Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કાલે બેડી માર્કેટયાર્ડમાં ચૂંટણીઃ સૌથી વધુ કંકુ સાવલિયા અને બોઘરા માટે ઘોળાયુઃ હાઈકમાન્ડના 'તિલક' પર મીટ

બેની લડાઇમાં ફાવી જવા કોરાટ-પીપળિયાને તકઃ છેલ્લી ઘડી સુધીના દાવપેચ : બહુમતી ડીરેકટરોની ઇચ્છા પરસોતમ સાવલિયા માટે : ભાજપનું એક જુથ જયેશ બોઘરા માટે આગ્રહી : બેંક પ્રેરિત જુથની નજરમાં વિજય કોરાટ

રાજકોટ, તા. ૧ :. સૌરાષ્ટ્રની અગ્રગણ્ય રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના સુકાનીઓ નક્કી કરવા ચૂંટણી માટે આવતીકાલે ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી તીરથાણીની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળનાર છે. કુલ ૧૬ પૈકી ૧૫ સભ્યો ભાજપ પ્રેરીત પેનલના ચૂંટાયા છે. ચેરમેન, વાઈસ ચેરમેન પદ માટે ભાજપમાં જબરા આંતરીક દાવપેચ ચાલી રહ્યા છે. મુખ્ય સ્પર્ધા પરસોતમ સાવલિયા અને જયેશ બોઘરા વચ્ચે છે. વિજય કોરાટ અને કેશુભાઈ નંદાણીયાના નામ પણ ચાલી રહ્યા છે. અત્યાર સુધી ચર્ચામાં નહી આવેલા જયેશ પીપળીયાનું નામ પણ અચાનક ઉપસ્યુ છે. પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા સેન્સના આધારે પ્રદેશ નેતાગીરીને અહેવાલ આપશે. પ્રદેશ ભાજપ જે નક્કી કરે તે બે નામો પસંદ થશે. હાલના રાજકીય સંજોગો જોતા ચૂંટાયેલા સભ્યો મોઢા હસતા બતાવીને તે નામ સ્વીકારી લેશે.  યાર્ડના સીનીયર સભ્ય તરીકે પરસોતમ સાવલિયાનું નામ સૌથી મોખરે છે. તેમના ટેકેદારો તેમના માટે એકદમ આશાવાદી છે. મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ તેમના નામની તરફેણ કરી છે. યુવા શિક્ષિત ચહેરા તરીકે જયેશ બોઘરાનું નામ મોખરે છે. ચૂંટાયેલા સભ્યો અને અન્ય અપેક્ષિતોની સેન્સ જોતા તેનુ પલ્લુ પણ ભારે ગણાય છે. એક પ્રદેશ અગ્રણી અને અન્ય કેટલાક અગ્રણીઓ તેને ચેરમેન તરીકે ઈચ્છે છે. સાવલિયા, બોઘરા પૈકી બન્નેને એક એક પદ અપાય તે પણ શકય છે. વિજય કોરાટ માટે બેન્ક પ્રેરીત ગણાતુ જુથ ઈચ્છુક હોવાનું કહેવાય છે. જે.કે. તરીકે ઓળખાતા જયેશ પીપળીયાનું નામ પણ અમુક આગેવાનો સૂચવી રહ્યા છે. સ્થાનિક સરળ અગ્રણી તરીકે કેશુભાઈ નંદાણીયાનું નામ ઉપસે છે. જીતેન્દ્ર સખીયાનું નામ સાવ અવગણી શકાય તેમ નથી. બે બળીયામાંથી કોઈ ફાવે છે કે બન્નેની લડાઈમાં ત્રીજુ કોઈ ફાવી જાય છે ? તે તો કાલે જ ખબર પડશે.  સુકાનીઓ બનવા માટે અને બનતા રોકવા માટે પ્રદેશ કક્ષા સુધી સામસામી સાચી-ખોટી રજૂઆતો ચાલી રહી છે. નિર્ણય પ્રદેશના નામે જાહેર થશે પરંતુ તેમા નિર્ણાયક ભૂમિકા અમુક સ્થાનિક આગેવાનોની જ રહેશે. (૨-

એક દાવેદારના ગામની કુંડળીમાં કોંગીની લીડના આંકડા નીકળ્યા

અંદરોઅંદર એકબીજાને પછાડવા જબરા ખેલ

રાજકોટ, તા. ૧ :. કાલે માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી પૂર્વે અમુક દાવેદારો અને તેમના ટેકેદારો દ્વારા પાર્ટીલાઈનની વાતો વચ્ચે એકબીજાને આંતરીક રીતે પછાડવા ચોંકાવનારી રજૂઆતો સાથે અવનવા દાવપેચ થઈ રહ્યાની વાતો બહાર આવી રહી છે. ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા એક દાવેદારના ગામમાં છેલ્લી એક-બે ચૂંટણીમાં કોંગ્રેસની લીડ નીકળ્યાની આંકડા સાથેની રજૂઆત પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યાનું જાણવા મળે છે. અન્ય એક દાવેદારના યાર્ડના વહીવટ બાબતે પણ ગરમાગરમ વાતો ઉપર સુધી પહોંચાડવામાં આવી છે. આ રજૂઆતની કેટલી અસર રહે છે ? તે અલગ બાબત છે પણ એકબીજાનો રાજકીય અભ્યાસ કરવાની વૃત્તિ ઘણુ કહી જાય છે.

(12:50 pm IST)