Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂભગવંત

પૂ. રાજેશમુનિ મ.સા. સમીપે રેખાબેન પ્રવિણભાઇ દેસાઇ સંયમ અંગીકાર કરશે

એક જ પરિવારમાંથી ત્રીજી દીક્ષાઃ પુત્ર તેજસભાઈ દેસાઈ(પૂ.તત્વજ્ઞ મુનિજી) તથા પુત્રી મીતલબેન દેસાઈ (પૂ.મીતજ્ઞાજી)ને સંયમની અનુજ્ઞા આપી હવે પોતે પણ સંયમ માર્ગનો સ્વીકાર કરશે

  રાજકોટઃ તા.૨, જૈન સમાજના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ડોલરભાઈ કોઠારી, સી.પી. દલાલ, પ્રવિણભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, સુશીલભાઈ ગોડા, પ્રતાપભાઈ વોરા, જગદીપભાઈ દોશી, રજનીભાઈ દોશી, પ્રફુલભાઈ રવાણી, મનહરભાઈ મહેતા, ભરતભાઈ દોશી, મનોજ ડેલીવાળા, કોલકત્ત્।ાના જૈન મહિલા અગ્રણી પ્રવિણાબેન કિશોરભાઈ બજરીયા વગેરે અગ્રણીઓ રાજકોટ ઋષભદેવ સંદ્યમાં બીરાજમાન પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.આદિ સાધુ - સાધ્વીજીઓના દર્શન - વંદન કરવા ગયેલ.ઋષભદેવ સંદ્યના બિપીનભાઈ પટેલ તથા દિપકભાઈ મોદીએ સૌનું શબ્દોથી સ્વાગત કરી આવકારેલ. પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.સાથે ધર્મ ચર્ચા દરમ્યાન વૈરાગી રેખાબેન દેસાઈનું આગમન થયું. પૂ.ગુરુદેવે કહ્યું કે રેખાબેનને દીક્ષાના ભાવ પ્રર્વતે છે અને ટૂંક સમયમાં રેખાબેન રાજકોટમાં સંયમ અંગીકાર કરશે.

મનોજ ડેલીવાળાએ રેખાબેનનો પરિચય આપતા જણાવ્યું કે એક રત્નકુક્ષિણી વીર માતા રેખાબેન દેસાઈ (ઉંમર વર્ષ ૬૯) કે જેઓએ પોતાના બબ્બે સંતાનોને પૂ.ગુરુ રાજ અને જિન શાસનને ચરણે અને શરણે સોંપ્યા બાદ હવે તેઓ પણ સ્વયં રત્ન બનવા તત્પર બન્યાં છે.

રાજકોટના આદર્શ વૈરાગી રેખાબેન પ્રવિણભાઈ દેસાઈ ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરવા થનગની રહ્યાં છે.ટૂંક સમયમાં રાજકોટમાં તેઓની દીક્ષા થશે.નોંધનીય છે કે થોડા સમય પહેલાં રેખાબેનના સુપુત્ર તેજસભાઈ ( પૂ.તત્વજ્ઞ મુનિ મ.સા.) અને સુપુત્રી કુ.મીતલબેન ( પૂ.મીતજ્ઞાજી મહાસતિજી )એ પણ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે.

  નેમિનાથ - વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશીએ જણાવ્યું કે અમારા સંઘના સદ્દભાગ્ય અને પરમ સૌભાગ્ય છે કે એક જ દેસાઈ પરિવારમાથી ત્રણ - ત્રણ હળુ કર્મી આત્માઓ ભગવાન મહાવીરનો કઠિનતમ ત્યાગ માર્ગ સ્વીકારવા કટિબધ્ધ બન્યાં છે.પુત્ર - પુત્રી અને હવે માતુશ્રી પણ વૈરાગ્યની વાટ પકડશે. વર્ષોના આદર્શ અને દ્રઢ વૈરાગી માતુશ્રી રેખાબેન દેસાઈ ઉંચ કોટિનો હળુ કર્મી આત્મા છે.ઉભયકાળ પ્રતિક્રમણની આરાધના કરનાર,પ્રવચન - જિનવાણી શ્રવણ કરવાનું કદી ચૂકે નહીં.અનેક નાની - મોટી તપસ્યા પણ તેઓએ કરેલી છે.રાજકોટ નેમિનાથ - વીતરાગ સંઘમાં તેઓએ અજોડ શાસન પ્રભાવના કરેલી છે. સંસારમાં રહ્યાં ત્યાં સુધી તેઓ પૂ.સાધુ - સાધ્વીજીઓના નિર્દોષ રીતે સંયમ જીવનમાં સહાયક બન્યા.નેમીનાથ - વીતરાગ સંઘ તથા ઋષભદેવ સંઘ મહિલા મંડળમાં તેઓએ સરાહનીય સેવા પ્રદાન કરેલી છે.એકદમ સાદગી ભર્યું તથા ધર્મમય તેઓનુ જીવન છે.સ્વભાવ શાંત અને સૌમ્ય પ્રકૃતિના ધારક.પોતાના સંતાનોને ધર્મના સુસંસ્કારોથી ભાવિત કર્યા. તેઓના પતિ પ્રવિણભાઈ દેસાઈનું  પરલોકગમન થયું છે.

સુ શ્રાવક સંજયભાઈ મહેતાએ જણાવ્યું કે રેખાબેનને સંયમ અંગીકાર કરવાના ભાવ તેઓને લગ્ન પહેલાંના હતા. કોઈ કર્મોના ઉદયે સંસારના બંધને બંધાયા. પુત્ર અને પુત્રીનો જન્મ થયો.બાળપણથી બંને સંતાનોને સુસંસ્કારો આપ્યાં કે સંસારમાં પડવા જેવું નથી. બંને સંતાનોને હોંશે - હોંશે સંયમ માર્ગે જવાની અનુજ્ઞા આપી. રેખાબેનની વર્ષોની ભાવના હતી કે મારે પણ દૂર્લભ મનુષ્ય ભવ સંયમ અંગીકાર કરી સાર્થક કરવો છે.જલ્દી - જલ્દી સંયમ ધર્મ અંગીકાર કરવાની તાલાવેલી હતી.

માતુશ્રી રેખાબેન દેસાઈ  આગમ વાકચ   પછાવિ તે પયાયા અર્થાત્ પાછલી વયે પણ સંયમ અંગીકાર કરી માનવ ભવને સાર્થક કરી શકાય છે.આ સૂત્રને તેઓ ચરિતાથ  કરશે. સરળતા, નિખાલસતા, ભદ્રિકતા, શાસન પ્રેમ, ગુરુ ભકિત, વિનય જેઓની રગેરગમા છે એવા આદર્શ વૈરાગી રેખાબેન દેસાઈ સંયમ અંગીકાર કરી જિન શાસનનુ નામ અવશ્ય ઉજ્જવલ કરશે. સંયમ મહોત્સવ ટૂંક સમયમાં કોઈ પણ પ્રકારના આરંભ - સમારંભ રહિત,એકદમ સાદગીપૂર્ણ પરંતુ ગૌરવ અને ગરીમાપૂર્વક યોજાશે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(3:48 pm IST)