Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જિલ્લા તિજોરી કચેરીની પ્રશંસનીય કામગીરી : માર્ચ મહિનાના ૨૩૩.૫૨ કરોડના બિલો મંજૂર કર્યા

રાજકોટ, તા. ૨ : રાજકોટ જિલ્લામાંથી કોરોનાની મહામારીને નિર્મૂળ કરવા સતત ઝઝૂમી રહેલા આરોગ્ય, પોલીસ, મહેસુલ સહિતના તંત્રોને આર્થિક રીતે પુરતું પીઠબળ પુરું પાડવા જિલ્લા તિજોરી કચેરી દ્વારા પ્રશંસનીય કાર્યવાહી નાણાકીય વર્ષના અંતભાગમાં કરવામાં આવી છે. આખરી તા. ૩૧મી માર્ચ ૨૦૨૦ના વર્ષ ૨૦૧૯-૨૦ ના છેલ્લા દિવસે મોડી રાત સુધી સતત કાર્યરત રહી જિલ્લા તિજોરી કચેરી માર્ચ માસમાં ૨૩૩.૫૨ કરોડના વિવિધ ૫૯૫૩ બિલોને મંજૂર કર્યા હતા.

જિલ્લાના એકેએક નાગરિકોને કોરોના વાયરસથી બચાવવાની સાથે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ સુપેરે ઉપલબ્ધ થાય તે માટે વહીવટી તંત્રનો પ્રત્યેક વિભાગ આજે સતત દિવસ-રાત ફરજ બજાવી રહ્યો છે. આ માટે તંત્રને ફરજ બજાવવા અને નાગરિકોને સહાય પૂરી પાડવા નાણાની આવશ્કયતાની પ્રાથમિકતા હોય છે. નાણાની આવશ્યકતા પૂરી પાડવા શ્રેયાન તિજોરી અધિકારી શ્રી આર.આર.ગામીત અધિક તિજોરી અધિક્ષક શ્રી ડી.એમ.પોપટ તેમજ અધિક તિજોરી અધિકારી ઓડિટ શ્રી સી.સી. દેત્રોજા અને તેમની ટીમની ૪૦ થી વધુ મહિલા કર્મચારીઓ સહિત કુલ ૬૦ જેટલા કર્મયોગીઓએ નાણાકીય વર્ષનાં અંતિમ દિવસે રાત્રિના ૧૨ કલાક સુધી સતત ફરજ બજાવી તમામ ખર્ચ ના બિલોને મંજૂર કર્યા હતા.

આમ, પ્રવર્તમાન કપરા સમયમાં જિલ્લાની તાલુકાની તિજોરી કચેરીો પણ આ મહામારી સામે લડવામાં પોતાનું યોગદાન પરોક્ષ રીતે આપી રહી છે.

(3:46 pm IST)