Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

હોંસલા અગર હો બૂલંદ તો કોઇ રાહ મુશ્‍કીલ નહિ, તય કર લો કી જીત હી હૈ આગે તો મંજીલ દૂર નહિ

ઘોડેસવારીમાં ગજબની કમાલ દેખાડતો રાજકોટનો ૧૩ વર્ષનો ટેણીયો જયઃ જોકી બની દેશનું નામ રોશન કરવાની દ્રઢ ઇચ્‍છા

પાંચ વર્ષની ઉમરથી જ ઘોડા સાથેનો લગાવ જોઇ પરિવારજનો સમજી ગયા કે જય ઘોડેસવારોની દુનિયામાં કંઇક નોખુ-અનોખુ કરશે...તેર વર્ષે તે ૭ જેટલા મેડલ જીતી ચુક્‍યો છેઃ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ બિરવાદી ચુક્‍યા છે તેની ઘોડેસવારીનેઃ તાજેતરમાં રાજકોટના અશ્વ શોમાં જયના કરતબો જોઇ ભલભલાની આંખો પહોળી થઇ ગઇ હતીઃ પિતા ચેતનભાઇ વ્‍યાસ કહે છે-બાળકોને જે ફિલ્‍ડમાં રસ હોય તેના પર ધ્‍યાન કેન્‍દ્રીત કરો, તેને આગળ વધારોઃ એક દિવસ એ ચોક્કસ નામ રોશન કરશે : કોઇ પુછે કે શું કરે છે તમારો ટેણીયો?...ત્‍યારે આ સવાલનો જવાબ આપતી વખતે પિતા ચેતનભાઇ વ્‍યાસની છાતી દિકરાને લીધે ગજ ગજ ફુલી જાય છે : મને પહેલીવખત ઘોડાની લાત પડતાં અડધો કલાક બેભાન રહ્યો હતો...ડર્યો નહોતો, પણ નક્કી કર્યુ કે ભલે વધુ ઇજા થાય બસ ઘોડેસવારી કરવી જ છે...પપ્‍પાનું પ્રોત્‍સાહન મને સફળતા તરફ આગળ દોરી રહ્યું છેઃ જય

જયનું ઝગમગતું ભવિષ્‍ય: ૧૩ વર્ષનો ટેણીયો જય ઘોડા પર લાક્ષણીક અદામાં જોઇ શકાય છે. અન્‍ય તસ્‍વીરમાં તેના પિતા ચેતનભાઇ વ્‍યાસ તથા પરિવારજનો અને નીચેની તસ્‍વીરમાં જય તથા તેણે મેળવેલા એવોર્ડ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: ‘શું કરે છે તમારો આ ટેણીયો?'...કોઇ માતા-પિતાને જ્‍યારે પોતાના ઘરે આવેલા સગા સંબંધીઓ મહેમાનો કે પછી બીજા કોઇ તેમના બાર-તેર વર્ષના સંતાન વિશે પુછે તો સામાન્‍ય જવાબ એવો જ હોય કે સાતમું કે આઠમું ભણે છે, અંગ્રેજી માધ્‍યમમાં છે...ફલાણી ઢીંકણી સ્‍કૂલમાં છે, ભણવામાં ખુબ હોંશીયાર છે...આવા રૂટીન જવાબો જ મોટે ભાગે સાંભળવા મળે. પરંતુ રાજકોટના ચેતનભાઇ વ્‍યાસને તેના ૧૩ વર્ષના પુત્ર જય વિશે જો કોઇ પુછે તો આ સવાલનો જવાબ આપવામાં તેમની છાતી ગજ ગજ ફુલે છે...ઘોડાની હણહણાટી જેવો તેજતર્રાર ઉત્‍સાહ તેમના ચહેરા પર ઉભરાઇ આવે છે. તેઓ તુરત જ કહે છે-મારો જય તો ઘોડેસ્‍વારીમાં એક્કો બની ગયો છે, ભણવાની સાથે તે પોતાના આ અંગત શોખને પણ આગળ જતાં કારકિર્દીના રૂપમાં ફેરવવા મહેનત કરી રહ્યો છે...‘અકિલા ડિજીટલ' વધુ એક બોલતી કહાની આપની સમક્ષ લાવ્‍યું છે. આ વખતે વાત છે ૧૩ વર્ષના ઘોડેશ્વાર જયની. જે આ ઉમરે જ પોતાની આ ક્ષમતા થકી અનેક મેડલ મેળવી ચુક્‍યો છે. પણ તેનું લક્ષ્ય છે એક જોરદાર જોકી બનવાનું, પોતાનું, પરિવારનું અને દેશનું નામ રોશન કરવાનું.

૧૩ વર્ષનો ટેણીયો જય આમ તો પાંચ વર્ષનો હતો ત્‍યારથી જ ઘોડાઓ પ્રત્‍યે અનેરો લગાવ ધરાવતો થઇ ગયો હતો. ઘોડાઓ સાથેની તેની આ દોસ્‍તી જોઇને જ પરિવારજનો સમજી ગયા હતાં હતાં કે જય ઘોડેસવારોની દુનિયામાં કંઇક નોખુ અનોખુ કરશે. પરિવારજનોએ ત્‍યારથી જ જયને ઘોડેસવારી કરવાની છુટ આપી દીધી હતી અને તેના આ શોખને પુરો કરવામાં તેને બનતી તમામ મદદ કરવાનું શરૂ કરી દીધું હતું.

જયના પિતા ચેતનભાઇ વ્‍યાસ કહે છે કે બાળકોને જે ફિલ્‍ડમાં રસ હોય તેના પર ધ્‍યાન કેન્‍દ્રીત કરી તેમને એ ફિલ્‍ડમાં જ આગળ વધારવાથી તેઓ સફળતા મેળવી શકે છે અને દુનિયાભરમાં નામ રોશન કરી શકે છે.

ચેતનભાઇ વ્‍યાસ આગળ કહે છે હું ઇચ્‍છુ છું કે દિકરો જય તેને મનગમતા ઘોડેસવારીના ફિલ્‍ડમાં આગળ વધે અને પોતાનું, પરિવારનું તેમજ દેશનું નામ પણ રોશન કરે. અમારી સામે જ એવી ઘટનાઓ ઘણીવાર બની છે કે જેમાં ઘોડેસવારી શીખતાં છોકરાઓ ઘોડા પરથી ગબડી પડે છે અને ઇજાઓ પણ થાય છે. એવા સમયે પણ તેમને સતત પ્રોત્‍સાહન આપતાં રહેવું અને તું આ કરી જ શકે છે, તારે કરવાનું જ છે...એવો ઉત્‍સાહ તેને આપતો રહેવો એ ખુબ જરૂરી હોય છે.

ઘોડેસવારી પહેલા તો જયનો માત્ર શોખ હતો. આ શોખને જ તેણે કારકિર્દીના રૂપમાં આગળ વધારવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મળી. સુરત હોર્સ ફેરમાં જયને બેસ્‍ટ જુનિયરનો ખિતાબ પણ મળી ચુક્‍યો છે. તો ૨૦૨૦માં રાજકોટમાં યોજાયેલા અશ્વ શોમાં પણ જયએ પોતાની ઘોડેસવારીની કમાલ દેખાડી ભલભલાને ચોંકાવી દીધા હતાં.

જયનું આગળનું સપનુ મોટા થઇને જોકી બનવાનું છે. જય કહે છે અહિ સુધીની સફરમાં મને પપ્‍પાએ ખુબ મદદ કરી છે, હજુ પણ તેઓ સતત મારો ઉત્‍સાહ વધારતાં રહે છે અને મને આગળ વધારતા રહે છે. મને ઘોડેસવારીમાં કરતબો દેખાડવા બદલ ૭ જેટલા મેડલ પણ મળી ચુક્‍યા છે. ૨૦૧૭માં રણકપુર રેવાલચાલ, એ પછી પાલનપુરની ૨૦ કિલોમીટરની રેસમાં અને એ પછી જસરામાં મેં બીજા ઘોડેસવારોની વચ્‍ચે મારી ક્ષમતા સાબિત કરી હતી.

ઘોડાથી, તેના પરથી પડી જવાનો ડર કદી ન લાગે? આ સવાલનો જવાબ આપતાં જય કહે છે...ના જરાય નહિ, ઘોડાથી ડર નથી લાગતો, તેના પ્રત્‍યે ખુબ પ્રેમ છે. ગામડામાં હું ત્રણ ઘોડા એક સાથે સંભાળતો હતો. જેમાં એક ઋતુ નામની વછેરી હતી. તેને હું ખવડાવતો હતો ત્‍યારે મને લાત મારી દીધી હતી. તેના કારણે હું અડધો કલાક સુધી બેભાન રહ્યો હતો. મારા પપ્‍પાએ મને સારવાર માટે લઇ જવો પડયો હતો. જ્‍યારે મને પહેલીવાર ઘોડાને કારણે ઇજા થઇ ત્‍યારે હું ગભરાયો નહોતો, પણ મેં એવું વિચાર્યુ હતું કે ભલે મને વધુ ઇજા થાય પણ ડરવું નથી. વધુ મહેનત કરીને આગળ વધવું છે, અટકી જવું નથી.

જયનો આ જોરદાર ઉત્‍સાહ અને મંજીલ સુધી પહોંચવાનો તેનો સંકલ્‍પ અને એ દિશામાં સતત આગળ વધતા રહેવાની તેની ઇચ્‍છાશક્‍તિ હાલના યુગમાં મોબાઇલીની ગેમ્‍સ અને ટીવીની પાછળ મંડયા રહેતાં ટાબરીયાઓ માટે પ્રેરણાસ્‍ત્રોત સમાન ગણી શકાય. જયને જોઇને બીજા બાળકો-તરૂણો પણ પોતાને ઇચ્‍છીત ફિલ્‍ડમાં આગળ વધી શકે છે. પણ જરૂર છે તેમને સાચા સહયોગની, તેમના શોખને સમજવાની અને તેમને સાચી દિશામાં પ્રોત્‍સાહિત કરવાની.

ભારતભરમાં જય પોતાનું નામ રોશન કરવાની ઇચ્‍છા ધરાવે છે. રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ ટબૂકડા ઘોડેશ્વાર જયની ઘોડાને ખેલવવાની ક્ષમતા જોઇને તેને બિરદાવી ચુક્‍યા છે. જય તેનું લક્ષ્ય સિધ્‍ધ કરે, આગળ વધે અને મંજીલ સુધી સફળતાપુર્વક પહોંચે એ માટે સોૈ કોઇ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

-:આલેખનઃ-

ભાવેશ કુકડીયા

-:એન્‍કરઃ-

નિલેશ શિશાંગીયા

-:કેમેરામેનઃ-

સંદિપ બગથરીયા

(11:31 am IST)