Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

આજી જીઆઇડીસી પાસે યુ.પી.ના યુવાનને ધોકાવી પગાર લૂંટી લીધો

જંગલેશ્વરનો રામકુ કારખાનેથી છુટીને પગપાળા જતો'તો ત્યારે શ્રીહરિના પુલ ઉપર પાંચ શખ્સોએ ધોકાવી પગારના ૧૫ હજાર અને મોબાઇલ ફોન પડાવી લીધા

રાજકોટ તા. ૨: આજી જીઆઇડીસી નજીક શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝના પુલ ઉપર રાત્રે નવેક વાગ્યે મુળ યુ.પી.ના યુવાનને ચાર-પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર મારી પગારની રકમ અને મોબાઇલ ફોન લૂંટી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ જંગલેશ્વર-૯માં રહેતો અને આજી જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં કામ કરતો રામકુ વૈદ્યરાજ ધોબી (ઉ.૩૦) રાત્રે નવેક વાગ્યે કારખાનેથી ચાલીને ઘરે જવા નીકળ્યો ત્યારે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝના પુલ પર પહોંચતા અજાણ્યા શખ્સોએ ઉભો રાખી મોબાઇલ માંગતા તેણે ન આપતાં એક શખ્સે પકડી લીધો હતો અને બીજા શખ્સોએ ધોકા-પાઇપથી બેફામ માર મારી તેના ખિસ્સામાંથી રૂ. ૧૨ હજારની રોકડ લૂંટી લીધી હતી. તેમજ મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો.

રામકુ લોહીલુહાણ થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બાદમાં તેણે મિત્રને કોઇ રાહદારીનો મોબાઇલ મેળવી જાણ કરતાં તે દોડી આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)