Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

એસ.ટી. બસની સલામત મુસાફરી રહે તે માટે નવતર પ્રયોગઃ ડ્રાઇવરોને ફેમીલી ફોટો સાથે રાખવા સુચના

એમડી શ્રી સોનલબેન મીશ્રા દ્વારા ખાસ સુરક્ષાલક્ષી કામગીરીઃ દરેક ડીવીઝનને સુચના અપાઇ....

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત રાજયભરના તમામ એસ. ટી. ડીવીઝન અને ડેપોને અને ડ્રાઇવરોને ફરજ દરમિયાન પોતાના ફેમેલીનો ફોટો સાથે રાખવા નિગમને આદેશ કર્યો છે., જેથી કરીને ડ્રાઇવરો બસ સમાનતાથી ચલાવે અને બેફિકરાઇ ન રાખે.

રાજકોટ એસ. ટી. ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, યાત્રીકોની સલામતી જાળવવા એસ. ટી. નિગમ કટીબધ્ધ છે. એક બસમાં સામાન્ય રીતે પ૦ થી વધુ મુસાફરો યાત્રા કરતા હોય છે ત્યારે બસનો ડ્રાઇવર જયારે ફરજ પર ચડે ત્યારે પોતાના પર્સમાં કે ખિસ્સામાં રહેલો તેની ફેમીલીનો ફોટો તેને પોતાના પરિવાર પ્રત્યેની અને સામાજિક જવાબદારી યાદ અપાવશે. માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ. ડી. સોનલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ એસ. ટી. નિગમમાં આ પ્રકારની મુસાફર સુરક્ષાલક્ષી કામગીરી થઇ રહી છે. એસ. ટી. બસોના અકસ્માત ઘટાડવા અને યાત્રીકોને પણ સલામત સવારીનો લાભ મળે તેવા હેતુથી આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ચાલુ ડ્રાઇવીંગે કયારેય મોબાઇલનો ઉપયોગ નહીં કરવા., ચાલુ ડ્રાઇવીંગે સંગીત કે વાતચીત માટે ઇયરફોનનો ઉપયોગ નહીં કરવા, રાહદારી, બાઇક ચાલક અને અન્ય વાહન ચાલકો પ્રત્યે સજાગ રહેવા, એકસપ્રેસ બસમાં ૮૦ કિ. મી. અને લોકલમાં ૬પ કિ. મી. પ્રતિ કલાકથી વધુ ઝડપે બસ નહીં ચલાવવા, ટ્રાફીકવાળા વિસ્તારો, શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલ્વે ક્રોસીંગ, ભયજનક પુલ જેવા સ્થળે ગતિ મર્યાદાનું પાલન કરવા, કંડકટર ઘંટડી વગાડશે ત્યારે જ બસ ઉપાડવા પણ સુચના અપાઇ છે. ડ્રાઇવીંગમાં ખોટી ઉતાવળ, ઓવરટેક કે ઓવરસ્પીડ કયારેય નહીં કરવી. એકસપ્રેસ હાઇવે પર વાહન બ્રેકડાઉન થાય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો., બસમાં બેઠેલા મુસાફરોનો ભરોસો અકબંધ રાખવો. આપના પરિવારનો ફોટો પાકીટમાં ચોકકસ રાખવો.

(12:01 pm IST)