Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ફિલ્મી ઢબે ૧૦ કિલોમિટર પીછો કરી ૪૧ કિલો ગાંજો ભરેલી કાર ઝડપી લેતી શહેર એસઓજી

સ્વીફટ કારનો એસઓજીની બે ટીમોએ બે કારથી વાંકાનેર બાઉન્ડ્રીથી કુવાડવા સુધી પીછો કર્યોઃ સ્વીફટના ચાલકે એક બાઇકસ્વારને ઉલાળ્યા બાદ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી ખાઇ ગઇઃ પીછો કરી રહેલી ટીમનો ચમત્કારીક બચાવ : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દીન બુખારીની વધુ એક સફળ બાતમી : પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમને સફળતા : ભગવતીપરાના કાદર પઠાણ અને રાણીટાવર પાછળ કવાર્ટરમાં રહેતાં ચેતન સાપરીયાની ધરપકડઃ ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨: શહેર એસઓજીની બે ટીમે અલગ અલગ કારથી વાંકાનેર બાઉન્ડ્રીથી કુવાડવા સુધી દસેક કિ.મી.નજીક એક સ્વીફટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ. ૪,૧૦,૦૦૦નો ૪૧ કિલો ગાંજો ઝડપી લઇ ભગવતીપરા અને કાલાવડ રોડના બે શખ્સોને દબોચી લીધા છે. પોલીસે પીછો કરતાં ચાલકે કાર ભગાવતાં એક બાઇકસ્વાર ઠોકરે ચડી ગયા બાદ કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ એસઓજીની ટીમના હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દીન બુખારીને ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલા તરફથી રાજકોટ બાજુ એક સફેદ રંગની સ્વીફટ કાર આવી રહી છે અને તેમાં માદક પદાર્થ છે. આ બાતમીને આધારે પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ રાખતા બાતમી મુજબના નંબરવાળી સફેદ રંગની જીજે૦૩કેએચ-૦૮૪૭  નંબરની સ્વીફટ કાર નીકળતાં તેને અટકાવવા પ્રયાસ થતાં ચાલકને પોલીસ હોવાની ગંધ આવી જતાં બચવા માટે વધુ ઝડપથી કાર ભગાવી મુકતાં એસઓજીની ટીમોએ પીછો કરતાં નાસભાગ મચી ગઇ હતી. અંદાજે દસેક કિલોમીટર પીછો થયા બાદ કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે કારના ચાલકે એક બાઇક ચાલકને ઠોકરે લીધા બાદ કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી પાછી ઉભી થઇ ગઇ હતી.

એ પછી કારમાંથી બે શખ્સ બહાર નીકળી ભાગીને ખેતર તરફ ઘુસી ગયા હતાં. જેને હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દીન બુખારીએ ખેતરમાંથી દબોચી લીધા હતાં. પોલીસે કારની ડેકીમાં તપાસ કરતાં અંદરથી રૂ. ૪,૧૦,૦૦૦નો ગાંજો મળી આવતાં કબ્જે કર્યો હતો. ગાંજાનો જથ્થો સુરત તરફથી લાવ્યાનું પકડાયેલા શખ્સોએ રટણ કર્યુ હતું.

એસઓજીના પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે  નારકોટીકસ પદાર્થનું વેંચાણ કરતાં શખ્સોને શોધી કાઢવા અને તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે મળેલી સુચના અંતર્ગત આ કાર્યવાહી કરી હતી.  કારની ડેકીની તલાસી લેતાં અંદરથી પ્લાસ્ટીકના કોથળામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં તે ગાંજો હોવાનું જણાતાં વજન કરાવાતાં રૂ. ૪,૧૦,૦૦૦નો ૪૧ કિલો ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં આ અંગે પીએસઆઇ એમ. એસ. અંસારીએ ફરિયાદી બની ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ બે શખ્સો કાદર અનવરભાઇ પઠાણ (ઉ.વ.૨૧-રહે. ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાછળ, નદી કાંઠે નાથાભાઇના ભઠ્ઠાવાળી જગ્યામાં) તથા સાથેના ચેતન ચમનભાઇ સાપરીયા (કોળી) (ઉ.વ.૨૩-રહે. કાલાવડ રોડ રાણી ટાવર પાછળ, આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૧ કવાર્ટર નં. ૧૧૨૭) વિરૂધ્ધ ગુનો દાખલ કરાવી બંનેની ધરપકડ કરી હતી.

પોલીસે ગાંજો અને કાર મળી રૂ. ૭,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિશેષ તપાસ પીએસઆઇ પી. બી. જેબલીયાએ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ બંનેએ સુરત તરફથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા  રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના માર્ગદર્શન અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી પીએસઆઇ અંસારી, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, એએસઆઇ વિજયભાઇ શુકલા, ઝહીરખાન ખફીફ, કોન્સ. અઝહરૂદ્દીન બુખારી, હરદેવસિંહ વાળા, કોન્સ. સોનાબેન મુળીયા અને ભુમિકાબેન ઠાકરે કરી હતી. આગળની તપાસ પીએસઆઇ જેબલીયા કરશે.  (૧૪.૬)

આ વખતે પણ ગાંજો સુરત તરફથી આવ્યો

. શહેરમાં મોટે ભાગે જ્યારે પણ ગાંજો પકડાય છે ત્યારે પકડાયેલા આરોપીઓ સુરત તરફથી લાવ્યાનું રટણ કરતાં રહે છે. આ વખતે પણ આવુ જ થયું છે. ૪૧ કિલો ગાંજો પોતે સુરતથી લાવ્યાનું કાદર અને ચેતને રટણ કર્યુ છે. નોંધનીય છે કે અગાઉ રાજકોટ પોલીસે સુરત સુધી પગેરૂ લંબાવી સપ્લાયરોને પણ દબોચ્યા હતાં અને મોટી સફળતા મેળવી હતી. ફરીથી આ રીતે સુરત તરફથી માદક પદાર્થની સપ્લાય શરૂ થઇ ગઇ છે.

(1:05 pm IST)