Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અભણ વિધવા સફાઈ કામદારના નામે ૫૦ હજારની લોન બારોબાર લેવાઈ ગઈ !

નિલકંઠ ટોકીઝ પાસે રહેતા દિલીપભાઈ અને એસબીઆઈના મેનેજર વિરૂદ્ધ પોલીસમાં અરજી

રાજકોટ, તા. ૨ :. જામનગર રોડ સ્લમ કવાર્ટરમા રહેતા કોકિલાબેન જગદીશભાઈ પુરબીયા નામના વિધવા સફાઈ કામદારે નિલકંઠ ટોકીઝ પાસે કોઠારીયા રોડ પર રહેતા દિલીપભાઈ અને સાધુ વાસવાણી રોડ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા શાખાના મેનેજર વિરૂદ્ધ પોતાના નામે બારોબાર ૫૦,૦૦૦ની લોન ઉપાડી લઈ હપ્તા નહી ભર્યાની પોલીસ કમિશ્નર કચેરીએ અરજી કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અરજીમાં કોકિલાબેને જણાવ્યુ છે કે હું રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાઉ છું. દિલીપભાઈ નામની વ્યકિત મારા જેઠાણી મંજુલાબેન તુલસીભાઈ પુરબીયા થકી ઓળખાણમાં આવી હતી. મારા જેઠાણી મંજુલાબેને દિલીપભાઈ મારફત લોન કરાવી હતી. તેમણે મને પણ પર્સનલ લોન કરાવવી હોય તો તમારૂ આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટા આપો તેમ કહ્યુ હતું. આ બધા દસ્તાવેજો મેં દિલીપભાઈને આપ્યા હતા ત્યાર બાદ દિલીપભાઈ મારી સહી લેવા આવતા મને સહી કરતા આવડતી નહિ હોવાનું અને અંગુઠો લગાવતી હોવાનું મેં કહ્યુ હતું. એટલે તેમણે મારી લોેન નહીં થાય તેમ જણાવેલ. પરંતુ થોડા દિવસો પછી ટપાલી કોઈ રજીસ્ટર એ.ડી. લઈને મારા ઘરે આવ્યા ત્યારે દિલીપભાઈ પણ સાથે આવ્યા હતા અને કવર ખોલી એટીએમ કાર્ડ અને બેન્કના ડોકયુમેન્ટ પોતાની સહી કરી લઈ લીધા હતા. પાછળથી મને જાણવા મળ્યુ હતુ કે મારા નામે ૫૦,૦૦૦ની લોન લેવાય ગઈ છે અને હપ્તા પણ ચડત થઈ ગયા છે. આ લોન બાબતમા હું કંઈ જાણતી નથી તેથી દિલીપભાઈ અને બેન્કના મેનેજર સામે કાયદાકીય કાર્યવાહી કરવા મારી માંગણી છે. વધુ તપાસ પ્ર.નગર પોેલીસે હાથ ધરી છે

(3:25 pm IST)