Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂત સભાસદોને હવે બમણી મેડીકલ સહાયઃ ૧૦ હજાર ચૂકવાશે

રાજકોટ, તા. ૨ :. ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસલક્ષી પ્રવૃતિ કરે છે.

આ બેંક, બેંક સાથે જોડાયેલ બેંકની સભાસદ તથા નામજોગ સભાસદ ખે.વિ. મંડળી મારફત તથા બેંકના નામજોગ સભાસદ બની નિયમીત કે.સી.સી. ધિરાણ મેળવતા સભાસદોને કીડની, પત્થરી, પ્રોસ્ટેટ, કેન્સર, હાર્ટએટેક, પેરેલીસીસ તથા બ્રેઈન હેમરેજ જેવા રોગોમાં મેળવેલ સારવારમાં થયેલ ખર્ચ સામે બેંક તફથી રૂ. ૫૦૦૦ની સહાય ચુકવવાનું ધોરણ છે. આ અંગે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોનાં દુઃખમાં સહભાગી થવા આવી સહાયમાં વધારો કરવા લાગણી દર્શાવતા બોર્ડ ઓફ ડિરેકટર્સે સહર્ષ સ્વીકારી રૂ. ૧૦,૦૦૦ (દસ હજાર પુરા)ની સહાય ચુકવવા નિર્ણય થતા રાજકોટ ખાતે રાજકોટ તથા મોરબી જીલ્લાની ખેતી વિષયક મંડળીઓના પ્રમુખશ્રી / મંત્રીશ્રી તથા બ્રાંચ મેનેજરોની ધિરાણ અને વસુલાત અંગે માર્ગદર્શન અંગેની મળેલ મીટીંગમાં બેંકના રૂ. ૧૦,૦૦૦ની રોગ સહાયની જાહેરાત કરેલ છે.

બેંકના ચેરમેનશ્રીએ ખેડૂત સભાસદો માટે રોગ સહાયની મર્યાદામાં વધારો કરતા રાજકોટ તથા મોરબી જીલ્લાના જરૂરીયાતમંદ ખેડૂત સભાસદોને ખૂબ જ રાહત મળશે. જે બદલ બેંક સાથે જોડાયેલ સમગ્ર સહકારી પરિવાર તરફથી બેંકના ચેરમેનનો આભાર વ્યકત કરી  અભિનંદન વર્ષા  કરેલ  હતી. (૨-૨)

(10:50 am IST)