Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

કુવાડવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કવાલીસ પકડીઃ ત્રણ ભાગ્યા

કવાલીસનું પાયલોટીંગ કરતાં પારડીના સમીર બાવાજીને ઝડપી લેવાયોઃ હુશેન માજોઠી સહિત ત્રણની શોધઃ કુલ ૩,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે : કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ અને રાજેશભાઇની બાતમી

રાજકોટ તા. ૨: કુવાડવા ગામ પાસેથી કુવાડવા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાસ બાતમી પરથી રૂ. ૧,૪૪,૦૦૦નો ૪૮૦ બોટલ દારૂ ભરેલી કવાલીસ કાર ઝડપી લઇ પારડીના બાવાજી શખ્સને ઝડપી લીધો છે. પકડાયેલો શખ્સ કવાલીસનું છોટાહાથીથી પાયલોટીંગ કરતો હતો. પોલીસે કુવાડવા સ્મશાન પાસે ગાડીને રોકવાનો પ્રયાસ કરતાં કવાલીસના ચાલક અને આગળ રહેલા છોટાહાથીના ચાલકે ગાડીઓ ભગાવી મુકતાં પોલીસે ફિલ્મી ઢબે અડધો કિ.મી. સુધી પીછો કરી છોટાહાથી સાથે એકને પકડી લીધો હતો. જ્યારે દારૂ ભરેલી ગાડી મુકી ત્રણ શખ્સ ભાગી ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના અને એસીપી ભરત બી. રાઠોડની સુચના મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એ.આર. મોડીયા, રાઇટર હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, હેડકોન્સ. જયંતિભાઇ ગોહેલ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અંશુમાનભાઇ ગઢવી, દિલીપભાઇ, રાજેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને રાજેશભાઇ તથા દિલીપભાઇ બોરીચાને બાતમી મળી હતી કે કુવાડવા તરફથી દારૂ ભરેલી એક કવાલીસ આવી રહી છે.

આ બાતમી પરથી કુવાડવા સ્મશાન નજીક વોચ રાખવામાં આવતાં એક છોટા હાથી નં. જીજે૩એઝેડ-૧૧૭૫ અને પાછળ કવાલીસ નં. જીજે૨૧એમ-૧૨૦૯ નીકળતાં બંને વાહનને અટકાવવા પ્રયાસ કરાયો હતો. પણ ચાલકોએ વાહનો ભગાવી મુકતાં પીછો કરી ભવાની હોટેલ નજીક આંતરી લેતાં કવાલીસમાંથી ત્રણ શખ્સો ભાગી ગયા હતાં. જ્યારે છોટાહાથીનો ચાલક પકડાઇ જતાં તેની પુછતાછ થતાં પોતાનું નામ સમીર શંકરભાઇ ગોસ્વામી (બાવાજી) (ઉ.૨૭-રહે. પારડી, વેલનાથ સોસાયટી તા. લોધીકા) જણાવ્યું હતું. તેમજ કવાલીસમાંથી ભાગેલા ત્રણ પૈકી એક હુશેન માજોઠી હોવાનું સમીરે કહ્યું હતું.

પોલીસને કવાલીસમાંથી ૪૮૦ બોટલ દારૂ મળતાં તે તથા ૧ લાખનું છોટા હાથી, ૧ાા લાખની કવાલીસ મળી કુલ રૂ. ૩,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં જપ્ત થયેલા વાહનો, દારૂનો જથ્થો, પી.આઇ. મોડીયા અને ટીમ તથા સોૈથી છેલ્લી તસ્વીરમાં પકડાયેલો શખ્સ સમીર બાવાજી જોઇ શકાય છે.

(12:44 pm IST)