Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જનરલ બોર્ડ - સ્ટે.કમિટિ બેઠક કેમ યોજશુ ? સરકારનું માર્ગદર્શન મંગાયું

નિયમ મુજબ બન્ને બેઠકો પખવાડીયામાં બોલાવવી જરૂરી

રાજકોટ તા. ૨ : વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સરકારે લોકડાઉન કર્યું છે અને ગુજરાત સરકારે ૧૪૪ની કલમનો કડક અમલ શરૂ કર્યો છે અને આ દરમિયાન જ મ્યુ. કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડીંગ કમિટિની બેઠક તથા જનરલ બોર્ડની બેઠક ફરજીયાત યોજવી પડે તેમ હોય આ બેઠકો કેવી રીતે યોજવી તે બાબતે મેયર સહિતના પદાધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે અને આ બાબતે રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ માગ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દર ૧૫ દિવસે કે ૧ મહિનાની અવધીમાં સ્ટેન્ડીંગ કમિટિની બેઠક યોજવી, બીપીએમસી એકટની જોગવાઇ મુજબ યોજવી ફરજીયાત છે. આ સમયગાળો હવે આગામી સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક યોજવી જરૂરી પડી છે પરંતુ આ સંજોગોમાં આ બેઠક કેવી રીતે યોજવી? કેમકે કમિટિમાં ૧૫ સભ્યો હોય છે જે એક હોલમાં એકત્રીત થાય તે આ સંજોગોમાં જોખમી અને સરકારની ગાઇડ લાઇનની વિરૂધ્ધ પણ હોઇ શકે. જો કે બેઠકનો એજન્ડા પ્રસિધ્ધ કરી અને જે દિવસે બેઠક યોજાવાની હોય તે દિવસે કોરસના અભાવે બેઠક મુલત્વી રાખવાનો વિકલ્પ ખુલ્લો છે. ઉપરાંત કોરમ પુરતા સભ્યો હોલમાં જુદા-જુદા બેસીને બેઠક યોજે તે વિકલ્પ પણ અપનાવવા તંત્ર વિચારી રહ્યું છે.

આજ પ્રકારે દર બે મહિને મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજવું ફરજીયાત છે. જો તેમ ન થાય તો નિયમ મુજબ મ્યુ. કોર્પોરેશન સુપરશીડ થઇ શકે.

દરમિયાન હવે લોકડાઉનની સ્થિતિમાં જ જનરલ બોર્ડ બોલાવવું પડે તેમ છે અને જનરલ બોર્ડમાં ભાજપ - કોંગ્રેસના મળી ૭૨ જેટલા કોર્પોરેટરો એક જ સભાગૃહમાં બેસાડવા પડે જે વર્તમાન સંજોગોમાં જોખમી બની શકે. આથી આગામી પખવાડીયામાં જો જનરલ બોર્ડ બોલાવવું પડે તો કેવી રીતે યોજવું ? તે બાબતે તંત્ર મુંઝવણમાં મુકાયું છે. અને આ બાબતે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે.

જોકે જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ બંને પક્ષો સમજૂતીથી પોતપોતાના જરૂરી કોરમ પૂરતા સભ્યોને મોકલીને એજન્ડાની દરખાસ્તોને પેન્ડીંગ રાખીને જનરલ બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરી દયે તેનો વિકલ્પ પણ ખુલ્લો છે.

(3:55 pm IST)