Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ડબલ મર્ડરમાં ત્રણ વર્ષથી ફરાર સાજીદ કચરાને બે હથીયાર-કાર્ટીસ સાથે ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રૈયા રોડના સુભાષનગરમાં ભાજપ લઘુમતિ મોરચાના અગ્રણી ઇલ્યાસખાન પઠાણ અને તેના પુત્ર આસીફખાનની ૨૦૦૭થી ચાલતી માથાકુટમાં ૨૦૧૫માં ફાયરીંગ કરી હત્યા કરી'તીઃ ૨૦૧૬માં પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો'તો : ભાવનગર-મુંબઇ આટાફેરા કરતો રહેતોઃ કયારેક રાત્રીના સમયે રાજકોટ આવી જતોઃ સ્વબચાવ માટે હથીયાર રાખ્યાનું રટણઃ કયાંથી લીધા? કોણે કોણે આશરો આપ્યો? સહિતના મુદ્દે તપાસ કરવા ૭ દિવસના રિમાન્ડ મંગાશે : કોન્સ. કુલદીપસિહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી નહેરૂનગરના ખુણેથી પકડી લેવાયો

માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ તથા કામગીરી કરનાર ટીમ અને ઝડપાયેલો સાજીદ કચરા તથા જપ્ત થયેલા હથીયારો-કાર્ટીસ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨: રૈયા રોડ પર સુભાષનગરમાં વર્ષ ૨૦૧૫ના ઓગષ્ટ મહિનામાં ભાજપના લઘુમતિ મોરચાના અગ્રણી અને સેન્ટ્રલ હજ કમિટીના પૂર્વ સભ્ય ઇલ્યાસખાન હાસમખાન પઠાણ (ઉ.૫૦) તથા તેના પુત્ર આસિફખાન (ઉ.૩૦) પર ફાયરીંગ કરી હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયા બાદ જેલમાં ગયેલો સાજીદ હુશેનભાઇ કચરા ૨૨-૬-૧૬ના રોજ દિકરીની સ્કૂલ ફી ભરવા માટેના કારણોસર ૮ દિવસની પેરોલ રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો. એ પછી પેરોલ જમ્પ કરી ભાગી ગયો હતો. સતત ત્રણ વર્ષથી ફરાર આ શખ્સ નહેરૂનગરમાં તેના ઘરે આવ્યાની પાક્કી બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ, એક રિવોલ્વર તથા છ જીવતા કાર્ટીસ મળતાં અલગ ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

 આઝાદ ચોકમાં આવેલી ઇલ્યાસખાન પઠાણની દૂકાન પર લગાવાયેલા સીસીટીવી કેમેરા કાઢી લેવા બાબતે તેમજ હોર્ડિંગ લગાવવા બાબતે ઇલ્યાસખાન પઠાણ અને કચરા ભાઇઓ વચ્ચે ૨૦૦૭થી માથાકુટ ચાલતી હતી. આ મનદુઃખમાં ૨૨ ઓગષ્ટ-૨૦૧૫ની રાત્રે સાજીદ કચરા, અબ્બાસ કચરા સહિતે ફાયરીંગ કરી ઇલ્યાસખાન અને તેના પુત્ર આસિફખાનની હત્યા નિપજાવી હતી. આ ગુનામાં ધરપકડ બાદ સાજીદ હુશેનભાઇ કચરા (ઘાંચી) (ઉ.૪૪-રહે. નહેરૂનગર-૨/૩નો ખુણો, તથા સુભાષનગર-૧, ઇશા એપાર્ટમેન્ટ ચોથો માળ ફલેટ નં. ૪૦૫) જેલહવાલે થયો હતો. વર્ષ ૨૦૧૬માં તેને દિકરીની ફી ભરવાના કારણો સબબ આઠ દિવસના પેરોલ મળ્યા હતાં. જો કે પેરોલ રજા પુરી થયા બાદ પણ તે જેલમાં હાજર થયો નહોતો અને ભાગી ગયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાએ આગુનામાં ફરાર શખ્સને શોધી કાઢવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શનમાં ટીમના પીએસઆઇ ડી. પી. ઉનડકટ સહિતે તપાસ શરૂ કરી હતી. દરમિયાન કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર એવો સાજીદ કચરા નહેરૂનગરમાં તેના ઘરે આવવાનો છે. આ બાતમી પરથી તેના ઘર નજીક વોચ રાખવામાં આવી હતી અને તે આવતા જ દબોચી લેવાયો હતો.

તેની તલાશી લેતાં તેની પાસેથી એક દેશી રિવોલ્વર તથા એક પિસ્તોલ અને છ જીવતા કાર્ટીસ મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ શખ્સ અગાઉ પ્ર.નગર પોલીસ મથકના તથા ગાંધીગ્રામના મર્ડરના ગુનામાં અને મારામારીમાં સંડોવાઇ ચુકયો છે. ડબલ મર્ડરમાં પેરોલ જમ્પ કરી ત્રણ વર્ષથી ફરાર આ શખ્સ ભાવનગર તથા મુંબઇ વચ્ચે આવ-જા કરતો રહેતો હોવાનું તેમજ કયારેક રાતના સમયે રાજકોટ ઘરે આટો મારી જતો હોવાનું ખુલ્યું છે. તેણે હથીયારો સ્વબચાવ માટે રાખ્યાનું રટણ કર્યુ છે. આ હથીયારો કયાંથી લાવ્યો? ફરાર રહ્યો ત્યારે કોણે આશરો આપ્યો? બીજા કોઇ ગુના આચર્યા કે કેમ? સહિતના મુદ્દે પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ડી.પી. ઉનડકટ, વી.એ. પરમાર, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, ભરતભાઇ વનાણી, સંતોષભાઇ મોરી, સંજયભાઇ રૂપાપરા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ડામોર, અમરદિપસિંહ વાઘેલા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:29 pm IST)