Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કાલે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ

ગેઝેટમાં કોર્પોરેટરોના નામ પ્રસિધ્ધ થશે : આવતા અઠવાડિયે મેયરની ચૂંટણી

નવા પદાધિકારીઓએ બેસતાની સાથે જ બજેટ - ટેકસ આવક - આવાસ યોજના ડ્રો સહિતની ૧૬ ભરતીના પરિણામોની કામગીરી જેટ ઝડપે કરવી પડશે

રાજકોટ તા. ૨ : આવતીકાલથી ચુંટણીની આચારસંહિતા પૂર્ણ થઇ રહી છે અને આવતીકાલે જ મ.ન.પા.માં ચૂંટાયેલા ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરોના નામો સરકારી ગેઝેટમાં બહાર પડતાની સાથે જ તમામ ચૂંટાયેલા લોકો સત્તાવાર કોર્પોરેટર બની જશે. આથી ત્યાર બાદના અઠવાડિયામાં જ જનરલ બોર્ડ બોલાવી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકો થઇ જશે.

આમ હવે જે નવા પદાધિકારીઓ મ.ન.પા.નું સુકાન સંભાળશે તેઓએ બજેટ - ટેકસ આવક - આવાસ યોજના ડ્રો અને ૧૬ જેટલી ભરતીની પરીક્ષાના પરિણામોની પેન્ડીંગ કામગીરી ઝડપી પૂર્ણ કરવી પડશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મેયર સહિતના પદાધિકારીઓ સામે સૌ પ્રથમ ૨૦૨૦નું રિવાઇઝડ અને ૨૦૨૧નું નવું બજેટ મંજુર કરવાની કપરી કામગીરી સામે આવશે.

જેમાં સૌથી મુશ્કેલ કામ નવા કરપ્રસ્તાવો મુકવા કે કેમ ? તે રહેશે કેમકે ગત વર્ષનું ૨૦૬૫ કરોડના બજેટથી આ નવા વર્ષના બજેટનું કદ થોડું વધશે.

વેરા આવકમાં ૮૧ કરોડનું ગાબડુ

મ.ન.પા.ની આવકની કરોડરજ્જુ સમાન મિલ્કત વેરા આવકમાં પણ હજુ આ વર્ષે ૨૪૮ કરોડનો લક્ષ્યાંક સિધ્ધ કરવામાં ૮૧ કરોડનું ગાબડુ છે જે હવે બાકીના ૨૯ દીવસમાં જ પૂરૂ કરવું પડશે.

લાઇટ હાઉસ પ્રોજેકટના ફોર્મ ડખ્ખે ચડયા

આ ઉપરાંત ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જેનું ખાતમુહૂર્ત થયેલ તે રૈયા સ્માર્ટ સીટીના લાઇટ હાઉસ આવાસ યોજનાને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો અને ૧૧૪૪ આવાસ માટે ૨૦ હજાર જેટલા ફોર્મ ભરાયા છે પરંતુ ચૂંટણી આચારસંહિતાને કારણે આ ફોર્મનું ચેકીંગ સ્ક્રુટીની અને ડ્રોની કામગીરી ડખ્ખે ચડી છે. કેમકે સ્ટાફનો અભાવ છે.

આમ, નવા પદાધિકારીઓએ ખુરશી સંભાળતાની સાથે જ ઉપરોકત તમામ પ્રશ્નો ઝડપથી હલ કરવા પડશે.

(3:23 pm IST)