Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગાયત્રીનગરની એકતા કુંડલીયાને કપડાના વેપારી પતિ તથા સાસુ-સસરા-દિયર અને દેરાણીનો ત્રાસ

લગ્નના એક જ મહિના પછી ત્રાસ શરૂ થઇ ગયોઃ ફૂડ પોઇઝનીંગની સારવારનો ખર્ચ અને ગાડી-સ્કૂટર માવતરેથી લઇ આવવાનું કહી હેરાન કરાઇઃ એનિવર્સરીમાં બહાર જવાની ના પાડી ભાઇને બોલાવી પરત માવતરે મોકલી દીધી

રાજકોટ તા. ૧: હાલ કરણસિંહજી રોડ પર યશ રેસિડેન્સીમાં પહેલા માળે ફલેટ નં. ૧૦૧માં રહેતી એકતાબેન વિશાલ કુંડલીયા (ઉ.૨૬)ને કપડાનો શો રૂમ ધરાવતાં પતિ તેમજ સાસુ-સસરા-દિયર-દેરાણી તેમજ કાકાજી સસરાએ નાની નાની વાતે ત્રાસ આપ્યાની ફરિયાદ થઇ છે.

મહિલા પોલીસે એકતાબેનની ફરિયાદ પરથી ગાયત્રીનગર-૩/૧૧ના ખુણે રહેતાં તેના પતિ વિશાલ જીતુભાઇ કુંડલીયા, સાસુ જ્યોતિબેન, સસરા જીતુભાઇ કાંતિભાઇ કુંડલીયા, દિયર મિલન કુંડલીયા, દેરાણી ડેનીશા કુંડલીયા અને ગાંધીગ્રામ સ્ટર્લિંગ પાછળ રહેતાં કાકાજી સસરા અજયભાઇ કાંતિભાઇ કુંડલીયા સામે આઇપીસી ૪૯૮ (ક), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. તેણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું એમ.કોમ સુધી ભણેલી છુ અને મારા લગ્ન ૨૯/૧/૧૭ના રોજ ગાયત્રીનગર-૩/૧૧માં રહેતાં વિશાલ જીતુભાઇ કુંડલીયા સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. પતિ  ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરે છે. લગ્ન બાદથી હું મારા પતિ, સાસુ, સસરા, દિયર સાથે સંયુકત પરિવારમાં રહેતી હતી. એકાદ મહિનો ઘરસંસાર સારો ચાલ્યો હતો. બાદમાંનાની-નાની વાતે બોલાચાલી શરૂ થઇ હતી. મારા નવા લગ્ન હોઇ હું બધુ જતુ કરતી હતી. જુલાઇ-૨૦૧૭માં દિયર મિલનના લગ્ન ડેનીશા સાથે થયા હતાં. મારા સાસુ જ્યોતિબેન અને મારા કાકાજી અજયભાઇ કે જે ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ભાડેથી રહે છે એ બંનેની વાત હું જાણી જતાં આ કારણે મારા સાસુ કહેતા હતાં કે તું આ વાત કોઇને કરતી નહિ, નહિતર તને ઘરમાં રહેવા નહિ દઉં.

અમારા ઘરમાં કાકાજી અજયભાઇ  જે કહે તેમ જ થતું હતું. મારા લગ્નના એકાદ મહિના પછીથી મને ફૂડ પોઇઝનીંગ થઇ જતાં વોકહાર્ટમાં દાખલ કરી હતી. તેનો રૂ. ૩૦ હજારનો ખર્ચ થયો હતો. એ પછી મારા સસરા કહેતા કે તારા બાપને ત્યાંથી રૂપિયા લઇ આવ. સાસુ-સસરા ઘરકામ બાબતે સતત કચકચ કરતાં અને નવી પરણીને આવેલી દેરાણી ડેનીશા પણ ઘરનું કામ કરતી નહિ અને મને કંઇ આવડતું નથી તેમ કહી બેઠી રહેતી હતી. આખા ઘરનું કામ હું એકલી જ કરતી હતી. મારા દિયરનું ઘરમાં વધુ વર્ચસ્વ હોઇ તે ને નાની-નાની વાતે અમારે બધુ પુછવું પડતું હતું. મારા દિયર પણ મને મારા પિતાના ઘરેથી ગાડી અને સ્કૂટર લઇ આવવા દબાણ કરતાં હતાં.

એકતાબેને એફઆઇઆરમાં આગળ જણાવ્યું છે કે દિયર સમયસર દૂકાને જતાં નહિ અને મારા પતિને નિત્યક્રમ મુજબ દુકાને જતું રહેવાનું થતુ હતું. મારા પતિ દૂકાને જાય કે તરત જ સાસુ-સસરા-દિયર-દેરાણી ઝઘડો શરૂ કરી મને અલગ કરી દેવાની વાતો કરતાં હતાં. મારા પતિ બધુ જાણતા હોવા છતાં કોઇને કંઇ કહેતા નહિ અને તે પણ તેના ભાઇ, માતા-પિતા અને કાકા કહે તેમ જ કરતાં હતાં. મારા પતિ મારું પણ સાંભળતા નહિ. અમારી મેરેજ એનિવર્સરી આવતી હોઇ અમે પતિ-પત્નિએ બહાર જવાનું વિચાર્યુ હોઇ સાસુ-સસરાએ તમારે કયાંય બહાર નીકળવાનું નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. એ પછી મારા સાસુએ મારા નાના ભાઇ રોહિતને ઘરે બોલાવી એકતાને અમારે રાખવી નથી અહિથી લઇ જાવ તેમ કહી દીધુ હતું. ત્યારથી એટલે કે ત્રણેક માસથી હું મારા માવતરે છું.

મારા પિતાએ જ્ઞાતિના આગેવાનો મારફત બેઠક કરી હતી. પરંતુ સમાધાન ન થતાં અંતે અમે ફરિયાદ કરી છે. તેમ વધુમાં એકતાબેને ફરિયાદમાં જણાવતાં પી.એસ.આઇ. જે.આર. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)