Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાના ફુંફાડા વચ્ચે દવા-ઇન્જેકશનો-બેડની અછતઃ સરકાર જાગેઃ કોંગ્રેસ

રેમડેસીવર-તોસીલીઝૂમ્બ દવાઓનો સ્ટોક મેન્ટેન કરવામાં સરકાર નિષ્ફળઃ સીવીલમાં હવે માત્ર ર૪૦ બેડ ખાલી-ખાનગી હોસ્પીટલો છલોછલ સરકાર ત્વરીત પગલા નહી લ્યે તો સ્થીતી ગંભીર થવાની ભીતિઃ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના આક્ષેપો

રાજકોટ તા. ર :.. શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ વધ્યું છે ત્યારે જ તેની સારવાર માટેની દવાઓ-ઇન્જેકશનો અને બેડની અછત વર્તાવા લાગી છે. તે સરકારની નિષ્ફળતાં બતાવે છે. તેવો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

 આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં ભાજપ સરકારની લાપરવાહીના કારણે કોરોના મહામારીની બીજી ખતરનાક લહેરમાં સપડાયું છે  ત્યારે આ મહામારીએ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભરડો લેવાનું ચાલુ કરી દીધું છે  અગાઉ લોકડાઉન અને કફર્યું જેવા તબક્કાઓમાંથી પસાર થઇ મોંઘવારી, કાળાબજારી, બેરોજગારી, વગેરે જેવી સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેવા વખતે ફરી કોરોનાનો ફુંફાડો લાગવા મંડયો છે. દરરોજ ર૦૦ કેસ રાજકોટમાં આવી રહ્યા છે. ત્યારે  સમગ્ર રાજકોટમાં રેમડેસીવીર અને તોસીલીઝુમ્બ જે કોરોનામાં અકસીર ઈલાજ કરતા દવાઓ  ખાલી છે ત્યારે ગુજરાત સરકાર શું કરે છે ? અને લોકોના આરોગ્યની ચિંતા કરવાનો ઢોંગ કરતી ભાજપ સરકાર નો ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે.

એટલું જ નહીં. રાજકોટ શહેરની તમામ ખાનગી કોવીડ હોસ્પિટલો છલોછલ છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલની કેપેસીટી ૫૯૦ બેડ ની છે ત્યારે તેમાં ૨૪૦ બેડ ખાલી છે અને આગામી ૨૩ દિવસમાં આ બેડમાં દર્દીઓ આવશે તો સ્થીતી ગંભીર થશે માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક  અસરથી સિવિલ હોસ્પિટલમાં બેડ વઘારવા પગલા લેવા જોઈએ અને જો આ બાબતના પગલા નહી લેવામાં આવે તો લોકોની પરીસ્થિત કફોડી બનશે અને મહામારીનો આંકડો વધશે તેમજ સરકારની લાપરવાહીને કારણે મૃત્યુ દર વધવાની ભીતિ રહેશે.

શ્રી સાગઠીયાએ નિવેદનમાં આક્ષેપો કર્યા છે કે   રાજકોટમાં છેલ્લા ૧ દિવસના ૧૨ મોત થયાનું સરકારી ચોપડે દર્શાવ્યું છે પરંતુ, હકીકત તો કાંઇક અલગ જ છે કારણકે રાજકોટના સ્મશાનોમાં કોવીડની ગાઈડલાઈન્સ મુજબ થતી વિધિઓ જોતા આંકડો ચોંકાવનારો બહાર આવ્યો છે રાજકોટમાં આરોગ્ય તંત્ર કોરોનાના મોતના આંકડાઓ છુપાવી રહી છે  વોર્ડ નં.૧૫માં મારી સોસાયટીની બાજુમાં રહેતા બે વ્યકિતઓના કોરોના લીધે મૃત્યુ થયા હોવા છતાં કોર્પોરેશન અને સરકારના ચોપડે આ મોત કોરોનાથી થયા નથી તેવું દર્શાવવામાં આવ્યું છે હકીકતમાં આ બંને મોત કોરોનામાં થયા છે અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરીને તેઓની અંતિમ વિધિ કરવામાં આવેલ છે તેમાંથી પૂર્વ ધારાસભ્યના કઝીન ભાઈનું મૃત્યુ થયેલું છે. જો  સોસાયટીમાં આવી પરિસ્થિતિ હોય તો રાજકોટની પ્રજાએ નક્કી કરવાનું છે કે સમગ્ર રાજકોટમાં કેવી પરિસ્થિતિ હશે,

  ગત વર્ષ કરતા મોતના  આંકડા માં વધારો થઇ રહ્યો છે સરકારે માર્ચ મહિનામાં રાજકોટ માં ૩૩૦૦ કેસો બતાવ્યા છે પરંતુ માર્ચ મહિનાનો આંકડો જ પાંચ આંકડામાં પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કોરોના ટેસ્ટમાં ૪ ગણો વધારો નોંધાયો છે  એ જ બતાવે છે કે કોરોનાએ માજા મૂકી છે ત્યારે સરકાર દ્વારા પણ અગાઉ જે પ્રકારે  ચેપ પ્રસરતો રોકવામાં ઘનિષ્ટ કામગીરી  કરાઇ હતી. તેવી કામગીરી હાલમાં થતી નથી તેવો આક્ષેપ શ્રી સાગઠીયાએ નિવેદનનાં અંતે કર્યો છે.

(3:26 pm IST)