Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

'ધાડ' ફિલ્મમાં કચ્છીઓના સંઘર્ષની ગાથા

સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બની ફિલ્મઃ શુુક્રવારે ગુજરાતમાં રિલીઝ થશેઃ નંદીતાદાસ-કે.કે.મેનન-રઘુવીર યાદવનો જાનદાર અભિનયઃ દેશ-વિદેશમાં ફિલ્મ રજુ કરાશે

 રાજકોટઃ તા.૨, ગુજરાતી ફિલ્મ તો અનેક બનતી હોય છે પરંતુ અમારી ફિલ્મ કંઇક અલગ હકવાનો દાવો કરાયો છે. સ્વ. વયંત ખત્રીની વાર્તા ઉપરથી બનેલી આ ફિલ્મ ''ધાડ''માં કચ્છીઓના સંઘર્ષની ગાથા રજુ કરવામાં આવી છે નંદીતાદાસ, કે.કે. મેનન અને રઘુવીર યાદવ જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાર્થયા છે

ફિલ્મના દિગ્દર્શન પરેશ નાયક, મનોજ ડેલીવાળા અને પરબ સામયીકના તંત્રી યોગેશ જોશીએ જણાવેલ  કે

ભાગ્યે જ કોઈ ફિલ્મની નિર્માણ પ્રક્રિયાનો અંતિમ તબક્કો ધાડ જેટલો પ્રલંબ, પીડાદાયક, મુશ્કેલીઓભર્યો ને તોય દિલચસ્પ અને રોમાંચક રહ્યો હશે. દિગ્દર્શક તરીકે મારે છેક ફિલ્મની રીલીઝની કામગીરી સીધેસીધા એમાં કેપ્ટન ઓવ ધ શીપ હોવાના નાતે અગ્રેસર રહેવાનું બન્યુ એની વિગતસર ગાથા મારા આગામી પુસ્તક ફિલ્લમફેરીમાં દર્જ હશે.  વર્ષ ૨૦૦૩માં ફિલ્મનો એક સળંગ કટ તૈયાર થયો પણ ત્યાં સુધી ફાઈનાન્સની સ્થિતિ ડામાડોળ જ હતી. નિર્માતા કિર્તી ખત્રી અને હં. આ અંગે જયાં જયાંથી બિનશરતી લોન કે અનુદાન મળે તે માટે ફિલ્મના અન્ગ્રેટેડ રગકટના અંશો બતાવી એ માટે પ્રયાસ કરતા હતા અને લોકભાગીદારીની રાહે આમા ટીપેટીપે મદદ મળતી હતી તેમ તેમ ધીમે ધીમે કામ આગળ વધતુ હતું.

આ દરમિયાન બે હજાર નવની સાલમાં ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા કેટલાક વધુ અનુભવી ફિલ્મકારોની સલાહથી મનેકમને આ ફિલ્મ પેલી અન્ગ્રેટેડ પ્રિન્ટ વડે જ સેન્સર કરાવી, આશા હતી કે સરકારી સબ્સીડી મળશે તો નેગેટીવનું ગ્રેડીંગને કલર - કરેકશન કરાવી આખરી પ્રિન્ટ તૈયાર કરાવી વિતરણ કરી શકીશું. પરંતુ સરકારી દફતરોમાં તે વર્ષોમાં વિધિસર સબસીડી મળવાની પ્રક્રિયા અત્યંત કપરી અને મારા તેમજ કીર્તીભાઈના સિદ્ધાંતોને અનુ કૂળ નહોતી. મને સમજાયુ કે આ મોટી ભૂલ કરી કે ફિલ્મ વહેલી સેન્સર કરાવી લીધી. કેમ કે અંતિમને આખરી સુધારાવધારા સાથેની સબ્ટાઈટલોવાળી પ્રિન્ટ ન હોવાને લીધે ફિલ્મ - ફેસ્ટીવલ્સમાં મોકલીને એને વિતરણ સુધી દોરી જવાની પેલી સમાંતર દિશા પણ એથી ધુંધળી થઈ ગઈ. ૨૦૦૯ની સાલ બાદ આ ફિલ્મના ભાવિ વિશે મન વાળી લઈ રહ્યો હતો. પણ ગત વર્ષે કિર્તી ખત્રી ઉપરાંત લાલ રાંભીયાના અથાગ પ્રયાસોને કારણે શેમારવાળા બુદ્ધિચંદ મારૂ અને વીસનજી મેમણીયાના અંગત ઈન્ટર્વેશનને પગલે એડ લેબમાંથી લેબમના વર્ષોના દેવા છતાં ફિલ્મની નેગેટીવ આખરે એડ લેબમાંથી શેમારૂની ફિલ્મલેબમાં અમે લાવી શકયા.

 દરમિયાન ''અકિલા''ના ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાએ લીધેલી મુલાકાત અહિં પ્રસ્તુત છે. પરેશ નાયક દિગ્દર્શિત ''ધાડ'' ફિલ્મ સાથે સંકળાયેલા કચ્છમાં મુખ્ય દૈનિક ''કચ્છ મિત્ર''નાં પુર્વ તંત્રી કિર્તી ખત્રીએ ''ધાડ'' ફિલ્મ સંબંધે વાત કરી હતી.

અનેક ચડાવ ઉતાર બાદ રીલીઝ થઇ રહેલી ''ધાડ''એ ગુજરાતી સાહિત્યનાં લબ્ધ પ્રતિનિષ્ઠિત લેખક સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બની છે. ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થનારા સેવા સ્પષ્ટ વકતા સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી પણ સ્વ. જયંત ખત્રીને નવલિકાઓનાં લેખન ક્ષેત્રે પ્રેરણા રૂપ ગણી તેમની પ્રશંસા કરી ચુકયા છે.

એ જ રીતે વર્તમાન સાહિત્યકારો રઘુવીર ચૌરી અને કિરીટ દુધાત પણ માને છે કે સ્વ.જયંત ખત્રીની લેખન શૈલી ગુજરાતી સાહિત્યમાં નોખી ભાત પાડે છે. આ વાતો સાથે તંતુ માધતાં કિર્તી ખત્રી કહે છે કે તેમના પિતા સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બનેલી ''ધાડ'' ફિલ્મએ નંદીતાદાસ કે. કે. મેનન અને રઘુવીર યાદવનાં જાનદાર અભિનય તેમજ કચ્છના પરીપ્રેક્ષ્ય કચ્છનાં માનવીઓનાં સંઘર્ષ, સમસ્યા અને સંજોગો સામે ઝઝુમવાની ખુમારીનાં કારણે માનવીની ભવાઇ અને કાશીનો દીકરો જેવી ગુજરાતી ફિલ્મ છે.

''ધાડ'' ફિલ્મમાં નંદીતાદાસ નો અભિનય લાજવાબ છે ગુજરાતીની સાથે સાથે કચ્છી ભાષામાં બનેલી ફિલ્મ ''ધાડ'' એ કચ્છ ગુજરાતના પરીપ્રેક્ષ્ય ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. આ ફિલ્મની પટકથા જાણીતા સાહિત્યકાર વિનેશ અંતાણીએ લખી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિની ઝલક આજે પ્રવાસન ક્ષેત્રે પણ લોકપ્રિય છે. ત્યારે કચ્છના પરિવેશ, કચ્છની ધરતી અને ગ્રામીણ સંસ્કૃતિ અને કચ્છી માનવીઓના ખમીરને ઉજાગર કરતી ''ધાડ'' ફિલ્મને ગુજરાતી પ્રેક્ષકો વધાવી લેશે એવી આશા વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ વ્યકત કરી છે.

તસ્વીરમાં 'ધાડ' ફિલ્મના દિગ્દર્શક પરેશ નાયક, પરબ સામપીકના તંત્રી યોગેશ જોષી અને એડીટર મનોજ ડેલીવાલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:46 pm IST)