Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રામનાથ મંદિરની કાંકરી પણ નહી ખરે : નદીનું વહેણ ફેરવાશે

આજી રિવરફ્રન્ટના મૂળ પ્લાનીંગમાં ધરખમ ફેરફારો : પ્રદિપ ડવ : રિવર ફ્રન્ટ માટે જરૂરી પ્રદૂષણ નિયંત્રણનું કલીયરન્સ સર્ટી ડિસેમ્બરના અંતે આવી જશે : ૨૦૨૨માં કામગીરી શરૂ થવાની શકયતા : રામનાથ મંદિરનું હયાત સ્ટ્રકચર જેમનું તેમ રાખી આસપાસનાં વિસ્તારમાં ઘાટ, બગીચો, કમ્પાઉન્ડ વોલ સહિતનું બાંધકામ થશે : પ્રથમ તબક્કામાં ચંપકભાઇ વોરા બ્રીજથી કેસરી હિન્દ પુલ સુધી રિવર ફ્રન્ટ વિકસાવવા આયોજન : મેયર અને કન્સલ્ટન્સી એજન્સી વચ્ચે નવા પ્લાનીંગ માટે બેઠક સંપન્ન

રાજકોટ તા. ૧ : શહેરની લોકમાતા આજી નદી ઉપર રિવરફ્રન્ટનો મેગા પ્રોજેકટ મ.ન.પા. દ્વારા હાથ ધરાયો છે જે અંતર્ગત ગ્રામ દેવતા શ્રી રામનાથ મહાદેવ મંદિરના પરિસરની વિકાસ યોજના પણ હાથ ધરાઇ છે. ત્યારે રિવર ફ્રન્ટને કારણે રામનાથ મહાદેવ મંદિરનું હયાત સ્ટ્રકચર ફેરવવું ન પડે તે માટે રિવર ફ્રન્ટ માટે અગાઉ થયેલ પ્લાનીંગમાં ધરખમ ફેરફારો કરી અને શ્રી રામનાથ મહાદેવનું મંદિર હેમખેમ રાખી નદીનું વહેણ ફેરવી રિવર ફ્રન્ટ વિકસાવવાનું નવુ પ્લાનીંગ હાથ ધરવા તંત્રવાહકોએ નિર્ણય લીધો છે.

આ અંગે મેયર પ્રદિપ ડવે આપેલ પ્રાથમિક વિગતો મુજબ તાજેતરમાં આજી રિવર ફ્રન્ટની કન્સલ્ટન્સી એજન્સી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રામનાથ મહાદેવ મંદિર પરિસરને વિકસાવવા અંગેના પ્લાનીંગમાં ફેરફારો સુચવી નવું પ્લાનીંગ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

મેયરશ્રીએ જણાવેલ કે, રિવર ફ્રન્ટના મૂળ પ્લાનીંગ મુજબ રામનાથ મહાદેવ મંદિરના હયાત સ્ટ્રકચર તેમજ મંદિરમાં ભૂગર્ભમાં રહેલ પવિત્ર શિવલીંગ વગેરેમાં તોડ-ભાંગ કરવી પડે તેમ હતી જે અયોગ્ય કહેવાય. કેમકે લોકોની અડગ શ્રધ્ધા તેમજ આસ્થાના કેન્દ્ર સમા પવિત્ર શિવલીંગને ફેરવવાથી લોકોની લાગણી પણ દુભાય તેથી હવે રામનાથ મહાદેવ મંદિર પાસેના રિવર ફ્રન્ટના ભાગના મૂળ પ્લાનીંગમાં થોડા ફેરફારો સુચવાયા છે.

આ ફેરફારો મુજબ રામનાથ મંદિરના હયાત મંદિર તેમજ શિવલીંગ વગેરેને જેમના તેમ રાખી મંદિરની આસપાસ નવો ઘાટ - બગીચો - કમ્પાઉન્ડ વોલ બનાવી ત્યારપછી રિવર ફ્રન્ટ શરૂ થાય અને આ પ્રકારે રામનાથ ઘાટને રિવર ફ્રન્ટમાં જ આવરી લેવાનું આયોજન છે.

મેયરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રામનાથ મંદિરને હેમખેમ રાખવા માટે આજી નદીનું વહેણ મંદિર પાસેથી ફેરવાશે. કેમકે રિવર ફ્રન્ટ બાદ નદી ચેકડેમ બાંધી તેમાં બારે મહીના પાણી ભરેલુ રહે તેવું આયોજન છે. આથી હાલની સ્થિતિ મુજબ મંદિર પણ પાણીમાં ડુબેલુ રહે માટે નવા પ્લાનીંગ મુજબ નદીનું વહેણ ફેરવીને રિવર ફ્રન્ટનો નવો પ્લાન બનશે.

દરમિયાન મેયરશ્રીએ આ તકે જણાવેલ કે, રિવર ફ્રન્ટ માટે હવે માત્ર પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું કલીયરન્સ સર્ટી ઘટે છે જે ડીસેમ્બરના અંત સુધીમાં આવી જશે ત્યારબાદ ૨૦૨૨માં આજી રિવર ફ્રન્ટના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઇ શકશે.

પ્રથમ તબક્કામાં ચંપકભાઇ વોરા બ્રિજથી લઇને કેસરી હિન્દ પુલ સુધીનો રિવર ફ્રન્ટ તેમજ નદીના ચેકડેમો વગેરે હાથ ધરાશે તેમ મેયરશ્રીએ અંતમાં જણાવ્યું હતું.

(3:43 pm IST)