Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કૃષિ આંદોલનના નામે ચરી ખાનારા પ્રજાને ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસની હારઃ ભંડેરી, ભારદ્વાજ, મિરાણી

કૃષિ કાયદાઓથી લઈ વહીવટી ક્ષેત્રે કરવામાં આવેલા સુધારાઓ સૌના હિતમાં છે, મતદારોનો આભાર

રાજકોટ,તા.૨: ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ સર્વત્ર કમળ ખીલવનાર મતદારોનો આભાર વ્યકત કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત -દેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું છે કે, મોટા શહેરો બાદ નાના નગરો-ગામડાંઓમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસીઓ એવું માનતા-સમજતા હતા કે, ગ્રામ્ય અને નાના નગરોનાં મતદારો કાયમી કોંગ્રેસને મત આપતા આવ્યા છે અને આ વખતે તો નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનો રોષ જોતા ગ્રામ્યમાં તો ભાજપ ખાતું પણ ખોલી નહીં શકે એવી પરિસ્થિતિ થશે. પરંતુ આજ સવારથી જ ઈવીએમ ખુલતાની સાથે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે એટલું જ નહીં મહાનગરપાલિકા બાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. કોંગ્રેસનાં ગઢમાં પણ કોંગ્રેસ હાર્યું છે. છ મહાનગરો બાદ નાના નગરો અને ગ્રામ્યની જનતાએ પણ કમળ પર પોતાનો વિશ્વાસ અકબંધ રાખી ભાજપને ભવ્ય જીત અપાવી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને મતદારોએ ખોબલેખોબલે મત આપી વધાવ્યા છે.

શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજ, શ્રી મીરાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારોએ સદાય ગ્રામ અને કૃષિ વિકાસની કલ્યાણકારી નીતિઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગામડાઓમાં જળસંચય, ચેકડેમ, રોડરસ્તા, બાંધકામ જેવી પાયાની માળખાકીય સુવિધાઓથી લઈ તમામ વહીવટી કામગીરીને ઓનલાઈન કરવામાં આવી છે. આટલું જ નહીં ગુજરાતનાં ગામડાંઓમાં વસતા ખેડૂતો પણ હવે સમજવા લાગ્યા છે કોંગ્રેસ માત્રને માત્ર અફવાઓ ફેલાવી સત્તા મેળવી પોતાનો જ સ્વાર્થ સંતોષતી આવી છે. હકીકતમાં હવે ગામડાઓમાં રહેતા ખેડૂતો પણ જાણી-સમજી ચૂક્યા છે કે, કૃષિ કાયદાઓથી લઈ વહીવટી ક્ષેત્રે કરવામાં આવેલા સુધારાઓ સૌના હિતમાં છે. અને એટલે જ ગુજરાતમાં શહેરી મતદારો બાદ ગ્રામ્ય અને નાના નગરોનાં મતદારોએ પણ ભાજપને સત્તાનું સુકાન સોંપતા તાલુકા-જિલ્લા અને નગરપાલિકામાં ભાજપને ભવ્ય વિજય અપાવી કમળ લવ્યું છે.

નાના નગરો અને ગામડાંઓ પણ આધુનિક બને, સુવિધાયુકત થાય તે દિશામાં નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીએ સાથે મળી પ્રયત્નો હાથ ધર્યા છે.  ગુજરાતનાં અંતરિયાળ વિસ્તારોને પણ આધુનિક અને સુવિધાસભર બનવવાની ભાજપ સરકારની નેમને કારણે શહેરો બાદ નાના નગરો અને ગામડાંઓની જનતાએ પણ ભારતીય જનતા પક્ષને ભવ્ય વિજય અપાવ્યો છે. તેમજ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ -દેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ભાજપના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

(3:13 pm IST)