Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

માલિયાસણ પાસે યુવાનને રિક્ષાગેંગે લૂંટી લઇ ચાલુ રિક્ષામાંથી ફેંકી દીધો

મુળ ઝારખંડનો મોબીન ટ્રક રિપેરીંગમાં મુકી બેટીના ભરડીયે જવા રિક્ષામાં બેઠો'તોઃ રસ્તામાં ગળા પર છરી રાખી ૧૨૦૦ રોકડા અને મોબાઇલ ફોન પડાવી લીધો

રાજકોટ તા. ૨: શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને લૂંટ ચલાવતી ટોળકી ફરીથી મેદાને આવી છે. માલિયાસણ નજીક એક યુવાનને રિક્ષા ચાલક અને સાથે બેઠેલા બે શખ્સોએ છરી બતાવી રોકડ-મોબાઇલ પડાવી લઇ ચાલુ રિક્ષાએ ફેંકી દેતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

મુળ ઝારખંડનો અને હાલ કુવાડવા રોડ રામપરા બેટી પાસે વસુંધરા ગામે કોૈશિકભાઇ ભાલોડીયાના ભરડીયામાં ટ્રક ડ્રાઇવીંગ કરતો મોબીન સિરાજભાઇ અન્સારી (ઉ.૪૦) ગત સાંજે નવાગામ ટ્રક રિપેરીંગમાં મુકવા આવ્યો હતો. અહિથી રાત્રે પરત બેટી જવા રૂ. ૨૦ના ભાડાથી એક રિક્ષામાં બેઠો હતો. જેમાં અગાઉથી જ પાછળ બે શખ્સ બેઠા હતાં. રિક્ષા માલિયાસણથી આગળ પહોંચી ત્યારે બંને શખ્સે ગળે છરી રાખી દઇ જે હોય તે આપી દેવા કહેતાં મોબીને આનાકાની કરતાં બંનેએ ઢીકા-પાટુનો માર મારી મોબાઇલ ફોન, રૂ. ૧૨૦૦ રોકડા, લાયસન્સ લૂંટી લઇ ચાલુ રિક્ષાએ ફેંકી દેતાં પગમાં ગંભીર ઇજા થઇ હતી.

મોબીને બાદમાં ભરડીયાના માલિકને કોઇ રાહદારીનો મોબાઇલ લઇ બનાવની જાણ કરતાં તે દોડી આવ્યા હતાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)