Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સરકારે ૩ કરોડ નહિ ચૂકવતા જમીન માલીકો દ્વારા વળતર ચૂકવવા રિ-જપ્તિ વોરંટની કોર્ટમાં માંગણી

મોરબી-જામનગર હાઇવેની રીંગ રોડની સંપાદન થયેલ જમીનના કેસમાં : જપ્તિ વોરંટની અમલવારી રોકવા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં અરજી

રાજકોટ તા. ર :.. જમીન સંપાદન ધારા હેઠળના કેસમાં મોરબી રોડ, જામનગર રોડને જોડતા રીંગ રોડ ઉપરની જમીનના કેસમાં સરકારે અગાઉ કોર્ટે કરેલા હુકમ મુજબ વળતરની રકમ જમા નહિ કરાવતાં આજે આ કેસના અરજદારો જમીન માલીક વિજયાબેન પરસાણા, રસિકભાઇ પરસાણા, મુકેશભાઇ પરસાણા અને હિનાબેન પરસાણા દ્વારા આજે રિ-જપ્તિ વોરંટની કોર્ટ પાસે માંગણી કરતાં આ કેસે ફરી ચકચાર જગાવી છે.

દરમ્યાન સરકારી વકીલ શ્રી પ્રશાંત પટેલ દ્વારા કોર્ટના જપ્તિ વોરંટની અમલવારીને સ્થગિત કરવા આજે કોર્ટમાં અરજી આપવામાં આવ્યાનું જાણવા મળે છે.

જામનગર-મોરબી હાઇવે ઉપર આવેલ રીંગ રોડ ઉપરની વિજયાબેન ગોરધનભાઇ પરસાણા વિગેરેની આવેલ ખેતીની ૬૮૮પ ચો. મી. જમીન એકવાયર સરકારે કર્યા બાદ તેનું વળતર નહિ ચૂકવતાં અરજદારોએ ખાસ જમીન સંપાદન અધિકારી ચીફ સેક્રેટરી ગુજરાત, અને કાર્યપાલક ઇજનેર માર્ગ - મકાન વિભાગ સામે જમીન સંપાદન ધારા હેઠળ વળતરનો કેસ કરેલ હતો.

આ જમીનની કપાત થતાં અરજદારોએ પ્રતિ ચો. મી. દીઠ રૂ. ૭૦૦ ની માંગણી કરી હતી. જેની સામે સરકારે માત્ર ર૦ રૂપિયા  જ લેખે જ ચુકવતાં અરજદારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યા હતો.

અરજદારોની રજૂઆતોને ધ્યાને લઇને સીવીલ જજ શ્રી બાકીએ વધારાના પ૮૦ ઉમેરી કુલ રૂ. ૬૦૦ પ્રતિ ચો. મી. જમીનનો ભાવ ઠરાવી આપી તે મુજબની રકમ અરજદારોને ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે ૧૯૯પ માં અરજદારોએ સરકાર વિરૂધ્ધ અત્રેની કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જેમાં કોર્ટે પુરાવો લઇને આખરી ચૂકાદો તા. ર૯-૯-૧૭ ના રોજ આપેલ હતો.

કોર્ટના ઉપરોકત ચુકાદા બાદ અરજદારોએ કોર્ટમાં દિવાની દરખાસ્ત દાખલ કરી હતી. જે મુજબ કુલ રૂ. ત્રણ કરોડ ૯ લાખ વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કર્યો હતો.

ઉપરોકત હુકમ છતાં સરકારે રકમ નહિ ચુકવતાં અદાલતે કલેકટર તંત્ર ઉપર જપ્તિ વોરંટ કાઢેલ હતું. આ વોરંટ નીકળતાં  કલેકટર તંત્રએ તા. ર૦-૪-૧૮ ના બજાવતાં જતાં કલેકટર તંત્રએ આજની તા. ર-પ-૧૮ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ આજે કોર્ટના હુકમ મુજબ રકમ જમા થયેલ ન હોય અરજદારોના વકીલો વી. પી. પટેલ, હિતેશભાઇ પરસાણા અને ભરતભાઇ નાગ્રેચાએ રિ-વોરંટની કાઢવાની આજે માંગણી કરી હતી. પરંતુ સરકારી વકીલ હાજર ન હોય સરકારી વકીલના આવ્યા બાદ આગળની કાર્યવાહી મુલત્વી રાખી હતી.

દરમ્યાન કોર્ટ દ્વારા જે જપ્તિ વોરંટ કાઢવામાં આવેલ તેના સંદર્ભેમાં આજે અરજદારો વતી રિ-વોરંટની માંગણી થયેલ છે. તે સામે સરકાર પક્ષે સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલ દ્વારા આજે વોરંટની અમલવારી સ્થગીત કરવા કોર્ટને અરજી આપી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ મુદ્ે બંને પક્ષો દ્વારા કાનુની જંગ મંડાયો છે. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંતભાઇ પટેલ રોકાયા છે. જયારે અરજદારો વતી એડવોકેટ વી. પી. પટેલ,  દિનેશભાઇ પરસાણા અને ભરત નાગ્રેચા રોકાયા છે.

(4:11 pm IST)