Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

એકટીવા ઉભુ રાખી ફસાયેલી કોથળી કાઢતી વખતે પડી ગયેલા વેપારી ચેતનભાઇ વડેરા પર ટ્રક ફરી વળતા મોત

નવા દોઢસો ફુટ રોડ પર બનાવઃ પુત્રની નજર સામે પિતાના મોતથી લોહાણા પરિવારમાં આક્રંદ : નવલનગરના પિતા-પુત્ર જમીને ઘરે જતી વખતે બનાવ બન્યોઃ ચાલક ટ્રક લઇ ભાગી ગયો

રાજકોટ,તા.૨: નવા દોઢ સો ફુટ રોડ પર આવેલા કીંગ્સ પાર્ટી પ્લોટ પાસે એકટીવા ઉભુ રાખી ફસાયેલી કોથળી કાઢતી વખતે પડી ગયેલા લોહાણ વેપારીના માથે ટ્રક ફરી વળતા કચડાઇ જતા મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ નવલનગર શેરી નં.૩માં રહેતા ચેતનભાઇ રમણીકલાલ વડેરા (ઉવ.૫૪) ગઇ કાલે પોતાનું એકટીવા લઇને તથા પુત્ર વિરેન ભાઇ વડેરા (ઉવ.૨૦) બાઇક પર તેમ બંને કાલાવડ રોડ પર કૂન એન્ડ ફુડ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. સાડા નવ વાગ્યા આસપાસ ચેતનભાઇ પોતાનું જીજે ૩ઇકયુ-૨૮૦૩ પર અને પુત્ર વિરેનભાઇ પોતાનું બાઇક પર ઘરે જતા હતા. ત્યારે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર કીંગ્સ પાર્ટી પ્લોટ પાસે પિતા ચેતનભાઇના એકટીવામાં કચરો ભરેલી કોથળી ફસાઇ જતા ચેતનભાઇએ એકટીવા ઉભુ રાખી કોથળી કાઢવા જતા ચેતનભાઇ રોડ પર જમણી બાજુ પડી ગયા હતા. તે વખતે પાછળથી જીજે -૩ એએકસ -૫૦૬૯ નંબરનો ટ્રક પ્રોઢ ચેતનભાઇ ઉપર ફરી વળતા પાછળના વ્હીલમાં કચડાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પિતાના એકટીવાની આગળ જતા પુત્ર જોઇ જતા તેણે તાકીદે ટ્રક ચાલકને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ટ્રક લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.કે રાજપુરોહીત સ્થળ પહોંચી પુત્ર વિરેન વડેરાની ફરિયાદ પરથી જીજે ૩એએકસ ૫૦૬૯ નંબરના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક ચેતનભાઇ વડેરા શેરમાર્કેટીંગ તથા લેડીસ ટ્રેસનો વ્યવસાય કરતા હતા. બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા લોહાણા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:50 pm IST)