Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકડાઉનમાં પણ તમામ શાકભાજી અને ફ્રુટસ માર્કેટમાં હાથવગાઃ ગૃહિણીઓ ખુશખુશાલ

બજારમાં વ્યાજબી ભાવે અને નિયમિત ગણાતા શાકભાજી અને ફ્રુટસ મળતા લોકોને નિરાંત થઇઃ ભીંડો અને ગુવાર થોડા ઉંચા છે : માત્ર બે દિવસ ટમેટાની આવક ઓછી થતા મોંઘા દેખાયાઃ રામનવમી હોવાથી ટમેટાને બદલે સક્કરીયા વધુ આવ્યા : કોબીજ, ફલાવર તો સાવ પાણીના ભાવે મળી રહ્યા છેઃ અમુક શાકભાજીના ધંધાર્થીઓને કોબીજ-ફલાવર ફેંકી દેવા પડે છે! તુરીયા પણ નીચા ભાવે મેળવી શકાય છે : શાકમાર્કેટ સહિત તમામ માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટ બધું બંધ હોવાથી અને શાકભાજી-ફ્રુટસની આવક સતત ચાલુ હોવાથી ભાવ નીચા જઇ રહ્યા છેઃ અમુક વેપારીઓ તો વધેલુ શાકભાજી ગૌશાળામાં પુણ્યદાનરૂપે આપી દે છે : બટેટા, ડુંગળી તથા તમામ ફ્રુટસ વ્યાજબી ભાવે ઉપલબ્ધઃ રત્નાગીરી હાફૂસ કેરી પ્રમાણમાં ઊંચા ભાવે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કિલો સાંભળવા મળે છે : ફોરેનના ફ્રુટસ જેવા કે કિવી, વોશીંગ્ટન અને ન્યુઝીલેન્ડના એપલ, આફ્રીકા, અમેરિકા અને ઓસ્ટ્રેેલિયાના પેર વિગેરે ગાયબ

રાજકોટ તા.૨: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ચાલી રહ્યો છે અને સમગ્ર ભારતમાં અપાયેલા ૨૧ દિવસના લોકડાઉન સંદર્ભે આઠ દિવસ પૂરા થઇ ગયા છે. છતાં પણ રાજકોટમાં નિયમિત રીતે ખવાતા તમામ શાકભાજી  અને ફ્રૂટસ હાથવગા છે. જેને કારણે  લોકો અને ખાસ કરીને ગૃહિણીઓ ખૂશખુશાલ જોવા મળે છે.

કારણ કે એક તો કોરોના લોકડાઉનને કારણે આવી પડેલ અણધારી ઉપાધી , જીંદગીમાં ન ધારેલો  અને ન જોયેલો માત્ર ઘરને જ આખી દુનિયા માની લેવાનો સમય, મોટાભાગના વર્કિંગ સ્ટાફને ફરજીયાત રજા, વગર ધરપકડે લોકડાઉનમાં ફરજીયાત લોકઅપ જેવી સજા વિગેરે  સંજોગોમાં જો ઘરમાં ખાવા-પીવામાં  કે રસોઇમાં સરળતા માટે શાકભાજી અને ફ્રુટસ ન મળે તો શું થાય? તેની કલ્પના જ થથરાવી દે તેવી છે.

બજારમાં કોબિજ , ફલાવર, તુરીયા, ટમેટા, શક્કરીયા, બટેટા, ડુંગળી, રીંગણા, ભીંડો, ગુવાર, કોથમીર, મેથી, ફુદીનો , દુધી, ફણસી, પાલક, કાચી કેરી વિગેરે  શાકભાજી સરળતાથી અને વ્યાજબી ભાવે મળતા લોકોને પણ  નિરાંત થઇ ગઇ છે. માત્ર ભીંડો અને ગુવાર થોડા ઉંચા ભાવેે (૧૦૦ રૂ. આસપાસ કિલો) મળી  રહ્યાનું જાણવા મળે છે.

શાકભાજી ઉપરાંત મોટાભાગના ફ્રુટસ (ફળો) નિયમિત કે પછી તેનાથી પણ ઓછા ભાવે વેપારીઓ દ્વારા  વેચાઇ રહ્યા છે. જેમાં દ્રાક્ષ, તરબૂચ, ચીકુ, કેળા, મોસંબી, સંતરા, દાડમ, સક્કરટેટી, પપૈયુ, સફરજન (સ્ટોરેજ કરેલા થોડા ઉંચા ભાવે) વિગેરેનો સમાવેશ થાય છે. સાથે-સાથે ફ્રુટસના અગ્રણી વેપારીઓ પાસે તો રત્નાગીરી  હાફૂસ કેરી પણ આવી ગઇ છે. કે જે એક કિલોના ૩૦૦ થી ૪૦૦ રૂ. સુધી ખાવાના શોખીનો દ્વારા  લેવાઇ રહી છે.

માર્કેટમાં ટમેટાની  આવક બે દિવસ માટે  ઓછી થતા તેમાં થોડો  ભાવ વધારો જોવા મળ્યો છે. રામનવમી હોવાથી ટમેટાને બદલે શક્કરીયા વધુ આવવાનુ અગ્રણી વેપારીઓ જણાવી રહ્યા છે. કોબીજ ,ફલાવર તો સાવ પાણીના ભાવે બજારમાં (૩ થી ૫રૂ. કિલો) મળી રહ્યાનું દેખાઇ છે.  કોબીજ અને ફલાવર તો ખૂબ ટુંકા સમયમાં બગડી જતા હોવાથી ઘણી વખત તો વેપારીઓ તેને ગુસ્સો કરીને ફેંકી દેતા પણ જોવા મળે છે. તુરીયા પણ બજારમાં  ઘણા નીચા  ભાવે (૧૮ થી ૨૦ના કિલો) સંભળાઇ રહ્યા છે.

હાલના સમયમાં શાકમાર્કેટ સહિતની તમામ માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટસ વિગેરે સદંતર બંધ છે. છતાં પણ શાકભાજી અને ફ્રુટસની આવક તો સતત ચાલુ જ છે. હાલમાં ખરીદ શકિતનો અભાવ, કસ્ટમર્સની ફોન ઉપર  ઓર્ડર લખાવાની મર્યાદા, આવક પ્રમાણેનો પુરો માલ ફેરીયાઓ દ્વારા ખપી નથી શકતો જેને કારણે  ભાવ  નીચા જતા જોવા મળે છે. ન ખપેલુ અને બગડી જવાની બીકે અમુક વેપારીઓ તો  વધેલુ શાકભાજી ગૌશાળામાં પુણ્યદાન રૂપે આપી દેતા હોવાનું જાણવા મળે છે.

બટેટા અને ડુંગળીનો પણ પૂરતો પુરવઠો  બજારમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. પંચમહાલ - ડીસા - વિજાપુર - લાડોલ બાજુથી આવતા બટેટા રીટેઇલ બજારમાં કવોલિટી પ્રમાણે ૧૫ થી ૨૫ રૂ. કિલો વેચાઇ રહ્યા છે. તો પોરબંદર - કુતિયાણા તથા રાજકોટ  જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવતી ડુંગળી રીટેઇલમાં ૨૦ થી ૨૫ રૂ. કિલો મળી રહી છે.

કોરોના તથા લોકડાઉન પહેલા રાજકોટની બજારમાં મળતા ફોરેનના - વિદેશી ફ્રુટસ જેવા કે કિવી, વોશીંગ્ટન (અમેરીકા) અને ન્યુઝીલેન્ડના સફરજન, આફ્રિકા-અમેરિકા અને ઓસ્ટ્રેલીયાના પેર વિગેરે તો હાલમાં સાવ ગાયબ જ થઇ ગયા છે. લોકોએ ખરા અર્થમાં 'સ્વદેશી ચળવળ' ચલાવી હોય તેવું લાગી રહ્યુ છે.

વિવિધ શાકભાજીના હાલના ભાવ (કિલોના)

(૧) કોબીજ તથા ફલાવર-૩ થી પ રૂપિયા

(ર) તુરીયા-૧૮ થી ર૦ રૂપિયા

(૩) ટમેટા-૧૮ થી ર૦ રૂપિયા

(૪) સક્કરીયા-૮ થી ૧પ રૂપિયા

(પ) બટેટા-૧પ થી રપ રૂપિયા

(૬) ડુંગળી-ર૦ થી રપ રૂપિયા

(૭) રીંગણા-ર૦ રૂપિયા

(૮) લીંબુ-પ૦ થી ૬૦ રૂપિયા

(૯) કાચી કેરી-૭૦ રૂપિયા

(૧૦) ભીંડો તથા ગુવાર-૧૦૦ રૂપિયા

(૧૧) કોથમીર, મેથી, ફુદીનો-૩૦  રૂપિયા

(૧ર) દૂધી-ર૦ રૂપિયા

(૧૩)  ફણસી-ર૦ રૂપિયાની સો ઙ્ગગ્રામ

(૧૪) પાલક-૧૦ રૂપિયાની પ થી ૬

(આપેલ અંદાજીત ભાવો કવોલિટી પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે.)

બજારમાં મળતા વિવિધ ફ્રુટસના એક કિલોના ભાવ

(૧) સક્કરટેટી-૪૦ રૂપિયા

(ર) સંતરા-૪૦ થી ૬૦ રૂપિયા

(૩) મોસંબી-૪૦ થી ૭૦ રૂપિયા

(૪) દ્રાક્ષ-પ૦ થી ૧૪૦ રૂપિયા (ગ્રીન અને બ્લેક)

(પ) ચીકુ-૪૦ થી ૮૦ રૂપિયા

(૬) સફરજન-૧૪૦ થી ૧૮૦ રૂપિયા (સ્ટોરેજ કરેલ)

(૭) દાડમ-પ૦ રૂપિયા આસપાસ

(૮) પપૈયું-૪૦ રૂપિયા આસપાસ

(૯) કેળા-ર૦ રૂપિયાના પાંચ

(૧૦) તરબૂચ-ર૮૦ થી ૩ર૦ નું વીસ કિલો

(આપેલ અંદાજીત ભાવો કવોલિટી પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે.)

અમુક વેપારીએ તો બગડવાના ભયેે ભાવોભાવ ફ્રુટસ વેચી નાખ્યું : કાયમી ગ્રાહકોને ફોન-વોટસએપ પણ કર્યા

લોકડાઉનની શરૂઆતના બે-ત્રણ દિવસમાં વધુ સ્ટોક હોવાને કારણે તથા  બગડી જવાની બીકે ફ્રુટસના અમુક વેપારીઓએ તો ભાવોભાવ (નહીં નફો, નહીં નુકશાન) માલ વેચી નાખ્યો હતો. આવા વેપારીઓએ તો પોતાના કાયમી ગ્રાહકોને ફોન-વોટસએપમાં મેસેજ કરીને સ્વાદિષ્ટ અને કવોલિટી ફ્રુટસનો આનંદ માણવા જણાવ્યું હતું. કારણ કે લોકડાઉન થયાના એક-બે દિવસ અગાઉ જ વેપારી પાસે પુષ્કળ માલ આવ્યો હતો.

(3:58 pm IST)