Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

આગેવાનો-લોકોની દ્રષ્ટિએ બજેટ કેવુ?

કોઇ કહે છે વિકાસલક્ષી સર્વ સમાવેશક અને કોઇ કહે ચમત્કાર વગરનું તો કોઇના મતે ગરીબ મધ્યમ વર્ગના સ્વપ્ના રોળનારૃં અંદાજપત્ર

રાજકોટ તા. ૨ : રજુ થયેલ કેન્દ્રીય બજેટ અંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો, વિશ્લેષકો અને આમ લોકોએ વ્યકત કરેલ પ્રતિભાવોની સંકલિત યાદી અહીં પ્રસ્તુત છે.

વિકાસલક્ષી સર્વ સમાવેશક બજેટ : ડો. કથીરીયા

વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટને સર્વ સમાવેશક અને વિકાસલક્ષી ગણાવતા ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યુ છે કે સ્વસ્થ ભારત સમર્થ ભારતનું સ્વપ્ન સાકાર કરવાના ઉદેશ્યથી કિસાન, ગરીબ, મજદુર, યુવા, મહિલા, દલિત, આદીવાસી, ગ્રામવાસી, મધ્યમ વર્ગ સહીત તમામ ક્ષેત્રોનું ધ્યાન રાખી સમતોલન જાળવવા સરસ પ્રયાસ થયો છ. ગ્રામ સડક યોજના માટે રૂ.૧૯૦૦૦ કરોડ અને ૩૨૬૧૩ કરોડ શિક્ષણ માટે ફાળવણી તેમજ પીવાના પાણીની સુવિધા માટે ૭ કરોડ, આદીવાસી કલ્યાણ  માટે ૩૯,૧૩૫ કરોડની ફાળવણી થઇ છે. ટુંકમાં દેશને વિકાસની કેડી મોકળાશ મળે તેવું બજેટ હોવાનું ડો. કથીરીયાએ જણાવેલ છે.

કરદાતાઓને નિરાશ કરતુ બજેટ : અશ્વિન પોપટ

નાણામંત્રીએ આવકવેરાના સ્લેબ અને કરમુકિતમાં કોઇ ઘટાડો કરવાની પ્રપોઝલ નહીં રજુ કરીને કરદાતાઓને ભારે નિરાશ કર્યા હોવાનું એડવોકેટ અશ્વિન પોપટે જણાવેલ છે. તેઓએ જણાવ્યુ છે કે પગારદાર કરદાતાઓને સ્ટાન્ડર્ડ ડીડકશનમાં રૂ.૪૦ હજાર બાદ આપવાની પ્રપોઝલ છે તે પણ એક હાથે આપીને બીજા હાથે લઇ લેવા જેવી છે. શેર રોકાણકારો માટે પણ આશા ફળી નથી. એક વર્ષથી વધુ સમય શેર ખાખ્યા પછી વેંચવામાં આવે અને નફો ઉદ્દભવે તો ૧૫ ટકા ટેક્ષ વસુલ કરવાની પ્રપોઝલ છે. એટલે તેઓએ પણ નિરાશ થવા જેવુ . સેસને ત્રણ ટકામાંથી વધારીને ચાર ટકા કરવાથી મધ્યમ વર્ગ અને સામાન્ય કરદાતા પર ભારણ વધશે. તેમ એડવોકેટ અશ્વિન પોપટ (મો.૯૪૨૬૨ ૬૯૭૫૪) એ જણાવ્યુ છે.

ચમત્કૃતિ ન સર્જી શકનાર બજેટ : પ્રો. આર.સી.પોપટ

જેટલીજીનું અંદાજપત્ર ખાસ કોઇ ચમત્કૃતિ સર્જી ન શકયુ હોવાનું જાણીતા વિશ્લેષક પ્રો. આર. સી. પોપટે જણાવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે અંદાજપત્રમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ ઉપર ભાર મુકાયો છે. જો કે ગરીબીનું પ્રમાણ ઘટાડવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબોને મફત ગેસ કનેકશન, ઝુપડામાં વીજળીના દીવા જેવી યોજનાઓ થોડી રાહતરૂપ માની શકાય. આવકવેરાની બાબતમાં મધ્યમવર્ગ પગારદારોને નિરાશ કરાયા છ. એકંદરે આ અંદાજપત્ર કોઇ ચમત્કૃતિ વગરનું માની શકાય તેમ પ્રો. આર.સી. પોપટ (ફોન-૦૨૮૧ ૩૮૮૨૧૮) એ જણાવેલ છે.

લોંગ ટર્મ કેપિટલ ગેઇન મુકિત અસરકર્તા : સી.એસ. પૂર્વી દવે

ફાયનાન્સીયલ બિલ ૨૦૧૮ ની લાક્ષણિકતાઓ વર્ણવતા સી.એસ. પૂર્વી દવેએ જણાવ્યુ છે કે કર દરમાં કોઇ ફેરફાર નહીં, વ્યકિત એચ.યુ.એફ., ફર્મસ, કંપનીઓ સહિતની તમામ વ્યકિતઓએ જ કરવેરા ચુકવવા . જો કે શિક્ષણ સેસ ૩ થી ૪ ટકા વધારીને શિક્ષણ એ હેલ્થ સેસ તરીકે ઓળખ અપાઇ. લિસ્ટેડ એસ.ટી.ટી. પેઇડ શેરના સંદર્ભમાં કલમ ૧૦(૩૮) હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઇન મુકિતને પાછો ખેંચી લેવાયો છે. જો કે ૩૧-૧-૨૦૧૮ સુધીની મુડીનો લાભ કરપાત્ર નહી હોય કારણ કે હસ્તાંતરણની કિંમત ૩૧-૧-૨૦૧૮ ના રોજ ફેર માર્કેટ વેલ્યુ તરીકે લેવામાં આવશે. ડીમેડ ડીવીડન્ડ ટેક ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ૩૦% કંપનીના હાથમાં કરપાત્ર હોવાનું સી.એસ. પૂર્વી દવે (મો.૯૫૭૪૭ ૬૭૭૫૪) એ એક યાદીમાં જણાવેલ છે.

એકંદરે કૃષિ વિકાસલક્ષી બજેટ : એડવોકેટ પાનેલીયા

નાણામંત્રીએ રજુ કરેલ કેન્દ્રીય બજેટથી કૃષિ ક્ષેત્રને મોટી રાહતો મળી હોવાનું એડવોકેટ વિનોદ પાનેલીયાએ જણાવ્યુ છે. કૃષિ પાક વિમા યોજના માટે ૧૩૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા. ગ્રામ સડક માટે પણ મોટી ફાળવણી થઇ છે. પશુપાલનને પ્રોત્સાહન માટે પણ સરાહનીય પ્રયાસ થયો છે. એગ્રીકલ્ચર યુનિ. અને સંશોન પ્રવૃતિ માટે રૂ. ૨૭૫૦૫ તેમજ ગ્રીન રીવોલ્યુશન માટે પણ મોટી રકમની જોગવાઇ કરવામાં આવી. એકંદરે કિસાન, ગરીબ, મજદુર, આદીવાસી, ગ્રામવાસી વર્ગને રાહત આપનારૂ બજેટ હોવાનું એડવોકેટ વિનોદ પાનેલીયા (મો.૯૪૨૭૨ ૨૧૧૪૬) એ જણાવ્યુ છે.

અચ્છેદિનના સ્વપ્નને ખોટા ઠેરવતુ બજેટ : અજીત લોખીલ

ચાંદ તારા દેખાડી અચ્છેદિનની વાતો કર્યા પછી બજેટમાં આ બધી આશાઓ હવામાં ઓગાળી દેવાઇ હોવાનું પ્રતિભાવ આપતા આમ આદમી પાર્ટીના નેતા અને  લાઇફ કેર સોશ્યલ ફાઉન્ડેશનના પ્રણેતા અજીતભાઇ લોખીલે જણાવ્યુ છે. જો કે મોટા કોર્પોરેટ હાઉસને ફાયદો કરાવવા ચોકકસ પ્રયાસ થયો છે પરંતુ નાના ઉદ્યોગકારોને સંપૂર્ણ નિરાશ કરાયા છે. આવુ મધ્યમ અને ગરીબ વર્ગ સાથે થયુ છે. તેમને હરખાવા જેવી કોઇ યોજના આ બજેટમાં સમાવાઇ ન હોવાનું અજીતભાઇ લોખીલ (મો.૯૦૬૭૭ ૭૮૮૯૪) એ જણાવ્યુ છે.

 ખેડુતોને વિકાસ યાત્રામાં જોડવા પ્રમાણીક પ્રયાસ : જયોતીન્દ્રમામા

સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડીટ સોસાયટીના અધ્યક્ષ જયોતીન્દ્રભાઇ મહેતાએ યુનિયન બજેટ ૨૦૧૮ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યુ છે કે કૃષિ પ્રધાન દેશના ખેડુતોને વિકાસ યાત્રામાં જોડવા પ્રમાણિક પ્રાયાસ થયો છે. ૨૦૨૦ માં ભારતનું કૃષિ ઉત્પાદન ડબલ કરવાની નેમ નાણામંત્રીએ વ્યકત કરી તે યોગ્ય ગણી શકાય. કેમ કે વિકાસની રાહ ગ્રામ વિસ્તારના ખેડુતથી જ શરૂ થાય. વિશ્વમાં સૌથી મોટી હેલ્થ પ્રોટેકશન સ્કીમ રજુ કરીને પ૦ કરોડ લોકોને કવોલીટી ઓફ લાઇફ સુધારવાની વાત દેશના ગરીબો માટે આ યોજનામાં સૌ પ્રથમ જ મુકાઇ  હોવાનું  જયોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યુ છે.

અર્થતંત્રને ગતિ આપનરૃં બજેટ : ભાનુબેન બાબરીયા

નાણામંત્રીએ રજુ કરેલ બજેટને અર્થતંત્રને ગતિ આપનારૃં ગણાવી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ છે કે ભારત કૃષિપ્રધાન દેશ છે અને કૃષિ ક્ષેતે આમુલ પરિવર્તનના પ્રયાસો કરાયા છે. ખેડુતોની આવક, ઉત્પાદન વધશે. સર્વાળે અર્થતંત્ર મજબુત બનશે. હેલ્થ પ્રોટેકશન સ્કીમની પહેલ તેમજ રોજગાર લક્ષી પગલાઓ પણ ખુશી પ્રેરક હોવાનું ભાનુબેન બાબરીયા (મો.૯૪૨૭૨ ૨૦૩૯૬) એ જણાવ્યુ છે.

દરેક વર્ગ માટે ફુલગુલાબી બજેટ : ડો. વીરડીયા- રામાણી

જિલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી અને ડો. શાંતિલાલ વીરડીયાએ બજેટને આવકારી તમામ વર્ગ માટે ફુલગુલાબી ગણાવ્યુ છે. તેઓએ જણાવેલ છે કે ખેડુતો અને પશુપાલકોને ક્રેડીટ કાર્ડ આપવાની તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે મેડીકલેઇમનો લાભ આપવાની યોજના ઉડીને આંખે વળગે તેવી છે. રીયલ એસ્ટેટ માટે તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ રાહતરૂપ જોગવાઇઓ થઇ છે. દેશભરના રેલ્વે નેટવર્કને બ્રોડગેજમાં ફેરવવામાથી યાત્રા અને પરીવહન સુખરૂપ બનશે. મધ્યમ વર્ગ માટે બચનની યોજનાઓ તેમજ વરીષ્ઠો માટે લાભકારક યોજનાઓ અમલી બનાવાઇ હોવાનું ડો. શાંતિલાલ વીરડીયા અને ચેતન રામાણીએ જણાવેલ છે.

ખોદા પહાડ નિકલા ચુહા જેવું નિરશ બજેટ : તુષિત પાણેરી

આવકવેરાના દરમાં કોઇ જ છુટછાટ ન આપી નોકરીયાત વર્ગને તેમજ નાના મધ્યમ વર્ગને રડાવનાર બજેટ ખોદા પહાડ નિકલા ચુહા જેવું પુરવાર થયુ હોવાનું પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી તુષિત પાણેરીએ જણાવ્યુ છે. શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રે શેષ લાગુ કરી મધ્યમવર્ગની ચિંતામાં વધારો કરાયો અને મોબાઇલ, ટી.વી., કાર, બાઇક મોંઘા કરી આમ વર્ગના લોકોને નિરાશ કરાયા હોવાનું શ્રી પાણેરીએ જણાવેલ છે.

(4:00 pm IST)