Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

શહેરમાં ''લોકડાઉન''નું પાલન થાય છે કે નહિ? છુપા વેશે પોલીસ કમિશ્નર અગ્રવાલે ચકાસણી કરી

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેર પોલીસ લોકડાઉનનું સંપુર્ણપણે પાલન કરાવે છે કે નહિ? તે ચકાસવા આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ છૂપા વેશે શહેરભરમાં ઘૂમી વળ્યા હતા. માથે ટોપી અને સિવિલ ડ્રેસ પહેરી ખાનગી ટોયેટો ઇનોવામાં નિકળેલા પોલીસ કમિશ્નરને તૈનાત પોલીસ સ્ટાફ પણ ઓળખી શકયો ન હતો. સરપ્રાઇઝ ચેકીંગ પાછળના હેતુ અંગે પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ખાનગી વાહનમાં પસાર થઇ રહેલી વ્યકિતઓ કયાં કારણોસર બહાર નિકળી છે? તેની ચકાસણી બંદોબસ્તમાં રહેલો સ્ટાફ કરે છે કે નહિ? તે જાણવા અને શહેરના જુદા-જુદા ભાગોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે? તે જાણવું જરૂરી હતું. જો હું સરકારી ગાડીમાં ડ્રેસ પહેરી નિકળું તો આ સ્થિતિનું યોગ્ય વિશ્લેષણ ન થઇ શકે. માટે હું છૂપાવેશે ફર્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.  આ ઉપરાંત ચેક પોસ્ટ, ફીકસ પોઇન્ટ ઉપર ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સેનેટાઇજર, હેન્ડ ગ્લોઝ, માસ્કનો ઉપયોગ કરે છે કે નહિ ?  તે જાણવું  તૈનાત સ્ટાફની શારીરીક તંદુરસ્તી માટે જરૂરી હોય સરપ્રાઇઝ ચેકીંગ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ વચ્ચે કોઇ સિવીલીયનને મેડીકલ સહાયની જરૂર પડે તો બંદોબસ્તમાં રહેલા સ્ટાફે કઇ રીતે મદદ થવું? તે વિશે પણ પોલીસ કમિશ્નર દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

(4:17 pm IST)