Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિપદે પ્રો.નીતિન પેથાણી : ગુરૂવારે કાર્યભાર સંભાળશે

આરએસએસમાં ત્રણ દાયકા સુધી સક્રિય રહી કામ કરનાર મુળ સાંતલપુરના લેઉવા પાટીદાર ડો.નીતિન પેથાણીની પસંદગી કરતી સરકાર : લાંબા સમય બાદ રાજકીય દખલગીરી વગર શિક્ષણવિદ્દની કાયમી નિમણુંક

રાજકોટ, તા. ૨: લાં......બા.... સમય બાદ આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ રાજય સરકારે આપ્યા છે. આરએસએસના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ શ્રી નીતિનભાઈ માધવજીભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં કુલપતિપદે પ્રિન્સીપાલ નીતીનભાઈ પેથાણીની વરણી થતાં યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ છવાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દાયકા પૂર્વે કુલપતિપદે કાર્યભાર સંભાળનાર સુરતના કનુભાઈ માવાણીએ યુનિવર્સિટીની ગૌરવયાત્રા માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત નહિં પરંતુ દેશ - વિદેશમાં પણ આગળ ધપાવી છે. ધંધાદારી શિક્ષણકારોના પ્રભુત્વવાળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ મુળ શિક્ષણવિદ્દ અને આરએસએસના સંસ્કારને આત્મસાત્ કરનાર મુળ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર શ્રી નીતિનભાઈ પેથાણીની પસંદગીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા સોપાન સર કરશે તેવી આશા જાગી છે.

સિમ્પલ લીવીંગ હાઈ થિંકીંગમાં માનનાર નીતિનભાઈ માધવજીભાઈ પેથાણીનો જન્મ ૧-૬-૧૯૬૭માં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો છે. કુલપતિપદે પસંદગી પામેલા નીતિનભાઈ પેથાણીએ તેની શિક્ષણયાત્રા પ્રાથમિક શિક્ષણ સાંતલપુર પ્રાથમિક શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાપુર (સોરઠ)ની જવાહર વિનય મંદિરમાં મેળવ્યુ હતું. જયારે સ્નાતક કક્ષાનો અભ્યાસ જૂનાગઢની બહાઉદિન વિનિયન કોલેજમાં કર્યો હતો. જયારે અનુસ્તાનક કક્ષાનો અભ્યાસ વિદ્યાની નગરી ગણાતી વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કર્યો હતો. જયારે પીએચડીની પદવી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી મેળવી હતી.

શિક્ષણ ક્ષેત્રે બિનવિવાદાસ્પદ પરંતુ પ્રભાવી વ્યકિતત્વ ધરાવતા નીતિનભાઈ પેથાણીએ ૨૫-૧૧-૧૯૯૧થી ૧૦-૧૧-૧૯૯૨માં મનોવિજ્ઞાન વિષયના ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે શ્રી આર. કે. પરીખ આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ પેટલાદ તેમજ પાટણની કોટવાલા આટ્ર્સ કોલેજ પાટણમાં દોઢ વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે.

નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી.

૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન નીતિનભાઈ પેથાણીએ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે શ્રી નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી વહન કરી હતી.

જેમાં નગર અધ્યક્ષ અને કારોબારી સદસ્ય : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ (વર્ષ ૧૯૯૮-૨૦૦૨), વ્યવસ્થાપક, માનદમંત્રી, ભારતીય સંસ્કાર નિકેતન, પાટણ (શ્રી સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક અને માધ્યમિક શાળા) સંલગ્ન વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ વર્ષ ૨૦૦૩થી હાલમાં કાર્યરત. સ્થાપક/ માનદ્દમંત્રી/ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજ, પાટણ (વર્ષ ૨૦૦૧-૦૬), સંયોજક : વિદ્દવત પરિષદ, ઉત્તર ગુજરાત વિભાગ, વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ (વર્ષ ૨૦૦૪-૦૯), પ્રમુખ : અખિલ ભારતીય શિક્ષા શોધ સંસ્થાન, વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ (વર્ષ ૨૦૦૪-૦૯), સભ્ય : આઈએમસી ઓફ આઈટીઆઈ વિરમગામ (વર્ષ ૨૦૧૨થી હાલમાં કાર્યરત), સભ્ય : વ્યવસ્થા મંડળ, કેન્દ્રીય વિદ્યાલય, વિરમગામ (વર્ષ ૨૦૧૧ થી હાલમાં કાર્યરત).

સંયોજક : ચારિત્ર્ય નિર્માણ શિબિર, નારગોલ સ્ટુડન્ટ વેલફેર બોર્ડ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, આયોજક : શિશુ નગરી, શ્રી સરસ્વતી શિશુ મંદિર, પાટણ, અધ્યક્ષ : વિભાગીય યુવક મહોત્સવ, દક્ષિણ વિભાગ - ૨, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, અધ્યક્ષ - આંતરવિભાગીય યુવક મહોત્સવ, ગુજરાત યુનિવર્સિટી (વર્ષ ૨૦૧૨), આયોજક અને નિયામક : રાષ્ટ્રીય એકતા શિબિર, રાષ્ટ્રીય સેવા યોજના, પશ્ચિમ ક્ષેત્ર, અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિરમગામ.

પ્રો.ઈન્ચાર્જ, અનુસ્તાન કેન્દ્ર શ્રી અને શ્રીમતી પી. કે. આટ્ર્સ કોલેજ, પાટણ (વર્ષ ૨૦૦૬-૦૮), મુલાકાતી અધ્યાપક, આટ્ર્સ કોમર્સ કોલેજ, ઈડર (વર્ષ ૨૦૦૩-૦૬), મુલાકાતી અધ્યાપક, મહિલા આટ્ર્સ કોમર્સ કોલેજ, મહેસાણા (વર્ષ ૨૦૦૪-૦૬), મુલાકાતી અધ્યાપક, પત્રકારત્વ વિભાગ, હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ (વર્ષ ૨૦૦૪-૦૮), પરામર્શક, ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, પાટણ યુનિ. કેન્દ્ર, પરામર્શક, ઈન્દીરા ગાંધી નેશનલ યુનિવર્સિટી, પાટણ યુનિ. કેન્દ્ર.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નીતિનભાઈએ તેની ઉચ્ચ શિક્ષણની કારકિર્દીમાં ૪૦ સેમીનાર કોન્ફરન્સ વર્કશોપમાં ભાગ લીધો છે. ૧૫ પ્રકાશિત લેખો, પુસ્તકો અને સંશોધનપત્રમાં રજૂઆત કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ નિતીનભાઈ પેથાણી (મો.૯૦૯૯૯ ૫૧૯૦૯)

(11:31 am IST)