Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા માટે વેકસીનેશન કરાવવું ખુબ જરૂરી : નિવૃત્ત વેટરનીટી ડો. ભીખાભાઇ અગ્રાવત

રાજકોટ, તા. ર : કોરોના વાયરસનો જડમુળથી ખાત્મો બોલાવવા માટે ભારતમાં જ બનેલી વેકિસન દ્વારા રસીકરણ કરાવીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહભાગી થઈને એક જ્વલંત ઉદાહરણ પૂરૂ પાડ્યું છે ત્યારે કોરોના વાયરસ સામેની જંગમાં દેશની જનતાને સુરક્ષીત કરવા માટે દેશમાં સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલને રસીકરણની પ્રક્રીયામાં જોડાવાની મંજુરી આપવામાં આવી છે. આ અન્વયે ૬૦ વર્ષથી વધુ વયની વ્યકિત પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને વેકિસન લઈ શકે છે.રાજકોટ સિવિલ હોસ્પીટલમાં વેકિસન સેન્ટર ખાતે ત્રીજા તબક્કાના વેકિસનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો  હતો.

આ તકે નિવૃત વેટરનિટી ડો. ભિખાભાઈ અગ્રાવત જણાવે છે કે, કોરોના વાયરસે લોકોને કપરી પરિસ્થિતિમાં મુકી છે. આવા સમયે ભારતની પોતાની વેકિસન વડે રસીકરણ થાય તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સરકારશ્રીએ છુટ આપતા મેં પણ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે. ૩૦ મિનીટના મોનિટરીંગ બાદ મને કોઈ જ આડ અસર જણાતી નથી. મારી સૌને વિનંતી છે કે પોતાની અને પોતાના પરિવારજનોની સુરક્ષા માટે વેકિસનેશન કરાવવું ખુબ જ જરૂરી છે.

    પ્રથમ તબક્કાનો બીજો ડોઝ લેનાર ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવનાર દ્રષ્ટી મોણપરા જણાવે છે કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વેકિસનેશન જ ઉપાય છે. પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાય છે. મેં કોરોનાની વેકિસનનો બીજો ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ કે બીજા ડોઝની કોઈપણ પ્રકારની આડઅસર મને થઈ નથી. રસી એકદમ સુરક્ષીત છે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર રસીકરણ ઝૂંબેશમાં જોડાઈને આપણા પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરીએ.

આ તકે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા પોલીસ વિભાગના કર્મચારીશ્રી સરસ્વતિબેન ડામોરે આનંદ સાથે ગૌરવની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન તેઓએ કામગીરી બજાવેલી છે. ફ્રન્ટલાઇન વોરીયર્સ તરીકે તેઓએ આજે પોતાનું બીજા ડોઝનું વેકસીનેશન કરાવેલ છે. આ વેકસીન ખુબ જ સુરક્ષીત અને આડ અસર વગરની છે. તમામ લોકોએ આ વેકસીન લઇને કોરોના મુકત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવું જોઇએ. ફ્રન્ટલાઇન વોરીયર્સ તરીકેની તેઓના વિભાગની કામગીરીને અનુલક્ષીને વેકસીનેશનમાં મળેલ અગ્રતાક્રમ બદલ તેઓએ આભારની લાગણી પણ વ્યકત કરી હતી.

(3:05 pm IST)