Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજકોટના અમુક ઓઇલ મીલરોની સિન્ડીકેટનો ધડાકો ભાવો વધારવામાં આ લોકોનું ભેજુઃ કલેકટરે આજે તમામને બોલાવ્યા

રાજકોટના મોલમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી છે...પણ તે હોમ ડિલીવરી માટેઃ કોર્પોરેશનનો સ્ટાફ ત્યાં છે : જે ઓઇલ મીલો બંધ છે તે ચાલુ કરાવાશેઃ ખરીદી-વેચાણ-પીલાણ વિગેરે બધું જોવાશેઃ કલેકટર સાથે વાતચીત : જનસેવા કેન્દ્રમાં ''પાસ'' લેવા લોકો આવે છે... તે આજથી ધીમે ધીમે બંધ કરાશેઃ આજથી જે ઉદ્યોગોને પાસ અપાયા ત્યાં સવારથી ક્રોસ વેરીફિકેશનનો ધમધમાટઃ કેટલું ઉત્પાદન-વેચાણ-માણસો બધાનું ચેકીંગ

રાજકોટ તા. રઃ રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરે કે ત્યારબાદ ઓઇલ મીલર એસો.ના હોદેદારોને બોલાવ્યા છે, કેટલીક ઓઇલ મીલો લોકડાઉનને કારણે બંધ છે તે ચાલુ કરાવાશે, તો જે ચાલુ છે, તેમની પાસે કેટલો સ્ટોક, કેટલી ખરીદી-વેચાણ-પીલાણ બધી વિગતો જોવાશે.

દરમિયાન પુરવઠાના સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ કે રાજકોટ બહારના અમુક ઓઇલ મીલરોની સિન્ડીકેટ છે, ભાવો વધારી રહ્યા છે તે બાબત પણ તંત્રના ધ્યાને આવી છે, આવા લોકો અંગે પણ તંત્ર વિગતો મેળવી રહ્યું છે, કલેકટરે આજે તમામને બોલાવ્યા છે, બજારમાં તેલ ફરતું થઇ જાય તે બાબતે તંત્ર મકકમ છે.

દરમિયાન અમદાવાદના ૪ મોલમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટ અપાઇ તેવું રાજકોટમાં થઇ શકે કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે, આપણે ત્યાં મોલમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનો ખુલ્લી રખાઇ છે, પણ તે હોમ ડિલીવરી માટે અને ત્યાં કોર્પોરેશનનો સ્ટાફ સતત હાજર હોય છે, જો લોકોને મંજૂરી અપાય તો ખોટા ટોળા થાય.

તેમણે જણાવેલ કે આજથી પાસ આપવાનું માત્ર ૧૦ ટકા કરી નખાશે, હાલ જે પાસ અપાય છે તે ઉદ્યોગોને પોતાના કારખાના ચાલુ રાખવા અંગેના છે, આજથી જે ઉદ્યોગોને પાસ અપાય છે ત્યાં ક્રોસ વેરીફીકેશન માટે સવારથી ટીમો મોકલી છે, આ ફેકટરીમાં કેટલું ઉત્પાદન થયું, કેટલો માલ કયાં મોકલ્યો, કેટલા માણસો આવ્યા તે બધી બાબત મેળવાઇ રહી છે.

(11:41 am IST)