Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જંગલેશ્વરનો નદિમ...કોરોના સંક્રમણમાં રાજકોટમાં સોૈથી પહેલો, પણ વેકસીન માટે ખુબ રાહ જોવી પડશે

ચાલીસ વર્ષની ઉમર હોવાથી હાલના તબક્કે રસી નહિ મળેઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ કોરોનાને મ્હાત આપી હતી

ફાઇલ તસ્વીર : ૧૯ માર્ચે જયારે કોરોનાં કેસ ડીટેકટ થયો તે વખતે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ સહિતની આરોગ્ય ટીમે કોરોનાનાં વાહક એવા જંગલેશ્વરનાં યુવાનનાં નિવાસસ્થાને પહોંચી તાકીદે સારવાર સહિતનાં પગલા લીધા હતાં તે વખતની તસ્વીર. (ફાઇલ - તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર :.. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાં વાઇરસની રસી હવે શોધાઇ છે અને કરોડો લોકોએ મુકાવી પણ લીધી છે. ત્યારે રાજકોટમાં સૌ પ્રથમ કોરોનાં વાહક યુવાનને રસી મુકાવવા માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે.

૧૯ માર્ચ ર૦ર૦ ની વહેલી સવારે જંગલેશ્વરનાં નદીમને કોરોનાં વળગ્યાનું આરોગ્ય તંત્રની તપાસમાં ખૂલતા જ તંત્રએ તાકીદનાં પગલા લઇ આ યુવાનને હોસ્પીટલમાં સારવારના વ્યવસ્થા કરી તેઓનાં પરિવારજનોને કોરન્ટાઇન કર્યા હતાં ત્યારબાદ આ યુવાન અને તેનો પરિવાર, આ આફતમાંથી હેમખેમ બહાર આવી ગયો પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાં ફેલાયો અને પછી સમગ્ર શહેર તેની લપેટમાં આવી ગયું.

દરમિયાન હવે લોકોએ કોરોના સાથે જીવવાનું શીખી લીધુ છે, રસીકરણ પણ થવા લાગ્યુ છે તેથી કોરોનાનો 'હાઉ' હવે ઓછો થયો છે. જનજીવન સામાન્ય થવા લાગ્યુ છે. રાજકોટમાં પણ ગઇ કાલથી સીનીયર સીટીઝનોને રસી મુકવાનું શરૂ થઇ ગયું છે.

પરંતુ રાજકોટમાં કોરોનાનાં સૌપ્રથમ કેસ એવા જંગલેશ્વરનાં યુવાનને હજુ રસી મૂકી નહી શકાય કેમ કે સરકારની ગાઇડ લાઇન મુજબ ૪૦ વર્ષ સુધીનાં વ્યકિતઓને હવે પછીનાં તબકકામાં રસીકરણ થશે.

અને રાજકોટમાં કોરોનાનાં સૌપ્રથમ કેસ એવા આ યુવાનની ઉમર ૪૦ વર્ષ જેટલી છે અને તેને કોઇપણ જાતની બિમારી પણ નથી અને સંપૂર્ણ સ્વસ્થ છે. તેથી હાલ તુરંત આ યુવાનને રસીકરણ માટે રાહ જોવી પડશે.

(3:21 pm IST)