Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

પ્રોફેસરોને બખ્ખા... ૧૩૦ કલાકનું કામ અને અઢી લાખનો પગાર

આને કહેવાય નસીબ... યુનિવર્સિટીના શૈક્ષણિક ભવનોમાં ગેરહાજર રહી ઘરે હાજર રહેતા...: રાજય સરકારે ૭માં પગારપંચનો અમલ કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૨૬ અધ્યાપકોને ૨૫ થી ૭૦ હજાર સુધીનો તોતીંગ પગાર વધારો : ડો.વિજય દેસાણીના પ્રયાસોથી સમગ્ર રાજયમાં પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોને મળ્યો લાભ : સરકારને વર્ષે પગાર પેટે વધુ ૧૨ કરોડનો બોજ

રાજકોટ, તા. ૨ : સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દાયકાથી શિક્ષણને બદલે સામાજીક અને રાજકીય પ્રવૃતિ પુરબહારમાં ખીલી છે ત્યારે વિદ્યાર્થીને કેન્દ્ર સ્થાને રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ છેલ્લા ૧ દાયકાથી સદંતર કથળ્યું છે.

શૈક્ષણિક પ્રવૃતિ હવે માત્ર નામની રહી છે. મોટેભાગે ઈતર પ્રવૃતિમાં યુનિવર્સિટીમાં સ્થાપિત હિતો સમા અધ્યાપકો ફુલટાઈમ કાર્યરત હોય છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરપ્રાઈઝ વિઝીટ કરતાં ૭૦%થી વધુ અધ્યાપકો કલાસ રૂમને બદલે ઘરે હાજર મળ્યા હતા. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુકત કુલપતિ નીતિન પેથાણી અને વિજય દેસાણીએ પણ કોઈ નક્કર પગલા લીધા ન હતા. હવે તોતીંગ પગાર વધારો મળ્યો છે ત્યારે શું હવે અધ્યાપકો ઘરને બદલે ફરજ સમય દરમિયાન શિક્ષણકાર્ય કરાવશે? તે તો આવનારો સમય જ કહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૨૬ અધ્યાપકોને ૭મા પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. નવા પગારપંચથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોનો પગાર અઢી લાખથી પણ વધુ તેના ખાતામાં મહિનાની આખરી તારીખમાં જમા થવા લાગ્યો છે. ૭મા પગાર પંચમાં ૧૨૬ અધ્યાપકોને ૨૦ થી ૩૫%નો પગારવધારો અંદાજીત ૩૦ થી ૭૦ હજાર સુધીનો પગારવધારો ખાતામાં જમા થયો છે. અધ્યાપકોનો પગાર વધતા ૧૨૬ અધ્યાપકો ખુશખુશાલ નજરે પડતા હતા.

સમગ્ર ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો.વિજય દેસાણીએ અંગત રસ લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૨૬ અધ્યાપકોને ૭મા પગારપંચનો લાભ અપાવ્યો છે.

ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા તાજેતરમાં ગુજરાત રાજય સરકાર હસ્તકની વિવિધ યુનિવર્સિટીઓના શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા માટે નાણા વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે.

આ પરિપત્રના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાણી દ્વારા તાત્કાલિક અસરથી પરિપત્રનો અમલ કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓને ફેબ્રુઆરી માસના પગારમાં જ સાતમા પગારપંચનો લાભ આપવાનો અતિ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ નિર્ણયના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપનારી ગુજરાતની સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે.

એના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૨૬ થી વધુ શૈક્ષણિક કર્મચારીઓને આશરે ૨૦ થી ૩૫ ટકા સુધીનો પગાર વધારો થયેલ છે.

(3:45 pm IST)