Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

તડકાથી બચવા ઓઢેલી ચૂંદડી મોત બની...મશીનમાં ફસાતાં માથું અથડાતાં ૧૮ વર્ષની જયાનો જીવ ગયો

ચુડાના કુંડલા ગામનો બનાવઃ યુવતિએ રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨: ચુડા તાબેના કુંડલા ગામે રહેતી ૧૮ વર્ષની યુવતિ તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી હલર મશીન પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગઇ ત્યારે ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાતાં પોતે તેની સાથે ખેંચાતા માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

કુંડલાની જયા સુરેશભાઇ વનાણી (કોળી) (ઉ.વ.૧૮)ને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગત સાંજે સાડા ચારેક વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી. પાણી ેઆપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો અને એ સાથે તે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી.

સારવાર કારગત ન નિવડતાં દમ તોડી દીધો હતો. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાગળો ચુડા પોલીસને મોકલવા તજવીજ કરી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(10:23 am IST)