથી રાજકોટ આવ્યા છે અને ભાડેથી રહે છે.

આજે સવારે લાભચંદ, તેની પત્નિ  ત્રણેય બાળકોને લઇને કેકેવી ચોકના ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચવા પહોંચ્યા હતાં. અહિ બંને પુત્રી પુલ નીચે છાંયડામાં બેઠી હતી અને ૧II વર્ષનો પુત્ર દિલખુશ માતા સાથે હતો. બપોરના સમયે પતિ-પત્નિ સિગ્નલ પર ઉભા રહેતાં વાહન ચાલકોને તથા રસ્તેથી નીકળતાં લોકોને રમકડા વેંચવા માટે દોડધામ કરતાં હતાં ત્યારે છાંયડામાં બેઠેલી તેની બે પુત્રી પૈકી પાંચ વર્ષની પુત્રી પિન્કીનો એક શખ્સ હાથ પકડી ચાલતો થયા હતાં.

અજાણ્યા શખ્સે આ રીતે ઉઠાવતાં બાળકી પિન્કી ગભરાઇ ગઇ હતી અને ચીસાચીસ કરી મુકી હતી. દિકરીની ચીસ સાંભળી નજીકના સિગ્નલ પર રમકડા વેંચતી માતા રાજબાઇ દોડી આવી હતી અને દિકરીને લઇ જતાં શખ્સને પકડી લીધો હતો. પરંતુ તેની પક્કડમાંથી આ શખ્સ ભાગ્યો હતો. આથી રાજબાઇએ બૂમાબૂમ કરતાં બીજા રાહદારીઓ ભેગા થઇ ગયા હતાં અને ભાગી રહેલા આ શખ્સને દબોચી લીધો હતો.

બાળકીનું અપહરણ કરીને ભાગતો હોવાની ખબર પડતાં લોકોના ટોળાએ આ ઢગાને બરાબરનો ઢીબી નાંખ્યો હતો. બાદમાં પોલીસને જાણ થતાં એડી. ડીસીપી હર્ષદ મહેતા, પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, ગિરીરાજસિંહ જાડજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકોએ પકડેલા શખ્સને દબોચી આગવી ઢબે પુછતાછ કરી હતી.

આ શખ્સ મેટોડામાં રહી ફેકટરીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતો ગોપાલ લાલબહાદુર સોની (ઉ.૩૬) નામનો નેપાળી શખ્સ હોવાનું ખુલ્યું છે. તે પરિણીત છે અને તેના માતા-પિતા રાજકોટ રોયલ પાર્ક પાસે રહી સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે.  પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા અને ટીમે બાળકીને ઉઠાવી જવાનો બાળકીનો હેતુ શું છે? તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

(4:17 pm IST)