Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નાના નગરો અને ગામડાઓમાં ભાજપે કરેલી કામગીરી રંગ લાવી : રાજુભાઈ ધ્રુવ

જિલ્લા- તાલુકા અને નગરપાલીકાના મતદારોનો આભાર વ્યકત : સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના જરૂરીયાતમંદોને મળ્યોઃ ભાજપ સરકારે ગ્રામ્ય, કૃષિ વિકાસની નીતિઓને પ્રાધાન્ય આપ્યું

રાજકોટ,તા.૨: જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ''કમળ'' ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. ૧૨ વાગે ભાજપ કાર્યાલય 'કમલમ્'માં વિજય ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, છ મહાનગરો બાદ નાના નગરો અને ગ્રામ્યની જનતાએ પણ કમળ પર પોતાનો વિશ્વાસ અકબંધ રાખી ભાજપને ભવ્ય જીત અપાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને મતદારોએ ખોબલેખોબલે મત આપી વધાવ્યા છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશકિતકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેનો સીધો લાભ સમગ્ર સમાજના છેવાડાના જરૂરતમંદ નાગરિકોને મળ્યો છે. માનવી ત્યાં સુવિધાનાં મંત્ર સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રવાસન, પરિવહન જેવા અનેક ક્ષેત્રોનો વધુને વધુ વિકાસ કરી ગુજરાતનાં બે અંતરિયાળ વિસ્તારોને પણ વિકસિત બનાવવાની ઈચ્છાશકિત નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં છે.

ભાજપની સરકારોએ સદાય ગ્રામ અને કૃષિ વિકાસની કલ્યાણકારી નીતિઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. નાના નગરો અને ગામડાંઓ પણ આધુનિક બને, સુવિધાયુકત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યો છે એવું જણાવી અંતમાં રાજુભાઈ ધ્રુવે જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ઠેરઠેર કમળ ખીલવનાર મતદારોનો આભાર વ્યકત કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ભાજપના તમામ કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

(3:19 pm IST)