Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પિયરમાં જે સુવિધા છે તે સુવિધા સાસરિયામાં જોઇશે

પ્રેમલગ્નના ૧૦ વર્ષ બાદ પત્નીએ માગણી કરી : ઘરમાં પરિણીતાની સાથે સાસુ રહે છે અને સાસુને પણ બીજે મોકલી આપવામાં આવે તેવી પણ માગ કરી હતી

રાજકોટ,તા. : નાની નાની બાબતોમાં લોકો પોતાનું લગ્નજીવન ભાંગી નાખતા હોય તેવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી જાનવી નામની ( નામ બદલેલ છે ) મહિલાએ દસ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મહિલાને તેના પતિ વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતાં હોવાના કારણે મહિલાએ છૂટાછેડા લેવાની માંગ કરી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ ૧૮૧ અભયમની ટીમને જાણ કરી હતી જે અંતર્ગત ૧૮૧- અભયમની ટીમ દ્વારા મહિલા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન ૧૮૧ની ટીમ દ્વારા મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, તમારે શું જોઈએ છે. ત્યારે મહિલાએ પોતાનું એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં સારો ફ્લેટ, વોશિંગ મશીન, ઘરઘંટી તેમ ઘરનો તમામ વ્યવહાર એટલે કે હિસાબ પણ પોતાની પાસે રાખે તેવી માંગ કરી હતી. તેમ ઘરમાં તેમની સાથે તેમના સાસુ રહે છે તે સાસુંને પણ બીજે મોકલી આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તેમજ પિયરમાં જેટલી પણ સુખ સુવિધા છે તે પ્રકારની સુખ સુવિધા સાસરિયામાં પણ જોઇશે તેવી માંગ કરી હતી.

બીજી તરફ ૧૮૧ની ટીમને જાનવીના પતિ રાકેશે ( નામ બદલેલ છે ) જણાવ્યું હતું કે, તે હાલ નોકરી કરે છે થોડા સમયમાં તે ફલેટ લેવાનો છે. જેના માટે તેને હાલ થોડો સમય જોઈએ છે. ૧૮૧ની ટીમ દ્વારા જાનવીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવવામાં આવી હતી. તેના પતિની આવક મર્યાદા શું છે? જાનવી પોતે નોકરી કરે તો નવી આવક ઊભી થઈ શકે તેમ છે. જે નવી આવક ઉભી થતા પરિવારનું ગુજરાન કઈ રીતે સારી રીતે ચાલી શકે તે તમામ બાબતો અંગે ૧૮૧ની ટીમ દ્વારા તેને સમજાવવામાં આવી હતી. ત્યારે ૧૮૧ની ટીમ દ્વારા સમજાવવામાં આવતા હાલ તેને તેના પતિ સાથે છૂટાછેડા લેવાનો વિચાર માંડી વાળ્યો છે.

(9:33 pm IST)