Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સરકાર પશુઓની હરરાજી બંધ કરે

સંવેદનશીલ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પશુ હરરાજી બંધ કરવા સુચના આપી છતાં હરરાજીઓ ચાલુઃ જીવદયા પ્રેમીઓનો આક્ષેપઃ આ અંગે જરૂરી જી. આર. બહાર પાડવા માંગ

અબોલ પશુઓ બચાવો :.. રાજય સરકાર દ્વારા પશુઓની હરરાજી બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવનાર જીવદયા ઘરનાં ટ્રસ્‍ટી રાજેન્‍દ્રભાઇ શાહ, કાર્તિક દોશી, નિલેશ શેઠ, હિરેનભાઇ રાધનપરા, કેવલભાઇ મોદી, ધર્મેન્‍દ્રભાઇ શાહ, પ્રકાશભાઇ મહેતા વગેરે જીવદયા પ્રેમીઓએ અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત વખતે પશુઓની હરરાજી બાબતે વિસ્‍તૃત વિગતો રજૂ કરી હતી તે વખતની તસ્‍વીર.

રાજકોટ તા. ર :.. રાજય સરકાર દ્વારા પશુઓની હરરાજી બંધ કરાવવા અંગે મુખ્‍યમંત્રીશ્રીએ આપેલા આદેશનું પાલન કરી અને અબોલ જીવોને કતલખાને જતાં અટકાવવા બાબતે શહેરનાં જીવદયા પ્રેમીઓ દ્વારા વિસ્‍તૃત રજૂઆતો થઇ છે. 

આ રજૂઆતમાં જણાવાયુ છે કે રાજ્‍ય સરકારના પશુપાલન ખાતા હેઠળ ક્રુત્રિમ બીજદાન કેન્‍દ્રો, ઘેટાં-બકરાં ઉછેર કેન્‍દ્રો,મરઘાં ઉછેર કેન્‍દ્રો, સંવર્ધન કૃષિ યુનિવર્સિટીઓ, વેટરનીટી કોલેજોમાં પશુ-પક્ષીઓ રાખવામાં આવે છે, આવા જીવોની શારિરીક શક્‍તિ ઘટી જાય છે, ઘરડા થાય, બિમાર થાય, દૂધ વગરના થાય, કસ કાઢી લીધા બાદ અને કેન્‍દ્રોની જરૂરિયાતો પૂરી થયા બાદ આ નિર્દોષ જીવોની હરરાજી કરવામાં આવવતી હતી આવા પશુ-પક્ષીઓને સાચવવા કોઇ પશુપાલક કે માલધારીઓને આજની મોંઘવારીમાં પોસાય તેમ નથી જેથી આવા પશુ-પક્ષીઓ હરરાજીમાં કોણ લઇ જાય તે તદન સમજી શકાય તેવી સત્‍ય હકીકત છે. પરીણામે હરરાજીમાં અન્‍ય લોકો કેટલાક અધિકારીઓ સાથે ગોઠવણ કરી ઓછી કિમતે લઇ જતાં હતા અને નિર્દોષ અબોલ જીવો કમોતે મરતા હતા.

દરમિયાન જીવદયાક્ષેત્રે જેઓનો વર્ષો જુનો વિશાળ અનુભવ છે,પાંજરાપોળમાં જેઓની આજીવન નોંધનીય સેવા રહેલી છે અને એમીનલ વેલ્‍ફેર બોર્ડના ડિરેક્‍ટર રાજેન્‍દ્રભાઇ શાહે આ બાબતે તા.૧૨-૩-૧૮ના રોજ જીવદયાપ્રેમી-સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રીને લેખીત રજૂઆત કરતાં તેઓશ્રીએ તાત્‍કાલિક આદેશ આપી પશુઓની હરરાજી બંધ કરવી, અને નજીકના પાંજરાપોળમાં આપી દેવી તેવો આદેશ મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલય પત્ર ક્રમાંક ન.મુમક/વીઆઇપી/૧૩૧૭૮ તા.૧૫/૩/૨૦૧૮થી આપેલ છે.

આ આદેશથી કોઇ મુશ્‍કેલી ઉભી થાય તો જીવદયા ઘર, રાજકોટના ટ્રસ્‍ટીશ્રી વસંતભાઇ દોશીએએ પશુપાલન ખાતાને તા.૨૧/૪/૨૦૧૮ના પત્રથી જણાવેલ છે કે કોઇપણ પાંજરાપોળ સંજોગોવસાત આવા પશુ-પક્ષીઓને સંભાળી શકે તેમ ન હોય તો તેઓ આવા તમામ પશુ-પક્ષીઓની વ્‍યવસ્‍થા ગોઠવી આપશે અને તમામ જરૂરી સહાય કરશે તેવી ખાત્રી અપાયેલ છે.

આ અન્‍વયે એનિમલ વેલ્‍ફેર બોર્ડના પ્રતિકભાઇ સંઘાણીએ જુનાગઢ વેટરનરી કોલેજના ડીન ડો.ટાંકને તા.૧૪/૪/૨૦૧૮ના સાંજે ૭ વાગ્‍યે આ અંગેની જાણ કરી પરિપત્ર મોકલેલ હતો અને વિનંતી કરેલ કે હવે પછી માન.મુખ્‍યમંત્રીશ્રીના આદેશ અનુસાર કોઇપણ જીવોની હરરાજી કરવાની નથી તેમ છતાં મરઘાઓની હરરાજી થઇ. રાજકોટના જીવદયાપ્રેમી ભાવેશભાઇ શાહ કે જેઓ આવા જીવોને કતલથી બચાવવા અવાર-નવાર હરરાજીમાં ભાગ લેતા હોય છે, તેઓએ દોઢ-બે માસ પહેલા આવા મરઘાં પ્રતિ કિલો ૭૭ રૂપિયાના ભાવથી હરરાજીમાંથી છોડવેલ હતા તેઓએ પણ કોઇ હરરાજી હોયતો જણાવવા ૨-૪ વખત વિનંતી કરેલ હતી પરંતુ તેઓને જણાવ્‍યા વગર ૪૦૦ મરઘાઓ રૂપિયા ૭૫ની બજાર કિમત બદલે ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી લાગતા વળગતાને આપી દેવામાં આવ્‍યા ત્‍યારે હરરાજીઓની તટસ્‍થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

આ તકે જીવદયાપ્રેમી મુખ્‍યમંત્રીના આદેશને રાજયની સમગ્ર દયાળુ પ્રજા દિલથી વધાવી આવકારી રહેલ છે. તેમજજ જૈનાચાર્યો ભગવંતો પૂ. વિજયરત્‍ન સુંદરસૂરીશ્વરજી મ.સા.એ વિહારમાં લાસુંદ્રાથી, પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા.એ જીરાવાલથી, પૂ. વિજય હર્ષતિલક સૂરીશ્વરજી મ.સા.એ ડિસાથી પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સાએ રાજકોટથી રાષ્‍ટ્ર સંત પૂ. નમ્રમુની મ.સા.એ સાણંદથી તેમજ બોચાસણવાસી સ્‍વામીનારાયણ સંપ્રદાયના પૂ.અપૂર્વ સ્‍વામીજી રાજકોટ, એનિમલ વેલ્‍ફેર બોર્ડના ડિરેકટર ીમતલભાઇ ખેતાની, શ્રીજી ગોૈશાળાના દાસભાઇ, જીવદયાપ્રેમીઓ હરેશભાઇ શાહ, પ્રકાશભાઇ શાહ, ભાવેશભાઇ શાહ, સમીરભાઇ બાવીચી, અજીતભાઇ શાહ, રમેશભાઇ ઠક્કર, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, હેમલભાઇ કપાસી, કાર્તિકભાઇ દોશી, રાહુલભાઇ મારવાડી, નિલેષભાઇ શેઠ, જયદિપભાઇ મોદી, પ્રશાંતભાઇ શેઠ, રાજેશભાઇ મોદી, પરેશભાઇ દોશી, યશ શાહ, કેવલ મોદી, અભિજિત મોદી, ઉદિત શેઠ, નિરંજન આચાર્ય અને જુનાગઢથી જીવદયા એનિમલ હેલ્‍પ લાઇનના કેતનભાઇ દોશી, સ્‍થા. જૈન સંઘના માનદ મંત્રી સંઘવીભાઇ, સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરના શાષાીજી કોઠારી સ્‍વામી, ભારતી આશ્રમ ગુરુકુળ સેવા ટ્રસ્‍ટ, કેશરીયા ગોૈશાળા મંડળ, ગોૈ મંગલ ગોૈસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, ભવનાથ મહાદેવ મંદિર, અ.ભા.અવધુત મેસ સંઘના શ્રીનાથજી દલીચા, ગુરુશ્રી ગોરખનાથ આશ્રમ ગોૈશાળાના મહંત શ્રી શેરનાથ બાપુ, આઇશ્રી વિરબાઇ ગોૈશાળાના લખુ ઓડેદરા તેમજ અનેક પૂ. સંતો-મહંતો એ આવા મૂંગા જીવો માટેના અનુકંપામય નિર્ણય બદલ અભિનંદન આપી બિરદાવેલ હતા ત્‍યારે આ અંગે પશુપાલન ખાતાએ હજુ સુધી જરીરી જીઆર બહાર પાડેલ નથી ત્‍યારે મુખ્‍યમંત્રી શ્રી આ બાબતે તાત્‍કાલીક આવશ્‍યક જીઆર બહાર પડાવે તેવી માંગ રજુઆતનાં અંતે ઉઠાવાય છે.

(4:28 pm IST)