Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પૂ.પ્રમુખસ્‍વામી મહારાજ ૯૮માં જન્‍મજયંતિ મહોત્‍સવ ઉપક્રમે

મવડી નૂતન મંદિર - સંસ્‍કારધામ ખાતે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્‍ન

પૂ. ડોકટર સ્‍વામીએ પ્રતિષ્‍ઠા કરી આર્શીવચન આપ્‍યા : મંદિર - સંસ્‍કારધામ દ્વારા ચાલશે સમાજ ઉપયોગી પ્રવૃતિઓ તેમજ નૈતિક મૂલ્‍યોનું સિંચન કરતી સત્‍સંગસભાઓ

રાજકોટ : બીએપીએસ રાજકોટની સત્‍સંગ પ્રવૃતિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ મહંત સ્‍વામી મહારાજના શુભાશિષથી રાજકોટ ખાતે બે ભવ્‍ય સંસ્‍કારધામોની પ્રતિષ્‍ઠા ગત વર્ષે બીએપીએસ સંસ્‍થાના વરિષ્‍ઠ સદ્દગુરૂ સંત પૂજય ડોકટર સ્‍વામીના હસ્‍તે કરવામાં આવી હતી. પૂ. પ્રમુખસ્‍વામી મહારાજના ૯૮મા જન્‍મજયંતિ મહોત્‍સવ ઉપક્રમે મવડી વિસ્‍તારના મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ બીએપીએસના વરિષ્‍ઠ સદ્દગુરૂ સંત પૂ. ડોકટર સ્‍વામીના સાનિધ્‍યમાં યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત મવડી ખાતેના નૂતન સંસ્‍કારધામનો પ્રાણપ્રતિષ્‍ઠાવિધિ સંપન્‍ન થયો હતો.

બીએપીએસ સંસ્‍થાના વરિષ્‍ઠ સદ્દગુરૂ સંત પૂજય ડોકટર સ્‍વામી, ગોંડલ અક્ષરમંદિરના મહંત પૂજય ઘનશ્‍યામપ્રસાદ સ્‍વામી, ભાદરા મંદિરના કોઠારી પૂજય ધર્મકુંવર સ્‍વામી, વડીલ સંત ધર્મચરણ સ્‍વામી, સંતસ્‍વરૂપ સ્‍વામી તથા સૌરાષ્‍ટ્રભરમાંથી પધારેલ ૨૫થી અધિક સંતોની ઉપસ્‍થિતિમાં અક્ષરપુરૂષોતમ મહારાજ, ગુરૂ પરંપરા, રાધાકૃષ્‍ણ દેવ, હનુમાનજી તથા ગણપતિજીની મૂર્તિમા વૈદિક મંત્રોચ્‍ચાર દ્વારા પ્રાણ પૂરવામાં આવ્‍યો. ત્‍યારબાદ ભગવાન સમક્ષ ભવ્‍ય અન્‍નકૂટ ધરવામાં આવ્‍યો તથા ઉપસ્‍થિત તમામ હરિભકતો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી.

મવડી સંસ્‍કારધામમાં નિત્‍ય ભગવાનનાં દર્શન સવારે ૭:૩૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૯ સુધી થશે જેમાં સવારે ૭:૩૦ વાગ્‍યે શણગાર આરતી તેમજ સાંજે ૭:૩૦ વાગ્‍યે સંધ્‍યા આરતીનો લાભ મળશે. યુવાનોના શિક્ષણ અને લક્ષણયુકત જીવન ઘડતર માટે દર ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી યુવક સભાનો લાભ મળશે, બાળ - બાલિકાઓના ઘડતર માટે દર શનિવારે સાંજે ૬ થી ૭:૩૦ બાલિકા સભા અને દર રવિવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ બાળ સભાનો લાભ મળશે, પરીવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય તે માટે દર બુધવારે રાત્રે ૯ થી ૧૦:૩૦ સત્‍સંગ સભાનો લાભ મળશે. ભાવિકોને લાભ લેવા રાજકોટ મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્‍વામી અને પૂ. અપૂર્વમુનિ સ્‍વામી દ્વારા પહેલ કરવામાં આવી છે.

(4:16 pm IST)