Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બેડીમાં રેંકડીમાંથી કેળુ ખાઇ લેનાર ઘેંટાને દૂર તગડતાં બે મિત્રો પર ભરવાડ શખ્સોની ધોકાવાળી

ફ્રુટના ધંધાર્થી ઇરફાન ખેડારા અને તેને બચાવવા વચ્ચે પડેલા મિત્ર જીતેન્દ્ર બારોટને ઇજાઃ કાળુ ભરવાડ સહિત ૪ સામે ગુનો

રાજકોટ તા. ૨: મોરબી રોડ પર બેડી ગામમાં નદીના પુલના છેડે ફ્રુટની લારી રાખીને ઉભેલા મુસ્લિમ યુવાનની લારીમાંથી ભરવાડ શખ્સોના ઘેંટાએ કેળા ખાઇ લેતાં આ યુવાને ઘેંટાને તગડતાં ભરવાડ શખ્સોએ ખાર રાખી પાઇપ-લાકડીથી માર મારતાં અને આ યુવાનને બચાવવા તેનો મિત્ર બારોટ યુવાન વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પીએસઆઇ પી. સી. મોલીયાએ હોસ્પિટલે પહોંચી બારોટ યુવાન જીતેન્દ્ર ચંદ્રકાંતભાઇ સોલંકી (ઉ.૨૯) (રહે. જામનગર રોડ ગાયત્રી ધામ)ની ફરિયાદ પરથી બેડીમાં ખેતલા આપા ટી સ્ટોલ ધરાવતાં કાળુ ભરવાડ તથા ત્રણ અજાણ્યા ભરવાડ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જીતેન્દ્રના કહેવા મુજબ પોતે બેડીમાં હેન્ડલૂમની ચીજવસ્તુની દૂકાન ધરાવે છે. તેની દૂકાન પાસે જ મિત્ર ઇરફાન ઇકબાલભાઇ ખેડારા (ઉ.૨૨-રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, આંબેડકરનગર) ફ્રુટની લારી રાખે છે. ઇરફાનની લારીમાંથી ભરવાડ શખ્સોના ઘેંટાએ કેળા ખાઇ લેતાં તેણે ઘેંટાને તગડતાં બોલાચાલી થતાં અજાણ્યા ભરવાડ શખ્સો અને ખેતલાઆપાવાળા કાળુભાઇ સહિતનાએ મળી પોતાને અને ઇરફાનને ધોકા-પાઇપથી ફટકાર્યા હતાં. તેમજ ગાળો ભાંડી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:02 pm IST)