Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દૃઢ સેવા થાયઃ પૂ.મહંત સ્વામી

સર્વરોગ નિદાન કેમ્પમાં ૧ હજાર દર્દીઓએ લાભ લીધોઃ આજે છેલ્લો દિવસ

રાજકોટઃ અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, આજે સવારે પ્રાતઃ પૂજા દર્શન બાદ પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સત્સંગમાં કયારેય માન ન રાખવું. સત્સંગ કર્યા વિના માન ટળવું અશકય છે. સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દ્રઢ સેવા થાય. તેઓની ઉપસ્થિતિમાં સેવા દિનની  ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂજય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા.

સાથે તેઓએ સેવાની સાચી રીત જણાવતા કહ્યું હતું કે, સેવાની સાચી રીત માટે ૬ વાત યાદ રાખવી. આમ સેવાની ફળશ્રુતિ એ છે કે સ્વભાવ ટળે. (૧) ભગવાન અને સંતના વચનમાં પરમ વિશ્વાસે સેવા કરવી., (૨) ધીરજ રાખીને સેવા કરવી., (૩) શાંતિથી સેવા કરવી. એટલે કે માથે બરફની પાટ મુકીને સેવા કરવી, (૪) વફાદારી પૂર્વક સેવા કરવી., (૫) દાસ ભાવે સેવા કરવી. જેમાં સમજવાનું કે બધા જ મોટા છે અને હું નાનો છુ., (૬) સંપ રાખીને સેવા કરવી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સેવા વિષયક વિશેષ ડિબેટ યોજાઈ હતી જેમાં શારીરિક અને આર્થિક સેવા બંનેમાંથી શ્રેષ્ઠ સેવા કઈ એ વિષયક મુદ્દાસર રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી. અંતે ડિબેટનું સમાધાન આપતા પૂ.મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન સાચા છે એટલે સેવા સાચી જ છે. સેવા બધા સાધનોનું મૂળ છે. કોઈ પણ સેવામાં કયારેય માન ન રાખવું. ભગવાન અને સંત બધું કરવા સમર્થ છે, આ તો કૃપા કરીને આપણને સેવા આપી છે.

 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા મંદિરનાં પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નષ્ણાંત  ડોકટરો સેવાનો લાભ આપી રહ્યા છે જેનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં ૩ દિવસમાં ૧૦૦૦થી અધિક ભાવિક ભકતોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. કૂપન અહી મંદિરેથી પ્રાપ્ત થશે તો સર્વે ભાવિક ભકતોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે. આજે સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મંદિરે રકતદાન કેમ્પ યોજાયો છે.

આજે પૂ. મહંતસ્વામી મહારાજની  ઉપસ્થિતિમાં સાર દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત આજના દિવસના અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૨ દિવસના સારરૂપી રજૂઆત અને  આશીર્વચનનો લાભ મળશે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.(૩૦.૩)

(2:36 pm IST)