Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

એર કાર્ગો શરૂ કરવા પણ માંગણી

ચેમ્બર દ્વારા એરપોર્ટ ડાયરેકટરની શુભેચ્છા મુલાકાત : પ્રશ્નોની રજુઆત

રાજકોટ, તા.૧ : રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા લોકો રોજ-બરોજ રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી હવાઇ સેવા મારફતે મુસાફરી કરતા હોય છે ત્યારે તેઓને વધુ સારી હવાઇ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રા તથા માનદ્મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ રાજકોટ એરપોર્ટ ખાતે નવા નિયુકત થયેલ ડાયરેકટરશ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઇ રાજકોટની એરલાઇન્સની સુવિધા અર્થે રજુઆત કરવામાં આવેલ જેમાં ખાસ કરીને રાજકોટ એરપોર્ટના રન-વેની લંબાઇ વધી ગયેલ છે અને રાત્રી પાર્કીંગ સુવિધા પણ ઉપલબ્ધ થઇ ગયેલ છે ત્યારે રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી માટે ઇન્ડીગો એરલાઇન્સ ફલાઇટ શરૂ કરવા માટે તૈયાર છે તો તેને તાત્કાલીક મંજુરી આપી વહેલી તકે શરૂ કરાવી. સાથો સાથે રાજકોટ એમએસએમઇનું હબ હોય તથા તમામ ઔદ્યોગિક, વાણિજિયક, ખેત વિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે ે કરોડરજ્જુની ગરજ સારે છે અને સૌથી વધુ એકસપોર્ટ રાજકોટમાંથી થતું હોવાથી રાજકોટના નિકાસકારોને પાર્સલ વાયા અમદાવાદ મોકલવું પડે છે જેથી ડાયરેકટ રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલીક એર કાર્ગો સર્વિસ પણ શરૂ કરવી. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્વારા ધામે અવાર-નવાર જતા હોવાથી રાજકોટ-દિલ્હી વાયા ઉદયપુર માટે ડેઇલી ફલાઇટ તથા રાજકોટ-બેંગલોર વાયા મુંબઇ ડેઇલી ફલાઇટ વહેલી તકે શરૂ કરવી. રાજકોટ ચેમ્બરની રજુઆત અંગે એરપોર્ટ ડાયરેકટરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી આ અંગે તાત્કાલીક યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે. આમ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઇન્સ સુવિધા મળી રહેશે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:22 pm IST)