Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જંગલેશ્વરની અફસાના ઘાંચીને ચારિત્ર્ય પર ખોટી શંકા કરી પતિ ફારૂકનો ત્રાસ

રાજકોટમાં એકલી મુકી વંથલી માતા-પિતા પાસે જતો રહ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨: જંગલેશ્વરમાં રહેતી ઘાંચી પરિણીતાને પતિ ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપી એકલી છોડી વંથલી તેના માતા-પિતા પાસે જતો રહ્યો હોઇ મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.

 પોલીસે હાલ જંગલેશ્વર નિલકમલ પાર્ક બ્લોક નં. ૧૧માં રહેતી અફસાના ફારૂક ધુમલીયા (ઘાંચી) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી તેના પતિ વંથલી રહેતાં ફારૂક યુસુફભાઇ ધુમલીયા સામે ગુનો નોંધ્યો છે. અફસાનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન અગિયાર વર્ષ પહેલા જુનાગઢના ફારૂક સાથે થયા છે અને સંતાનમાં ૧૦ વર્ષનો દિકરો ફરહાન છે. અગાઉ પોતે જુનાગઢમાં જ રહેતાં હતાં. હાલ તેણી માવતરે રહે છે. લગ્ન પછી પતિએ ત્રણેક વર્ષ સારી રીતે રાખી હતી. એ પછી વારંવાર નાની-નાની વાતે ત્રાસ શરૂ કરી ઘરમાંથી કાઢી મુકાતી હતી. આથી ત્રણ વર્ષ પહેલા કોર્ટ કેસ કર્યો હતો અને ખાધા ખોરાકીનો કેસ પણ કર્યો હતો. ઘરમેળે સમાધાન થઇ જતાં પતિ પોતાને રાજકોટ રહેવા લાવતાં કેસ પાછો ખેંચી લીધો હતો.

દોઢેક વર્ષથી પોતે અને પતિ જંગલેશ્વરમાં રહેતાં હતાં. સમાધાન થઇ ગયા પછી થોડો સમય સરખી રીતે રાખી હતી. તેમજ સમાધાનના અપાયેલા ચાર લાખ રૂપિયા પણ તેણે પાછા લઇ લીધા હતાં. એ પછી ચારિત્ર્ય પર ખોટી શંકા કરી ગાળો દઇ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. હાલમાં પતિ તેણીને એકલી મુકી વંથલી મા-બાપા પાસે જતો રહ્યો છે. મહિલા પોલીસ મથકના હેડકોન્સ. એમ. આર. ડવએ ફરિયાદ નોંધી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એમ. કે. દેસાઇ ચલાવે છે.

(1:19 pm IST)