Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

તમામ વોર્ડમાં ખાસ સેનીટાઇઝેશન મશીનોથી દવા છંટકાવ

ઉદય કાનગડનો સફળ પ્રયાસઃ વર્તમાન કોરોના વાઇરસની મહામારીના સંકટમાં શહેરી રસ્તાઓ તેમજ વિસ્તારોમાં દવાના છંટકાવ માટે 'શકિતમાન' બ્રાન્ડના સેનિટાઇઝર મશીનનો ઉપયોગ શરૂ : તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા.લી. તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૮ નંગ 'પ્રોટેકટર' ટાઇપના હાઇ કલીયરન્સ બુમ સ્પ્રેયર વિનામૂલ્યે ઓપરેટર સાથે આપવામાં આવ્યા

પદાધિકારીઓ - અધિકારીઓ સતત ખડેપગે  :  કોરોના સંક્રમણને રોકવા મ્યુ. કોર્પોરેશન જરૂરી તમામ પગલા લઇ રહ્યું છે ત્યારે આજે શહેરભરમાં આધુનિક મશીનો દ્વારા સેનીટાઇઝેશનની કામગીરીનો પ્રારંભ કરાવાયો હતો. આ વખતે મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડે. કમિશ્નર શ્રી સિંઘ, શ્રી પ્રજાપતિ વગેરે સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨ : હાલ વિશ્વમાં મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે અને આ રોગચાળો આગળ ફેલાતો અટકાવવા લોકોના આરોગ્ય માટે પગલા લઇ રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે આ મહામારી નાથવા સ્તુત્ય પ્રયાસો શરૂ કરાયા છે. તેમજ તા.૨૩ માર્ચની મધરાતથી સમગ્ર દેશભરમાં 'લોકડાઉન' અમલી છે. આ મહામારીને નાથવા રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે 'શકિતમાન' બ્રાન્ડના 'પ્રોટેકટર' ટાઈપના હાઈ કલીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે શરૂ કરાવવામાં આવી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારતથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી.ના માલિકોને સમાજ સેવાની આ કામગીરી બદલ ટેલીફોનીક અભિનંદન પાઠવ્યા હતા.

આ અગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, રાજકોટમાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. દ્વારા શકિતમાન બ્રાન્ડથી ખેતીવાડી ને લગત તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહેલ તથા અશ્વિનભાઈ ગોહેલ દ્વારા ઉદયભાઈ

કાનગડ સાથેના અંગત સંબંધોને ધ્યાને લઇ, તાત્કાલિક ધોરણે આ પ્રકારના ૪ (ચાર) મશીનો મહાનગરપાલિકાને વિનામુલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવેલ છે. તેમજ આજ સાંજ સુધીમાં બાકીના ૧૪ મશીનો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે. આ મશીન વડે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી ૪૦૦ થી ૬૦૦ લીટરની છે. તથા ફયુઅલ ટેન્ક કેપેસિટી ૨૦ લીટરની છે. આ મશીનથી ૧૬ સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે ૩૬૦ ડીગ્રીના  વિસ્તારમાં પ્રતિ કલાક ૫ કી.મી.ની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે. કંપની દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ઉપયોગ અર્થે આપવામાં આવેલ આ મશીનના ડીઝલ તથા ઓપરેટીંગનો તમામ ખર્ચ હાલ કંપની દ્વારા ભોગવવામાં આવનાર છે. આ કંપની દ્વારા વિશ્વના ૮૭ દેશોમાં ખેતીવિષયક મશીનરીની નિકાસ કરવામાં આવે છે. અને ભારતભરમાં તેમના ૭૦૦ ડીલર્સ છે. આ કંપનીએ પ્રવર્તમાન સંજોગોમાં લોકો પ્રત્યેની પોતાની એક સામાજીક જવાબદારીના ભાગરૂપે આ મશીનો આપેલ છે. અને ભવિષ્યમાં બીજી કોઈપણ સહાયની જરૂર પડે તો પણ સહાય કરવા તત્પરતા દાખવેલ છે.

આ પ્રસંગે ડે.કમિશનર કમિશનર પ્રજાપતિ, એ.કે. સિંઘ, ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, ડે.હેલ્થ ઓફિસર પી.પી. રાઠોડ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, ચીફ ફાયર ઓફિસર ઠેબા, આસી. કમિશનર કગથરા, ધડુક, ડાયરેકટર ગાર્ડન એન્ડ પાર્કસ હાપલીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 pm IST)