Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લાભદીપ સોસાયટીમાં લેઉવા પટેલ યુવતિ તૃપ્તી ગમઢાની આત્મહત્યા

બે મહિના પહેલા છુટાછેડા બાદ બીજા લગ્નની વાતચીત ચાલતી હતીઃ અચાનક પગલુ ભરતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨: મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટી-૩માં રહેતી તૃપ્તીબેન શિવાભાઇ ગમઢા (ઉ.૨૪) નામની લેઉવા પટેલ યુવતિએ મોડી રાત્રે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આપઘાત કરનારના છુટાછેડા થઇ ગયા હતાં અને થોડા દિવસો બાદ બીજા લગ્ન કરવાના હતાં. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્યા મુજબ લાભદીપ સોસાયટીમાં રહેતી તૃપ્તી ગમઢાએ રાતે ઘઉંમાં રાખવાની ટીકડી પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ત્યાં મોડી રાત્રે મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ તૃપ્તીબેનના લગ્ન થઇ ગયા હતાં અને બે માસ પહેલા જ છુટાછેડા થયા હતાં. હવે ફરીથી આગામી દિવસોમાં બીજા લગ્નની વાતચીત ચાલતી હતી. ત્યારે અચાનક જ તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(1:21 pm IST)