Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વ્યાજના ચક્કરમાં ફસાયેલા કુંભાર વૃધ્ધે સિવિલ હોસ્પિટલમાં ઝેર પીધું

મુળ કેશોદના પરષોત્તમભાઇ નેના (ઉ.૬૩)એ ચિઠ્ઠી લખીને ઇમર્જન્સી વોર્ડ સામે જ પગલું ભર્યુ

રાજકોટ તા.૨: કેશોદમાં વેરાવળ રોડ પર ઉમિયાનગરમાંરહેતાં અને બાંધકામનો વ્યવસાય કરતાં પરષોત્તમભાઇ વાલજીભાઇ નેના (ઉ.૬૩) નામના પ્રજાપતિ કુંભાર વૃધ્ધે આજે અહિની સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડ સામે જ ઝેરી દવા પી લેતાં દાખલ કરાયા છે. તેણે આ પગલું ભરતાં પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં વ્યાજની ઉઘરાણી બાબતે ત્રાસ હોવાનો ઉલ્લેખ છે. પરષોત્તમભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે પોતે હાલમાં કેશોદ રહે છે. બે વર્ષ પહેલા રાજકોટમાં રહેતાં હતાં. હાલમાં તેમના પુત્ર રમેશભાઇ નેના માધાપર ચોકડીએ રહે છે. અગાઉ પોતાને ધંધા માટે પૈસાની જરૂર પડતાં રૂ. ૧૫ લાખ એક વ્યકિત પાસેથી ૧૫ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતાં. મુદ્દલ કરતાં ડબલ વ્યાજ ભરી દીધુ હતું. આમ છતાં વધુ ને વધુ ઉઘરાણી થતી હતી. હવે વ્યાજે આપનાર ૨૫ લાખ લેવાના છે તેમ કહી ધમકાવે છે. વૃધ્ધે એક ચિઠ્ઠી લખી છે તેમાં લખ્યું છે કે વ્યાજની સામે ૨૮ લાખનો ફલેટ પણ આપી દીધો છે. આમ છતાં મુદ્દલ ઉભીને ઉભી છે. ઉપરાંત પોતાના વિરૂધ્ધ ચેક રિટર્નનનો કેસ પણ કરવામાં આવ્યો છે અને વ્યાજ ન ચુકવે તો આખા પરિવારને મારી નાંખવાની ધમકી અપાય છે. વ્યાજ માટે કુલ ત્રણ જણા સતત ધમકી આપતાં હોઇ પોતે કંટાળી જતાં આ પગલું ભરી રહ્યા છે તેમ પણ જણાવાયું છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)